May 3, 2024

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-505

 

અધ્યાય-૨૨૭-સ્કંદનું ઇન્દ્ર સાથે યુદ્ધ 


II मार्कण्डेय उवाच II ग्रहाः सोपग्र्हाश्चैव ऋषयो मातरस्तथा I हुताशन मुखाश्चैव दप्ताः पारिपदां गणाः II १ II

માર્કંડેય બોલ્યા-હવે,ગ્રહો,ઉપગ્રહો,ઋષિઓ,માતૃકાઓ,હુતાશન આદિ દેવો,પાર્ષદો ને અનેક સ્વર્ગનિવાસીઓ માતૃગણોની સાથે તે મહાસેન (સ્કંદ)ને વીંટળાઈને રહ્યાં.વિજયનો સંદેહ હોવા છતાં,ઇન્દ્ર,ઐરાવતની પર બેસીને,

ને વજ્ર ધારણ કરીને,તે સ્કંદનો વધ કરવાની ઇચ્છાએ નીકળ્યો.તેની સાથે 'દેવસેના' ચાલી રહી હતી.તે ઉગ્ર હતી ને મહાગર્જના કરતી હતી.ઇન્દ્ર વેગથી તે સ્કંદ (કાર્તિકેય) તરફ ચાલી રહ્યો.

ઇન્દ્રને આવતો જોઈને સ્કંદે સિંહનાદ કર્યો.ને પોતાના મોંમાંથી અગ્નિજ્વાળાઓ છોડવા લાગ્યો.ને દેવસૈન્યોને તથા દેવોને બાળવા લાગ્યો.બળી રહેલા દેવો,ઇન્દ્રને છોડીને અગ્નિપુત્રને શરણે ગયા.ત્યારે ઇન્દ્રે વજ્રનો પ્રહાર કરી સ્કંદનું જમણું પડખું ભેદી નાખ્યું,તો તે સ્થાનેથી વિશાખ નામનો મનુષ્ય ઉત્પન્ન થયો.બીજા પુરુષને ઉત્પન્ન થયેલો જોઈ,ઇન્દ્ર ભય પામ્યો ને સ્કંદના શરણે ગયો,ત્યારે સ્કંદે તેને અને તેના સૈન્યને અભયદાન આપ્યું.(18)

અધ્યાય-૨૨૭-સમાપ્ત 


અધ્યાય-૨૨૮-સ્કંદના પાર્ષદો 


II मार्कण्डेय उवाच II स्कन्दपारिपदान घोरान् शृणुष्वादभृतदर्शनान I वज्रप्रहारात्स्कन्दस्य जज्ञुस्तत्र कुमारका II १ II

માર્કંડેય બોલ્યા-સ્કંદના ભયંકર અને વિચિત્ર દેખાવવાળા પાર્ષદોના નામ સાંભળો.તેઓ સ્કંદને જ્યાં પ્રહાર થયો હતો ત્યાંથી ઉત્પન્ન થયા હતા.તે દારુણ કુમારો ગર્ભમાં રહેલા તેમ જ પ્રસવ પામેલા બાળકોનું હરણ કરે છે.

વળી એ વજ્રપ્રહાર સ્થાનેથી મહાબળવાન કન્યાઓ પણ ઉત્પન્ન થઇ હતી.તે કુમારો ને કુમારિકાઓ વિશાખને પોતાના પિતા તરીકે માન્યો.તે વિશાખે પોતાનું મોં બકરાના જેવું કર્યું ને પોતાની કન્યાઓ ને કુમારોથી વીંટાઇને સ્કંદનું રક્ષણ કરવા લાગ્યો હતો.તે ભદ્રશાખ અને કૌશલને નામે સ્કંદના પુત્ર તરીકે પ્રખ્યાત થયો હતો.

વળી,સર્વ પ્રદેશોમાં લોકો,રુદ્રને અગ્નિ તરીકે ને ઉમાને સ્વાહા માનવા લાગ્યા હતા.


વિશાખથી ઉત્પન્ન થયેલી કન્યાઓએ તપ નામના અગ્નિને જન્મ આપ્યો હતો.અને સ્કન્દની કૃપાથી તે 

સાત શિશુમાતાઓ (કાકી,હલિમા,માલિની,બૃંહિતા,આર્યા,પલાલા અને વૈમિત્રા) તરીકે પ્રખાત થઇ.

સાત માતાઓ ને આઠમો તેમનો 'શિશુ'નામે પુત્ર વીરાષ્ટક ગણ કહેવાય છે.છાગ (બકરા)ના મુખ સાથે એને 'નવક' પણ કહેવામાં આવે છે.છાગનું મુખ એ સ્કન્દનું,છ મુખોમાંનું છઠ્ઠું (શ્રેષ્ઠ) મુખ પણ કહેવાય છે.(15)

અધ્યાય-૨૨૮-સમાપ્ત