Apr 30, 2024

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-502

 

અધ્યાય-૨૨૧-બાર્હસ્પત્ય અગ્નિના વંશનું વર્ણન (ચાલુ)


II मार्कण्डेय उवाच II गुरुमिर्नियमैर्जातो भरतो पावकः I भरत्येप प्रजाः सर्वास्ततो भरत उच्यते II १ II

માર્કંડેય બોલ્યા-બ્રહસ્પતિના વંશનો ભરત નામનો અગ્નિ ભારે નિયમો ધારણ કરવાથી જન્મ્યો હતો.તે તુષ્ટ થઈને પુષ્ટિ આપે છે તેથી તેનું બીજું નામ પુષ્ટિમતિ છે.તે સર્વ પ્રજાઓનું ભરણપોષણ કરે છે તેથી તેને ભરત કહેવામાં આવે છે.

તપનો ત્રીજો પુત્ર જે શિવ નામે અગ્નિ છે તે (નિર્વિકલ્પ સમાધિમાં) ચૈતન્ય શક્તિની પૂજામાં તત્પર રહે છે.

આ ઉપરાંત વેદ પારંગત બ્રાહ્મણો કહે છે કે તેને ઉષ્મા,મનુ,શંભુ,આવસ્થ્ય,સૂર્ય આદિ પુત્રો પણ હતા.

અંગિરાએ સર્જેલા ભાનુ (બૃહદ્ભાનુ)ને બે પત્નીઓ (સુપ્રજા ને બૃહદભાસા)થી છ પુત્રો થયા હતા.

(બલદ,મન્યુમાન,વિષ્ણુ,આગ્રયણ,વિશ્વદેવ ને સ્તૂભ)

આ ભાનુનું બીજું નામ મનુ છે કે જેની ત્રીજી પત્ની નિશાથી આઠ સંતાનો જન્મ્યા હતા.

(અગ્નિ,સોમ ને (નીચે મુજબના) બીજા પાંચ અગ્નિઓ અને એક કન્યા)

વૈશ્વાનર,વિશ્વપતિ,સ્વિષ્ટકૃત,સંનિહિત,કપિલ,અગ્રણી -આ પાંચ મનુના પુત્રો છે.

આ ઉપરાંત,દુષ્ટ થયેલા અગ્નિહોત્રના પ્રાયશ્ચિત માટે આ પૃથ્વીમાં ભયંકર એવા અગ્નિઓ પણ સર્જ્યા છે.(36)

અધ્યાય-૨૨૧-સમાપ્ત 


અધ્યાય-૨૨૨-અગ્નિવંશનું વર્ણન 


II मार्कण्डेय उवाच II आपस्य मुदिता भार्या सहस्य परमा प्रिया I भूपतिर्भुवर्भर्ता च जनयत्पावकं परम् II १ II

માર્કંડેય બોલ્યા-જળમાં વસેલા સહ નામના અગ્નિને મુદિતા નામની પરમપ્રિય પત્ની હતી.ભૂર્લોકના પાલક અને ભુવર્લોકના ભર્તા તે સહે 'અદભુત'નામના અગ્નિને ઉત્પન્ન કર્યો હતો.કે જે અદભુત અગ્નિ સર્વ ભૂતોનો પતિ છે તેથી બ્રાહ્મણોની પરંપરામાં તેને આત્મા,ભુવનભર્તા,ગૃહપતિ,ભૂપતિ કે મહત્પતિ પણ કહે છે.આ અગ્નિ,આ લોકમાં હોમેલું આહુતિઓ દેવોને પહોંચાડે છે.અદભુત અગ્નિને ભરત નામનો પુત્ર થયો કે જે મરેલાં પ્રાણીઓને બાળે છે.આ ભરતનો 'નિયત'નામનો અગ્નિપુત્ર,અગ્નિષ્ટોમમાં શ્રેષ્ઠ યજ્ઞસાધનરૂપ છે.


હવે,દેવોના ભયથી સાગરમાં પેસી ગયેલા પ્રથમના 'સહ' અગ્નિને ખોળતા ખોળતા,દેવો સાગરમાં પહોંચ્યા,ત્યારે તે અગ્નિએ,અથર્વાગિરાને કહ્યું કે-'તમે મારુ કામ કરો ને દેવોના હવ્યોને પહોંચાડો હું દુર્બળ થઇ ગયો છું'

આમ કહી તેણે શરીર છોડી દીધું ને પૃથ્વીમાં પેસી ગયો ને ત્યાં તેણે ભાતભાતની ધાતુઓ ઉત્પન્ન કરી.(13)

તેણે પોતાના પરુથી તેજ ને ગંધ,હાડકાંથી દેવદારુ,કફથી સ્ફટિક,પિત્તથી મરકતમણિ,યકૃતથી કાળું લોઢું,

નખથી અભ્રક,અને શિરાઓની જાળથી પરવાળાં ઉત્પન્ન કર્યા.ને પછી પરમતપમાં બેઠો,ભૃગુ ને અંગિરાએ તેને ઉઠાડ્યો ત્યારે તે ફરીથી મહાસાગરમાં પેસી ગયો.પછી દેવોના કહેવાથી અથર્વાગિરાએ મહાસમુદ્રને વલોવીને અગ્નિને શોધી કાઢ્યો હતો.ત્યારથી આ અગ્નિ  પ્રાણીઓએ હોમેલા દ્રવ્યને,દેવો સુધી પહોંચાડે છે.(20)


આ પ્રમાણે અગ્નિથી અંગિરા,અંગિરાથી બૃહસ્પતિ,તેનાથી શંયુ -એ ક્રમથી તેણે હવ્યદાનને માટે અનેક વેદોક્ત દેવરૂપ સ્થાનો ઉત્પન્ન કરીને તે વિવિધ દેશોમાં ઘુમવા લાગ્યો.નદીઓ તે દેવોની માતા કહેવાઈ.

જેટલા અગ્નિઓ કહ્યા તેટલા સોમયાગો છે.આમ,અગ્નિઓ કેવી રીતે ઉત્પન્ન થયા તે મેં તમને કહ્યું.

આ સર્વમાં અંગિરાને જ શ્રેષ્ઠ અને પ્રથમ અગ્નિ ગણવામાં આવે છે.આ અગ્નિઓ વિવિધ મંત્રોથી પૂજન પામે છે અને લોકોએ આપેલું હવ્ય દેવોને પહોંચાડે છે (32)

અધ્યાય-૨૨૨-સમાપ્ત