અધ્યાય-૨૪૫-ગંધર્વોનો પરાજય
II वैशंपायन उवाच II ततो दिव्यास्त्रसंपन्ना गन्धर्वा हेममालिनः I विसृजंतः शरान् दीप्तान्समंतात्पर्यवारयन् II १ II
વૈશંપાયન બોલ્યા-પછી,દિવ્ય અસ્ત્રોવાળા અને સોનાની માળા ધારણ કરનારા ગંધર્વોએ પાંડવોને ચારે બાજુથી ઘેરી
લીધા ને તેમના પર દેદીપ્યમાન બાણો છોડવા લાગ્યા.હજારો ગંધર્વો સામે પાંડવો તો ચાર જ હતા,છતાં તેમણે રણમાં
આ યુદ્ધ માંડ્યું તે એક આશ્ચર્ય જેવું હતું.ગંધર્વોની સામે પાંડવોએ પણ અનેક બાણોની વૃષ્ટિ કરી.
ને તે આકાશચારીઓ ચારે બાજુથી શરવૃષ્ટિથી ઢંકાઈ ગયા અને પાંડુપુત્રોની નજીક પણ જઈ શક્યા નહિ.
અર્જુને,આગ્નેયાસ્ત્ર મૂકી હજારો ગંધર્વોને યમપુરીમાં મોકલ્યા.ભીમે ને નકુલ-સહદેવે પણ સેંકડો શત્રુઓને પુરા કર્યા,
ત્યારે ગંધર્વો,ધૃતરાષ્ટ પુત્રોને લઈને આકાશમાં ઉડી જવા લાગ્યા.અર્જુને ફરીથી તેમને બાણોથી ઘેર્યા.ને ત્યાં,
સ્થૂણાકર્ણ,ઇંદ્રજાળ,સૌર,આગ્નેય ને સૌમ્ય નામનાં અસ્ત્રો ચલાવ્યાં,ને ગંધર્વોનો ઘાણ કાઢી તેમને ત્રાસ આપ્યો.
એટલે ચિત્રસેન પોતે ગદા લઈને અર્જુન સામે ધસી આવ્યો.અર્જુને તેની ગદાના ટુકડા કરી નાખ્યા,એટલે તે દિવ્ય અસ્ત્રોનો પ્રયોગ કરવા લાગ્યો,કે જેની સામે અર્જુને પણ દિવ્ય અસ્ત્રોનો ઉપયોગ કરીને તેને ઢાંકી દીધો.
ત્યારે તે ગંધર્વરાજ,માયા વડે અલોપ થઇ ગયો ને અદ્રશ્ય રહીને અર્જુન પર પ્રહાર કરવા લાગ્યો.
ત્યારે ક્રોધે ભરાયેલા અર્જુને શબ્દવેધ બાણોનો આશરો લીધો ને ગંધર્વરાજને મારવા તૈયાર થયો.
ત્યાં તો તે ગંધર્વરાજે,અર્જુનને,પોતાના પ્રિય સખા તરીકે દર્શન આપીને કહ્યું કે-'મને તમે આ યુદ્ધમાં તમારો મિત્ર જાણો' દુર્બળ થયેલા પોતાના મિત્ર ચિત્રસેનને જોઈ,અર્જુને પોતાનું મૂકેલું અસ્ત્ર પાછું વાળ્યું.
અર્જુનને આમ કરતો જોઈને સર્વ પાંડવોએ પણ પોતાના અસ્ત્રોને વાર્યા ને રથોમાં ઉભા રહ્યા.(30)
અધ્યાય-૨૪૫-સમાપ્ત
અધ્યાય-૨૪૬-દુર્યોધનનો છુટકારો
II वैशंपायन उवाच II ततोर्जुनश्चित्रसेनं प्रहसन्निमब्रवीत I मध्ये गन्धर्वसैन्यानां महेष्वासो महाध्युतिः II १ II
વૈશંપાયન બોલ્યા-પછી,મહાકાંતિવાળા અર્જુને,હસતાં હસતાં ગંધર્વસેનાની વચ્ચે ચિત્રસેનને પૂછ્યું કે-
'હે વીર,કૌરવોને કેદ કરવામાં તારો શું હેતુ છે?તેં શા માટે દુર્યોધનને રાણીઓ સહિત પકડ્યો છે?'
