અધ્યાય-૨૩૪-દ્રૌપદીનો સત્યભામાને ઉપદેશ
II द्रौपदी उवाच II
इमं तु ते मार्गमपेतमोहं वक्ष्यामि चित्तग्रहणाय भर्तुः I अस्मिन्यथावत्सखी वर्तमाना भर्तारमाच्छेत्स्यसि कामिनिभ्यः II १ II
દ્રૌપદી બોલી-હે સખી,સ્વામીના ચિત્તને આકર્ષવા માટે હું તમને આ નિઃસંશય માર્ગ કહું છું,તમે જો એ માર્ગે યથાવત વર્તશો તો તમે તમારા પતિને બીજી કામિનીઓથી છોડાવી શકશો.પતિ જો પ્રસન્ન થાય તો સર્વ મનોરથો ફળે છે
ને જો કોપવશ થાય તો સર્વ નાશ આવે છે.પતિના પ્રસન્ન થવાથી સ્ત્રીઓને સંતાન,વિવિધ ભોગો,
શય્યાઓ,વસ્ત્રો,માળાઓ,સુગંધો,સ્વર્ગલોક ને કીર્તિ મળે છે.આ સંસારમાં સુખ કંઈ સુખપૂર્વક મળતું નથી.
તમે નિત્ય હૃદય,પ્રેમ ને સેવાપૂર્વક કૃષ્ણનું આરાધન કરો,સરળ સૌજન્યથી તેમને પ્રસન્ન કરો
જેથી 'હું આને વહાલો છું' એવું જાણીને કૃષ્ણ તમને જ વળગી રહેશે.
પતિ બહારથી આવે ત્યારે જળ,આસન વગેરે આપી,તેમની તરત જ સેવા કરવી.પતિ તમારી સમક્ષ કોઈ પણ વાત કરે તો તમારે તેને પેટમાં સંઘરી રાખવી,કેમ કે તમે જો બીજાને કહો,ને તે શ્રીકૃષ્ણને કહે તો તેમને તમારા પ્રત્યે અપ્રીતિ થશે.પતિના પ્રિય હોય,ભક્ત હોય કે હિતકારી હોય તેમને તમે વિવિધ ઉપાયથી ભોજન કરાવજો,પણ જેઓ પતિના દ્વેષી ને હિતકારી હોય તેનાથી તમે નિત્ય વેગળા રહેજો.બીજા પુરુષો સંબંધમાં તમારે મનને સંયમમાં રાખી અને મૌન ધારણ કરીને વર્તવું.પ્રદ્યુમ્ન ને સાંબ તમારા પુત્રો છે,તો પણ ક્યારેય એકાંતમાં તેમની સાથે ન બેસવું.મોટા કુળવાળી,પાપરહિત અને સતીસ્ત્રીઓ સાથે જ સખીપણું રાખવું.ને દુરાચારી સ્ત્રીઓથી દૂર રહેવું.
આ માર્ગ યશ દેનારો છે,સ્વાર્થ સાધનારો છે અને શત્રુને ઉખેડનારો છે.તમે મહામૂલ્યવાન માળાઓ,
અલંકારો,વસ્ત્રો ને ઉત્તમ સુગંધો ધારણ કરીને પતિની આરાધના કરો (12)
અધ્યાય-૨૩૪-સમાપ્ત
અધ્યાય-૨૩૫-દ્રૌપદીને સાંત્વન અને શ્રીકૃષ્ણનું પ્રયાણ
II वैशंपायन उवाच II मार्कण्डेयादिभिर्विप्रेः पाण्डवैश्च महात्मभि: I कथाभिरनुकुलामिः सह स्थित्वा जनार्दन: II १ II
વૈશંપાયન બોલ્યા-માર્કંડેય આદિ વિપ્રો સાથે તથા પાંડવો ને જનાર્દને અનુકૂળ કથાઓ કરી પછી મધુસૂદને પાંડવો સાથે ખાનગી વાતચીત કરી,ત્યાંથી જવાની ઇચ્છાએ કેશવે સત્યભામાને બોલાવ્યા.ત્યારે સત્યભામા નીકળતી વખતે દ્રૌપદીને ભેટીને તેને સાંત્વન આપીને કહેવા લાગી કે-હે કૃષ્ણા,તમે ચિંતા કરશો નહિ,પાંડવોએ જીતેલી પૃથ્વીને તે પાછી મેળવશે,તમે જોશો કે ધૃતરાષ્ટ્રના પુત્રોનો વધ થશે,ને રાજ્ય પાછું મળશે.
તમારા પુત્રો,પ્રતિવિન્ધ્ય,સુતસોમ,શ્રુતકર્મા,શતાનિક અને શ્રુતસેન અસ્ત્રવિદ્યામાં કુશળ થયા છે.દ્વારકામાં તેમને સુભદ્રા,પોતાના પુત્ર અભિમન્યુથી પણ વિશેષ રાખે છે.રુક્મિણી,કૃષ્ણ ને બલરામ પણ તેમનું સદૈવ ધ્યાન રાખીને લાલનપાલન કરે છે,ને પોતાના પુત્રો કરતાં પણ વિશેષ કાળજી રાખે છે,ને તેઓ કુશળ છે'
આમ કહીને તે વાસુદેવ પાસે ગયાં,ને રથમાં ચડ્યાં.શ્રીકૃષ્ણે પણ સ્મિતપૂર્વક દ્રૌપદીને સાંત્વન આપ્યું.
ને ત્યાંથી પોતાની નગરી તરફ પ્રયાણ કર્યું.(18)
અધ્યાય-૨૩૫-સમાપ્ત
દ્રૌપદી-સત્યભામા સંવાદ પર્વ સમાપ્ત