અધ્યાય-૨૪૧-ગંધર્વોએ યુદ્ધમાંથી કર્ણને ભગાડ્યો
II वैशंपायन उवाच II ततस्ते सहिताः सर्वे दुर्योधनमुपागमन I अत्रुवन्श्च महाराज यद्चुः कौरव प्रति II १ II
વૈશંપાયન બોલ્યા-હે મહારાજ,અગ્રણીઓએ પાછા આવી દુર્યોધનને,ગંધર્વોએ કહેલ વચનો કહ્યાં,ત્યારે દુર્યોધન
ક્રોધથી ભરાઈને બોલ્યો-'મારુ અપ્રિય કરનાર તે ગંધર્વોને તમે શિક્ષા કરો.ઇન્દ્ર પણ ક્રીડા કરતા હોય તો પણ શું?'
દુર્યોધનનાં વચનોથી કર્ણ,કૌરવો ને હજારો યોદ્ધાઓ યુદ્ધ માટે સજ્જ થઈને,બળપૂર્વક વનમાં પ્રવેશ્યા.
એટલે ગંધર્વોએ ચિત્રસેનને,આ વિશે નિવેદન કર્યું એટલે તેણે કહ્યું કે-'તે અનાર્યોને શિક્ષા કરો'
ત્યારે,ગંધર્વો હથિયારો સજીને સામે યુદ્ધ કરવા આવ્યા.દુર્યોધન,શકુનિ,દુઃશાસન,વિકર્ણ ને બીજાઓ
રથોમાં બેસીને કર્ણને મોખરે રાખી ગંધર્વ સેનાનો નાશ કરવા લાગ્યા.ગંધર્વો પણ એકસામટા કૌરવો ઉપર તૂટી પડ્યા.અતિઘોર યુદ્ધ થયું.ગંધર્વો ઢીલા પડવા લાગ્યા ત્યારે ચિત્રસેને આવી,માયાસ્ત્રનો આશરો લઈને યુદ્ધ કરવા માંડ્યું.કૌરવોનો એકેક યોદ્ધો દશ દશ યોદ્ધાઓથી ઘેરાઈ ગયો.અને રણભૂમિમાં કૌરવોની સેનામાં ભંગાણ પડ્યું.
પછી,સર્વ ગંધર્વોએ હજારોની સંખ્યામાં એકઠા થઈને કર્ણના રથ પર તેને મારવાની ઇચ્છાએ ધસારો કરીને,
તેના શસ્ત્રો ને તેનો રથ તોડી નાખ્યો ને સારથિને ગબડાવી પાડ્યો.એટલે કર્ણ માત્ર ઢાલ તલવાર લઈને
રથમાંથી કૂદીને વિકર્ણના રથમાં જઈ બેઠો,ને પોતાના બચાવ માટે રથને હાંકી મૂક્યો.(32)
અધ્યાય-૨૪૧-સમાપ્ત
અધ્યાય-૨૪૨-કેદ થયેલો દુર્યોધન ને ભીમનો ઉત્તર
II वैशंपायन उवाच II गन्धर्वैस्तु महाराज भग्ने कर्णे महारथे I संप्रादवच्चम्: सर्वा धार्तराष्ट्रस्य पश्यत:II १ II
વૈશંપાયન બોલ્યા-હે મહારાજ,જે સમયે મહારથી કર્ણ,ગંધર્વોને હાથે હારીને,આમ પલાયન થઇ ગયો,ત્યારે સર્વ સેના દુર્યોધન સમક્ષ જ નાસભાગ કરવા લાગી ને પીઠ બતાવવા લાગી.છતાં,દુર્યોધન ગંધર્વો સામે બાણ ચલાવી રહ્યો હતો.ત્યારે ગંધર્વોએ તેના બાણની પરવા કર્યા વગર તેને ચારે બાજુથી ઘેરી લઈને,તેના શસ્ત્રો,સારથિ ને રથને તોડી નાખ્યા.ને રથમાંથી જમીન પર ગબડી પડેલા દુર્યોધનને,ચિત્રસેને જીવતો જ પકડી લીધો.
દુર્યોધન પકડાયો પછી ગંધર્વોએ દુઃશાસન આદિ કૌરવોને પણ ઘેરી લઈને કેદ કર્યા ને સૈન્યની પૂંઠ પકડી.
ત્યારે તે પ્રથમથી ભાગેલા સૈનિકો ને મંત્રીઓ નજીકમાં રહેલા પાંડવોના શરણે ગયા.ને કહેવા લાગ્યા કે-દુર્યોધન આદિને ગંધર્વો હરી જાય છે,તો હે પૃથાનંદનો તેમની વહારે ધાઓ' ત્યારે ભીમસેન કહેવા લાગ્યો કે-'અહો,અમારે જે કામ મહાપ્રયત્ને કરવાનું હતું તે ગંધર્વોએ આજે કરી નાખ્યું.મેં સાંભળ્યું છે કે-અસમર્થ મનુષ્યો જે દ્વેષ કરે છે,તેનો વિનાશ બીજા જ કરે છે.અમારા ભાગ્યની વાત છે કે કોઈ પુરુષ તો અમારા પ્રિયને ઈચ્છે છે.કે જેણે અમારો ભાર ઉતારી નાખ્યો છે.અમે દુઃખમાં દિવસો કાઢી રહ્યા છીએ તે તે દુર્મતિયો જોવા ઈચ્છતો હતો'
ત્યારે યજ્ઞકર્મમાં બેઠેલા યુધિષ્ઠિરે કહ્યું-'હે ભીમ,આ સમય કઠોર વચન કહેવાનો નથી' (22)
અધ્યાય-૨૪૨-સમાપ્ત