અધ્યાય-૨૨૫-સ્વાહાથી કાર્તિકેય (સ્કંદ)ની ઉત્પત્તિ
II मार्कण्डेय उवाच II शिवा भार्या त्वंगीरस: शीलरूपगुणान्विता I तस्याः सा प्रथमं रूपं कृत्वा देवी जनाधिप II १ II
માર્કંડેય બોલ્યા-હે જનનાથ,તે સ્વાહાએ પ્રથમ અંગિરાની પત્ની 'શિવા'નું રૂપ લીધું ને અગ્નિ પાસે જઈને કહેવા લાગી કે-'હે અગ્નિ,હું અંગિરાની શિવા નામની પત્ની છું તમે મારો સ્વીકાર કરો.બીજી ઋષિપત્નીઓએ મંત્રણા કરીને મને મોકલી છે.તમારા હાવભાવ પરથી તમારું મન જાણી લઈને તેઓએ મને અહીં મોકલી છે,તમે મારી કામવાસનાને ઝટ સંતોષો,તેઓ મારી વાટ જુએ છે,મારે ત્યાં જલ્દી પહોંચી જવું પડશે'
પછી,અગ્નિએ આનંદ પામી તે શિવાનો સ્વીકાર કર્યો.આમ તે (શિવારૂપ ધરેલી) સ્વાહાએ,તે અગ્નિ સાથે સમાગમ કર્યો,તેણે અગ્નિનું વીર્ય એક સુવર્ણકુંડમાં નાખ્યું.આમ,,તે સ્વાહાએ,અરૂંધતી સિવાય બીજી છ ઋષિપત્નીઓનાં રૂપ લઈને અગ્નિ સાથે સમાગમ કર્યો ને તે છ વખતનું વીર્ય તેણે પેલા સુવર્ણકુંડમાં નાખ્યું.
કુંડમાં નાખેલા તે વીર્યથી એક પુત્ર જન્મ્યો.ઋષિઓએ પૂજેલું તે સ્કન્ન (પડેલું) વીર્ય સ્કંદપણાને પામ્યું,એટલે તે પુત્રનું નામ 'સ્કંદ' પડ્યું.તે કુમારને છ મસ્તક,બાર કાન,બાર નયન,બાર હાથ,એક ડોક ને એક ઉદર હતાં.
જન્મતાં જ તે કુમારે શિવજીનું ધનુષ્ય પકડી લઈને ગર્જના કરવા માંડી,ને ઉત્તમ શંખથી નાદ કરવા લાગ્યો.
અતિબળવાન એવા તેની ગર્જના સાંભળીને અનેક માણસો ગબડી પડયા,ને જાતજાતના મનુષ્યો તેને શરણે ગયા કે જે તે સ્કંદના પાર્ષદો કહેવાયા.તે સ્કંધે હાથમાં શક્તિ લઈને શ્વેતગિરિનું શિખર ભેદી નાખ્યું,ને પૃથ્વી છોડીને આકાશમાં ઉડવા લાગ્યો,તેના બળથી પૃથ્વી ને પર્વતો પીડાવા લાગ્યા ને દીન થઈને એને નમસ્કાર કરી પૂજા કરવા લાગ્યા.ત્યારથી લોકો શુક્લપક્ષની પાંચમે તે સ્કંદદેવની પૂજા કરે છે (39)
અધ્યાય-૨૨૫-સમાપ્ત
અધ્યાય-૨૨૬-સ્કંદની કથા
II मार्कण्डेय उवाच II तस्मिन जाते महासत्वे महासेने महाबले I समुतस्युर्भहोत्पाता घोररुपाः पृथग्विधाः II १ II
મહાસત્વશાળી ને મહાબળવાન એવા તે મહાસેન (સ્કંદ) જન્મ પામ્યા ત્યારે જાતજાતના મહાન ને ભયંકર ઉત્પાતો થવા લાગ્યા હતા.તે જોઈ ચૈત્રરથ વનમાં વસતા લોકો કહેવા લાગ્યા કે-'સપ્તર્ષિઓની છ પત્નીઓ સાથે સંગ કરીને,અગ્નિએ જ આ મહાન અનર્થ આણ્યો છે' ઋષિઓએ આ જાણ્યું,એટલે લોકોપવાદના ભયથી (અરૂંધતી સિવાય)પોતાની પત્નીઓને ત્યજી દીધી.પછી,સર્વ દેવો ઇન્દ્રને શરણે જઈને તેને સ્કંદને મારી નાખવાની વિનંતી કરી.ત્યારે ઇન્દ્રે કહ્યું કે-'આ બાળક અતિ બળવાન છે,એનો નાશ કરવાની હામ હું ધરી શકતો નથી'
એટલે દેવો લોકમાતાઓ શરણે જઈને તેમને સ્કંદને મારી નખવાની વિનંતી કરી,એટલે લોકમાતાઓ તે કુમાર સામે ગઈ,પણ અનુપમ બળવાળા તે કુમારને જોઈને તેમનાં મોં પડી ગયાં,ને તેઓ તેને શરણે જઈ કહેવા લાગી કે-
'હે મહાબળવાન તું અમારો પુત્ર થા' એટલે સ્કન્દે તેમનું સન્માન કર્યું ને તેમના મનોરથો પૂર્ણ કર્યા.
તે સમયે તે મહાબળવાને પોતાના પિતા અગ્નિને આવતા જોયા,એટલે તેણે ને લોકમાતાઓએ તેમનું પૂજન કર્યું.
તે અગ્નિ સ્કંદની ચારે બાજુ વીંટાઇને તેની રક્ષા કરવા લાગ્યો.લોકમાતાઓ ને તેમનાથી ઉત્પન્ન થયેલી કન્યાઓ પણ સ્કંદનું રક્ષણ કરવા લાગી.નૈગમેય નામનો અગ્નિ,બકરાનું મુખ ધારણ કરી તેની સેવા કરવા લાગ્યો (29)
અધ્યાય-૨૨૬-સમાપ્ત