અધ્યાય-૨૧૯-બાર્હસ્પત્ય અગ્નિના વંશનું વર્ણન
II मार्कण्डेय उवाच II बृहस्पतेश्चान्द्रमसी भार्यासीद्या यशस्विनी I अग्निन्साजनयपुण्यान्पडेका चापि पुत्रिकाम् II १ II
માર્કંડેય બોલ્યા-બૃહસ્પતિને તારા નામે યશસ્વિની ભાર્યા હતી,તેણે છ પવિત્ર અગ્નિઓને અને એક પુત્રીને જન્મ
આપ્યો હતો.યજ્ઞોની આહુતિમાં જે અગ્નિને પ્રથમ હવિ આપવામાં આવે છે તે શંયુ(અગ્નિ) પ્રથમપુત્ર છે.
શંયુને,પત્ની સત્યાસત્યા (કે જે ધર્મની પુત્રી હતી)થી પુત્ર ભરદ્વાજ (અગ્નિ) પુત્ર ભરત ને ત્રણ પુત્રીઓ થઇ.
ભરતને પાવક નામે પુત્ર થયો હતો.ને ભરદ્વાજને વીરાં નામની ભાર્યાથી 'વીર' (અગ્નિ) પુત્ર થયો હતો.
આ વીરે,શરયુ નામની પત્નીથી સિદ્ધિ નામના પુત્રને ઉત્પન્ન કર્યો હતો.
જે,કદી યશ,તેજ ને લક્ષ્મીથી ભ્રષ્ટ થતો નથી ને કેવળ પૃથ્વીની સ્તુતિ કરે છે તે નિશ્ચયવન (અગ્નિ) નામે છે
ને તેને સત્ય નામનો પુત્ર છે.તે અગ્નિ પાપરહિત ને વિશુદ્ધ છે તેથી તેનું બીજું નામ 'વિપાપ' છે.
જે અગ્નિ હોતા પ્રાણીઓને દુઃખથી છોડાવે છે તેનું નામ 'નિષ્કૃતિ' છે ને તેને 'સ્વન' નામનો પુત્ર છે.
તે અગ્નિ રોગકારી છે,ને તેને કારણે સંસારમાં વેદનાથી પીડાયેલા મનુષ્યો ચીસો પડે છે.
જે અગ્નિ સમસ્ત જગતની બુદ્ધિને વશમાં રાખે છે તેને અધ્યાત્મવેત્તાઓ 'વિશ્વજીત' કહે છે (16)
જે 'અંતરાગ્નિ'નામે કહેવાયો છે ને જે સર્વ લોકમાં પ્રાણધારીઓનું ખાધેલું અન્ન પચાવે છે,તે યજ્ઞમાં 'વિશ્વભુક'કહે છે.
ગોમતી નામની પવિત્ર નદી તેની પત્ની છે જેના કિનારે ધર્મ કરનારા લોકો ગુહ્ય કર્મો કરે છે.
જે દારુણ અગ્નિ, સમુદ્રજળનું પાન કરે છે તે 'વડવાગ્નિ' કહેવાય છે.
જે શરીરમાં પ્રાણને આશ્રિત 'ઉદાન' નામે રહે છે તે અગ્નિ 'ઉર્ધ્વભાક'નામે કહેવાય છે.
જેને લીધે ઘીનો હવન સફળ થાય છે તે 'સ્વિષ્ટકૃત' નામે અગ્નિ છે.
જે અગ્નિ (ક્રોધાગ્નિ) પ્રાણીઓમાં ક્રોધ રૂપે રહે છે તેના પરસેવામાંથી બૃહસ્પતિની 'સ્વાહા' નામની પુત્રી ઉત્પન્ન થઇ છે એમ હું માનું છું,ક્રૂર ને દારુણ સ્વાહા નામની પુત્રી પ્રાણીમાત્રમાં રહે છે.
રૂપમાં,સ્વર્ગમાં પણ જેનો કોઈ બરોબરિયો નથી તે 'કામ' (અગ્નિ) છે.તે વિજયના હર્ષથી ક્રોધને ધારણ કરે છે.
જે રણભૂમિમાં રિપુઓને રોળી નાખે છે તે 'અમોઘ' નામનો અગ્નિ છે.
જેની,શરીર,પ્રાણ અને પરમાત્મા-એ ત્રણ ઉકથરૂપે સ્તુતિ થાય છે તે 'ઉકથ' અગ્નિ છે.તેણે જ 'પરા'નામની મહાવાચાને ઉત્પન્ન કરી છે.વેદને જાણનારાઓ તેને જ 'સમાશ્વાસ'તરીકે જાણે છે (25)
અધ્યાય-૨૧૯-સમાપ્ત