અધ્યાય-૨૪૯-દુર્યોધનનો મરણ માટે નિર્ણય
II दुर्योधन उवाच II चित्रसेनं समागम्य प्रहसन्नर्जुनस्तदा I इदं वचनमकीवमन्ववित्परवीरहा II १ II
દુર્યોધન બોલ્યો-ચિત્રસેનને અર્જુન કહેવા લાગ્યો કે-'હે વીર,તારે મારા ભાઈઓને છોડી દેવા ઘટે છે કેમ કે જ્યાં સુધી પાંડુપુત્રો જીવતા હોય ત્યાં સુધી કોઈ એમની દુર્દશા કરે તે બની શકે નહિ' હે કર્ણ,આપણે જે વિચાર કરીને
હસ્તિનાપુરથી નીકળ્યા હતા કે-'સુખથી રહિત થયેલા તે પાંડવોને આપણે તેમની પત્ની સાથે જોઈશું'
તે વિચાર તે સમયે ચિત્રસેને અર્જુનને કહી દીધો.ત્યારે હું શરમાઈ ગયો ને મને થયું કે ભૂમિ માર્ગ આપે તો સમાઈ જાઉં
પછી યુધિષ્ઠિર પાસે જઈ,ત્યાં અમને બંદીવાન તરીકે રજુ કરવામાં આવ્યા ને આપણી દુષ્ટ વાત વિષે પણ તેમને જાણ કરવામાં આવી.તે સમયે હું બેડીમાં હતો ને એવી દશામાં સ્ત્રીઓની ને દ્રૌપદી સમક્ષ મને યુધિષ્ઠિર પાસે લઇ જવામાં આવ્યો-આથી વિશેષ બીજું દુઃખ કયું હોઈ શકે?
જેમને મેં નિત્ય અપમાનો આપ્યા,જેમનો હું સદૈવનો શત્રુ છું,તેમણે મને છોડાવ્યો,ને જીવતદાન આપ્યું.
આ કરતાં તો તે મહાયુદ્ધમાં મારું મરણ થયું હોત તો સારું થાત.આમ જીવવા કરતાં તો મોત મને કલ્યાણકારી થાત.હવે,મેં જે નિર્ધાર કર્યો છે તમે સાંભળો.હું અહીં પ્રાયોપવેશન (મૃત્યુ આવે ત્યાં સુધી એક આસને ઉપવાસ કરવા) કરીશ.તમે સર્વ દુઃશાસનને આગળ કરીને નગર તરફ પ્રયાણ કરો.શત્રુથી અપમાન પામેલો હું હસ્તિનાપુરમાં નહિ આવું.ત્યાં આવીને હું પિતાશ્રી,ભીષ્મ-આદિ સર્વને શું ઉત્તર આપું?
હું આજે પોતાના દોષ વડે ભ્રષ્ટ થયો છું,આવી સ્થિતિમાં ભીષ્મ-આદિની સાથે શું બોલી શકીશ?
ઉદંડ,મદાંધ મનુષ્યો,ઐશ્વર્ય પામ્યા છતાં લાંબા સમય સુધી સુખમાં રહેતા નથી,તેનો હું દાખલો છું.
અરેરે,આ કર્મ યોગ્ય નહોતું,છતાં મોહ ને ભૂંડી બુદ્ધિથી મેં આ કષ્ટકારી કર્મ કર્યું છે,ને સંકટમાં પડ્યો છું.
તેથી હું પ્રાયોપવેશન જ કરીશ.મારાથી હવે જીવતા નહિ જ રહેવાય,કેમ કે શત્રુઓએ જેને સંકટમાંથી ઉગાર્યો
હોય તેવો કયો ચેતનવાળો મનુષ્ય જીવવાની ઈચ્છા રાખે?મારી હાંસી થઇ છે ને અપમાન થયું છે (21)
પછી તે દુર્યોધન દુઃશાસનને કહેવું લાગ્યો કે-'હું તારો રાજ્યાભિષેક કરું છું,તું રાજા થા ને પૃથ્વીનું પાલન કર
હવે તું જા' આમ કહીતે તેની કોટે વળગ્યો ને તેનો કંઠ ભરાઈ આવ્યો.દુઃશાસન પણ દીન થઇ અત્યંત દુઃખાતુર થઈને કહેવા લાગ્યો-'તમે પ્રસન્ન થાઓ આમ નહિ બની શકે.હું તમારા વિના આ પૃથ્વી પર શાસન નહિ કરું.
તમે આપણા કુળમાં સો વર્ષ સુધી રાજા રહેશો' આમ કહી તે મોટા સાદથી રડવા લાગ્યો ને દુર્યોધનના પગ પકડી રહ્યો.દુઃશાસન ને દુર્યોધનને આમ દુઃખિત થયેલા જોઈ,કર્ણ પણ દુઃખથી ભરાઈને બોલ્યો કે-
'તમે સાધારણ મનુષ્યોની જેમ આમ કેમ ખેદ કરો છો?શોક કરી રહેલા મનુષ્યનો શોક કદી નાશ પામતો નથી,
ને તે શોક કદી દુઃખને દૂર કરી શકતો નથી તો પછી શોક કરી રહેલા તમે બંને આ શોકમાં શું સામર્થ્ય જુઓ છો?
શોક કરીને તમે રાખે શત્રુઓને આનંદ પમાડો.હે રાજન,તમને છોડાવીને પાંડવોએ પોતાનું કર્તવ્ય જ કર્યું છે.
કેમ કે રાજ્યમાં રહેનારાઓએ રાજાનું નિત્ય પ્રિય કરવું જ જોઈએ.માટે આ સ્થિતિમાં શોક ઘટે નહિ.
તમે પ્રાયોપવેશન વ્રતનો નિશ્ચય કર્યો,તેથી તમારા ભાઈઓ ખિન્ન થયા છે,માટે ઉઠો,ચાલો,
તમારું કલ્યાણ હો.તમે તમારા ભાઈઓને આશ્વાસન આપો. (41)
અધ્યાય-૨૪૯-સમાપ્ત