May 1, 2024

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-503

 

અધ્યાય-૨૨૩-કાર્તિકેયની જન્મકથા ને કેશી દૈત્યનો પરાજય 


II मार्कण्डेय उवाच II अग्नीनां विविधा वंशाः कीर्तितास्ते मयानध I शृणु जन्म तु कौरव्य कार्तिकेयस्य धीमतः  II १ II

માર્કંડેય બોલ્યા-હે નિષ્પાપ,મેં તમને અગ્નિઓના વિવિધ વંશો વિષે કહ્યું હવે,બુદ્ધિમાન કાર્તિકેય(સ્કંદ) ની જન્મકથા સાંભળો.'અદભુત' અગ્નિને બ્રહ્મર્ષિઓની ભાર્યાઓથી એક પુત્ર (સ્કંદ-કે કાર્તિકેય) થયો હતો.

પૂર્વે,દેવાસુર સંગ્રામમાં,દેવસેનાનું રક્ષણ કરી શકે એવા પુરુષને ખોળતો ઇન્દ્ર માનસ પર્વત પર ગયો હતો ત્યારે તેણે કોઈ સ્ત્રીનો આર્તનાદ સાંભળ્યો 'અરે,કોઈ પુરુષ દોડો,મને બચાવો,મને બચાવનાર કોઈ પતિ બતાવો'


ઇન્દ્રે જોયું તો કેશી નામનો દૈત્ય તે કન્યાને હરી જતો હતો.ઇન્દ્રે તેને પડકાર્યો,ત્યારે કેશીએ ઇન્દ્ર પર પર્વતશિખર ફેંક્યું,જેને વજ્ર મારી ઇન્દ્રે તોડી નાખ્યું,એટલે તે કેશીના પર જ પડ્યું અને તે ચોટ પામીને ત્યાંથી નાસી ગયો.

ઇન્દ્રે તે કન્યાને પૂછ્યું કે-તું કોણ છે?કોની પુત્રી છે? ને અહીં શું કરે છે? (15)

અધ્યાય-૨૨૩-સમાપ્ત 


અધ્યાય-૨૨૪-દેવસેનાનો સ્વામી 


II कन्योवाच II अहं प्रजापतेः कन्या देवसेनेति विश्रुता I भगिनी मे दैत्यसेना स पूर्वे केशिना हृता II १ II

કન્યા બોલી-હું પ્રજાપતિની કન્યા 'દેવસેના' છું,મારે દૈત્યસેના નામે બહેન છે જેને પૂર્વે કેશી દૈત્ય હરી ગયો છે,

ને હવે તે મને હરી જવા ઈચ્છતો હતો.દૈત્યસેના તે અસુરને ઈચ્છે છે પણ હું તેને ઇચ્છતી નથી.હે દેવેન્દ્ર,તમારા સામર્થ્યથી હું તેનાથી છુટકારો પામી છું,હવે હું દુર્જેય પતિને પામવા ઈચ્છું છું તો તમે બતાવો 

ઇન્દ્ર બોલ્યો-તું મારી મસિયાઈ બહેન છે કેમ કે મારી માતા દક્ષ પ્રજાપતિની દીકરી છે.તું કેવો પતિ ઈચ્છે છે?


દેવસેના બોલી-'દેવો,દાનવો,યક્ષો,કિન્નરો,સર્પો,રાક્ષસો અને દુષ્ટ દૈત્યોનો જે વિજેતા થશે,તેમ જ 

સર્વ ભૂતોને,તમારી સાથે રહીને જે જીતશે તે મહાવીર્યવાન,ને કીર્તિ વધારનાર મારો સ્વામી થશે'.

દેવસેનાનાં  વચન સાંભળી ઇન્દ્ર વિચારવા લાગ્યો કે-'આ દેવી કહે છે તેવો તો કોઈ છે જ નહિ'

પછી,તે દેવસેનાને લઇ પિતામહ બ્રહ્મા ગયો ને તેમને કહ્યું કે-'આ દેવસેનાના માટે પતિ બતાવો'


બ્રહ્મા બોલ્યા-'મેં આ વિશે વિચાર કરી જ રાખ્યો છે.તારી ઈચ્છા પ્રમાણે તે બાળક (સ્કંદ કે કાર્તિકેય) 

બળવાન ને મહાપરાક્રમી થશે તારો સેનાપતિ થશે અને તે વીર્યવાન આ દેવસેનાનો પતિ થશે'

એટલે ઇન્દ્ર,તેમને નમસ્કાર કરીને દેવસેના સાથે વસિષ્ઠ-આદિ ઋષિઓ જ્યાં યજ્ઞ કરતા હતા ત્યાં 

સોમનું પાન કરવા તથા તપનો ભાગ મેળવવા ગયો.ત્યાં સર્વ ઋષિઓએ અગ્નિનું આવાહન કર્યું એટલે 

'અદભુત'અગ્નિ ઉપસ્થિત થયો,ને હવ્યોને સ્વીકાર્યા.ને તે હુતદ્રવ્યો તેણે દેવોને આપ્યા.(30)


તે અગ્નિ,ત્યાંથી જવા નીકળ્યો,ત્યારે ત્યાં બેઠેલી સુંદર ઋષિપત્નીઓને જોઈ તેમનામાં આસક્ત થયો,

એટલે તે ગાર્હપત્ય અગ્નિમાં પેસીને,સર્વ ઋષિપત્નીઓને જોતો રહેતો ને જ્વાળાઓથી તેમનો સ્પર્શ કરતો રહ્યો.

પણ તે બ્રાહ્મણસ્ત્રીઓ તેને મળી નહિ,એટલે તે દેહ ઓગાળી નાખવાનો નિશ્ચય કરી વનમાં ગયો.


તે વખતે,દક્ષપુત્રી 'સ્વાહા' કે જે તેને પ્રથમથી ચાહતી હતી.પણ તેને તે અગ્નિને મળવાની તક મળતી નહોતી.

જયારે તેણે જાણ્યું કે તે અગ્નિ કામથી સંતાપ પામીને વનમાં ગયો છે એટલે તેણે વિચાર્યું કે-'હું ઋષિઓની પત્નીઓનાં રૂપ લઇ તે અગ્નિને કામભોગ કરાવું તો તેને પ્રીતિ થશે અને મને કામપ્રાપ્તિ થશે' (42)

અધ્યાય-૨૨૪-સમાપ્ત