ચિત્રસેન બોલ્યો-હે ધનંજય,સ્વર્ગમાં રહ્યે રહ્યે મેં આ પાપી દુર્યોધન તથા કર્ણનો વિચાર જાણી લીધો હતો.કે
તે સુખી તમારા દુઃખને જોવા,ને તમને અને દ્રૌપદીને હીણી પાડવા જઈ રહ્યા છે.ત્યારે મને ઇન્દ્રે કહ્યું કે-
'જા દુર્યોધનને તેના અમાત્યો સાથે બાંધીને લઇ આવ,તારે અર્જુન ને તેના ભાઈઓનું યુદ્ધમાં રક્ષણ કરવું
કેમ કે તે તારો પ્રિય મિત્ર છે અને તારો શિષ્ય છે' એથી ઇન્દ્રની આજ્ઞાથી હું અહીં આવ્યો છું.
એ દુરાત્માને મેં બાંધી રાખ્યો છે ને ઈંદ્રરાજની આજ્ઞાથી હું એ દુષ્ટને સુરધામે લઇ જઈશ'
અર્જુન બોલ્યો-'હે ચિત્રસેન,તું જો મારુ ભલું જ ઈચ્છતો હોય તો ધર્મરાજાના કહેવા પ્રમાણે દુર્યોધનને છોડી દે'
ચિત્રસેન બોલ્યો-'આ પાપી નિત્ય દુષ્ટ છે ને ધર્મરાજ ને કૃષ્ણાને હેરાન કરશે,માટે તેનો છુટકારો સારો નથી.
એને શું કરવા ધાર્યું હતું તે યુધિષ્ઠિર જાણતા નથી,છતાં પણ તારી ઇચ્છામાં આવે તેમ કર'
વૈશંપાયન બોલ્યા-પછી,તે સર્વે યુધિષ્ઠિર પાસે ગયા ને તેમને સર્વ વાતથી વિદિત કર્યા.ધર્મરાજ બોલ્યા-
'હે તાત ચિત્રસેન,તમે ગાંધર્વોએ અમારા પર ઉપકાર કર્યો છે ને આ દુરાત્માના છુટકારાથી મારા કુળનો પરાભવ થતો અટક્યો છે.અમે તમારા દર્શનથી પ્રસન્ન થયા છીએ.અમે તમારી સેવા કરીએ પછી તમે અહીંથી જજો'
પછી,થોડા સમય બાદ ધર્મરાજની આજ્ઞા લઈને ચિત્રસેન ત્યાંથી જવા નીકળ્યા.જે ગંધર્વો યુદ્ધમાં મૃત્યુ
પામ્યા હતા તેમને ઇન્દ્રે અમૃતવર્ષા કરીને સજીવન કર્યા ને તેઓ પણ પાછા ફર્યા.
પછી,પાંડવોએ સર્વનું સન્માન કર્યું ને દુર્યોધનને કહ્યું કે-'હે ભાઈ,ફરી આવું સાહસ ક્યારેય કરીશ નહિ કારણકે આવું સાહસ કરનારા ક્યારેય સુખ પામતા નથી,હવે તું તારી ઈચ્છા મુજબ ઘેર જા.ખેદ કરીશ નહિ'
આમ,યુધિષ્ઠિરે આજ્ઞા આપી,ત્યારે દુર્યોધને,યુધિષ્ઠિરને પ્રણામ કરીને લજવાતો નગર તરફ પાછો વળ્યો.
બ્રાહ્મણોએ,પાંડવોને સન્માન આપ્યું ને પછી પાંડવો દ્વૈતવનમાં આનંદભેર વિહાર કરવા લાગ્યા (27)
અધ્યાય-૨૪૬-સમાપ્ત