અધ્યાય-૨૧૭-અગ્નિ સંબંધી કથા
II वैशंपायन उवाच II श्रुत्वेमां धर्मसंयुक्तां धर्मराजः कथां शुभाम् I पुनः पप्रच्छ तमृपिं मार्कण्डेयमिदं तदा II १ II
વૈશંપાયન બોલ્યા-આ ધર્મયુક્ત શુભ કથા ફરી સાંભળીને ધર્મરાજે માર્કંડેય ઋષિને ફરી પૂછ્યું કે-
'પૂર્વે અગ્નિ કેમ જળમાં પેસી ગયો હતો?અગ્નિ નાશ પામ્યો ત્યારે મહાકાંતિમાન અંગિરા ઋષિએ અગ્નિરૂપ બનીને કેવી રીતે હવ્યોને વહ્યાં હતાં? અગ્નિ જો એક જ છે તો કર્મોથી એની અનેકરૂપતા કેમ જોવા મળે છે? કાર્તિકસ્વામી કેવી રીતે અગ્નિના પુત્ર થયા?તે શી રીતે તે રૂદ્રથી ઉત્પન્ન થયા?તે કઈ રીતે કૃતિકામાં જન્મ પામ્યા?આ સર્વ હું આપની પાસેથી યથાર્થ સાંભળવા ઈચ્છું છું,કેમ કે મને આ વિશે કુતુહલ થયું છે (5)
માર્કંડેય બોલ્યા-પૂર્વે,જયારે,અગ્નિ ક્રોધ પામીને જળમાં તપ કરવાને ગયો હતો ત્યારે,ઋષિ અંગિરાએ ઉત્તમ તપ આચરીને અગ્નિથી પણ અધિક તેજસ્વી થઈ સર્વ જગતને પ્રકાશમાં કરી રહ્યા હતા.તે વખતે તેમના તેજથી અગ્નિ સંતાપ ને ગ્લાનિ પામ્યો ને વિચારવા લાગ્યો કે-હું તપ કરવા ગયો,એટલે મારુ અગ્નિત્વ નાશ પામ્યું,બ્રહ્માએ જ આ લોકમાં લોકોને માટે બીજો અગ્નિ બનાવ્યો લાગે છે,તો હું પાછો કેવી રીતે અગ્નિ થાઉં?' ભયભીત અગ્નિ,અંગિરા પાસે ગયો,ત્યારે અંગિરા બોલ્યા-હે અગ્નિ,તમે ફરીથી પાછા શીઘ્ર અગ્નિ થાઓ,તમે જ ત્રણ લોકમાં પ્રસિદ્ધ છો ને બ્રહમાએ તમને જ પ્રથમ અંધકારનો નાશ કરનારા બનાવ્યા હતા,તમે તત્કાળ તમારો અધિકાર સ્વીકારી લો'(14)
અગ્નિ બોલ્યો-આ લોકમાં મારી કીર્તિ નાશ પામી અને તમે અગ્નિ થયા છો એટલે
લોકો તમને જ પ્રથમ અગ્નિ તરીકે ઓળખશે,હું પ્રાજાપાત્યક નામનો બીજો અગ્નિ બનીશ.(16)
અંગિરા બોલ્યા-હે દેવ,તમે હવ્યહવનરૂપી પુણ્યકર્મ કરો ને તમે જ અગ્નિ થાઓ.
તમે મને અનાયાસે એક પુત્ર આપો.(17)
માર્કંડેય બોલ્યા-અગ્નિના આશીર્વાદથી અંગિરાને બૃહસ્પતિ નામનો પુત્ર થયો હતો.
હવે હું તમને વિવિધ ફળો આપનારા અનેકવિધ મહાકાંતિમાન અગ્નિઓ વિષે કહીશ (21)
અધ્યાય-૨૧૭-સમાપ્ત
અધ્યાય-૨૧૮-અંગિરાની સંતતિ
II मार्कण्डेय उवाच II ब्रह्मणो यस्त्रुतियस्तु पुत्रः कुरुकुलोद्वह I तस्याभवत्सुमा भार्या प्रजास्तस्यां च मे शृणु II १ II
માર્કંડેય બોલ્યા-હે કુરુકુળધુરંધર,બ્રહ્માના ત્રીજા પુત્ર,એ અંગિરાને શુભા નામની પત્નીથી થયેલ પુત્રોના નામ,
બૃહતકીર્તિ,બૃહજજ્યોતિ,બૃહદબ્રહ્મા,બૃહન્મના,બૃહનમંત્ર,બૃહદ્ભાસ અને બૃહસ્પતિ હતા.
ને તેમને ભાનુમતી,રાગા,સિનીવાલી(રૂદ્રકન્યા),અર્ચિષ્મતિ,હવિષ્મતિ,માહિષ્મતિ,મહામતિ ને કુહૂ નામની આઠ પુત્રીઓ હતી.ભાનુમતી,સર્વ સંતાનોમાં સૂર્યસમાન ને રૂપમાં અજોડ હતી.
સર્વ પ્રાણીઓને જેની સાથે રાગ (પ્રેમ) હતો તે રાગા પુત્રી હતી.સિનીવાલી ને રુદ્રકન્યા પણ કહે છે,તે સૂક્ષ્મ હોવાથી દેહધારીઓને કદી દેખાય છે તો કદી દેખાતી નથી.પોતાના કિરણોથી સર્વને પ્રકાશમાન કરનાર અર્ચિષ્મતિ પુત્રી હતી.જે દિવસે હવિઓથી દેવોનું પૂજન કરવામાં આવે છે તે હવિષ્મતિ પાંચમી પુત્રી છે.પવિત્ર માહિષ્મતિ છઠ્ઠી,મહાયજ્ઞોમાં વિખ્યાત મહામતિ સાતમી,ને જે ભગવતીને જોઈને મનુષ્ય વિસ્મય પામે છે
તે એક કળાવાળી ને અલ્પ અંશવાળી કુહૂ આઠમી પુત્રી હતી.(8)
અધ્યાય-૨૧૮-સમાપ્ત