અધ્યાય-૨૪૩-યુધિષ્ઠિરનો પાંડવોને ઉપદેશ
II युधिष्ठिर उवाच II अस्मानभिगता स्तात भयार्ताच्छरणैपिण : I कौरवान विपमप्राप्तान कथं ब्रूयास्त्वमिदशम् II १ II
યુધિષ્ઠિર બોલ્યા-હે ભીમ,કૌરવો સંકટમાં પડયા છે,ભયથી આપણું શરણ ઈચ્છે છે,તો તારાથી આવું કેમ બોલાય? જયારે બહારનો માણસ,કુળ પર હાથ નાખે ત્યારે તેનું અપમાન કેમ સહન કરાય?ગંધર્વો જાણે છે કે આપણે અહીં લાંબા વખતથી રહીએ છીએ,છતાં તેમણે આપણું આ અપ્રિય કાર્ય કર્યું છે.આપણા કુળનો ઘાત થયો છે ત્યારે કુળના ઉદ્ધાર માટે અને શરણાગતની રક્ષા માટે તમે સજ્જ થાઓ.વિલંબ કરો નહિ ને તે દુર્યોધનને છોડાવો.કોઈ પણ ક્ષત્રિય,શરણાર્થે આવેલાને પુરી શક્તિથી રક્ષે છે,હે ભીમ,તારે માટે તો કહેવું જ શું?
વરદાન આપવું,રાજ્યલાભ કરવો અને પુત્રપ્રાપ્તિ થવી-એ ત્રણ અને બીજી તરફ શત્રુને પણ ક્લેશથી છુટકારો અપાવવો એ સમાન ગણાય છે.દુર્યોધન સંકટમાં છે,ને તારા બાહુબળનો આશ્રય કરીને જીવન ઈચ્છે છે.
મેં જો આ યજ્ઞ માંડ્યો ન હોત તો હું જાતે જ ત્યાં દોડી જાત.તું જા ને સામ થી તેને છોડાવવાનો પ્રયત્ન કર ને
ગંધર્વરાજ જો સામ ના ઉપાયથી ના માને તો પરાક્રમથી તેને છોડાવ.આટલો જ મારો સંદેશ ને આજ્ઞા છે'
યુધિષ્ઠિરનાં વચન સાંભળીને ધનંજય મોટાભાઈની આજ્ઞા પ્રમાણે કૌરવોને મુક્ત કરાવવાની પ્રતિજ્ઞા કરતાં બોલ્યો કે-જો ગંધર્વો સમજાવટથી કૌરવોને છોડશે નહિ તો આ ભૂમિ પર આજ ગંધર્વરાજનું લોહી રેડાશે.(22)
અધ્યાય-૨૪૩-સમાપ્ત
અધ્યાય-૨૪૪-પાંડવોનું ગંધર્વો સાથે યુદ્ધ
II वैशंपायन उवाच II युधिष्ठिरवचः श्रुत्वा भीमसेनपुरोगामाः I प्रहृष्टवदना: सर्वे समुत्तस्युर्नरर्पमा : II १ II
વૈશંપાયન બોલ્યા-યુધિષ્ઠિરનાં વચન સાંભળી ભીમસેન આદિ સર્વ નરસિંહો પ્રસન્નવદને ઉભા થઈને અભેદ્ય કવચો ધારણ કરીને,વિવિધ આયુધો સજીને રથમાં બેઠા.ને ત્યાંથી પ્રયાણ કર્યું.પાંડવોને આવતા જોઈને ગંધર્વો પાછા વળ્યા.અર્જુને તેમને શાંતિથી કહ્યું કે-'તમે દુર્યોધનને છોડી દો ' એટલે ગંધર્વોએ સામે જવાબ આપ્યો કે-
'અમે એક દેવરાજ ઇન્દ્રની જ આજ્ઞાને ઉઠાવીએ છીએ,ને તેમના આદેશ મુજબ જ વર્તીએ છીએ,
તેમના સિવાય અમારો કોઈ શાસક નથી'
ત્યારે અર્જુન બોલ્યો કે-આ નિંદિત કર્મ ગાંધર્વરાજને યોગ્ય નથી.ધર્મરાજની આજ્ઞાથી તમે આ ધૃતરાષ્ટ્ર પુત્રો ને તેમની પત્નીઓને મુક્ત કરો.આ સમજાવટ છતાં,તમે જો એમ નહિ કરો તો હું પોતે જ પરાક્રમથી સર્વને મુક્ત કરાવીશ' ત્યારે ગંધર્વોએ તેની સામે તીવ્ર બાણોની ઝડી વરસાવી.પાંડવોએ પણ સામી બાણધારાઓ કરી.
ને આ રીતે ગંધર્વો ને પાંડવો વચ્ચે અત્યંત ઘોર યુદ્ધ શરુ થયું (22)
અધ્યાય-૨૪૪-સમાપ્ત