અધ્યાય-૨૧૪-ધર્મવ્યાધનાં માતપિતા
II मार्कण्डेय उवाच II एवं संकथिते कृत्सने मोक्षधर्मे युधिष्ठिर I दढप्रीतमना विप्रो धर्मव्याधमुवाच ह् II १ II
માર્કંડેય બોલ્યા-હે યુધિષ્ઠિર,ધર્મવ્યાધે આ પ્રમાણે મોક્ષધર્મ કહ્યો,ત્યારે અત્યંત પ્રસન્નમન થયેલા વિપ્રે
તેને કહ્યું કે-'તમે આ જે કહ્યું તે બધું ન્યાયયુક્ત છે.આ લોકમાં ધર્મસંબંધમાં તમને કશું અજાણ્યું નથી'
વ્યાધ બોલ્યો-'હે દ્વિજોત્તમ,તમે મારા પ્રત્યક્ષ ધર્મને જુઓ,જેને પ્રતાપે હું આ સિદ્ધિ પામ્યો છું.
તમે ઘરની અંદર આવી મારા માતપિતાને જુઓ' ત્યારે તે બ્રાહ્મણ વ્યાધના ઘરમાં ગયો,ત્યાં સફેદ વસ્ત્રો પહેરેલા વ્યાઘનાં માતપિતા ભોજન કરીને,સંતોષથી આસન પર વિરાજ્યા હતા.ધર્મવ્યાધે તેમને વંદન કર્યા.માતપિતાએ આશીર્વાદ આપ્યા.ને બોલ્યા કે-ધર્મ તારું રક્ષણ કરો,અમે તારા આચરણથી પ્રસન્ન છીએ,તને દીર્ઘાયુષ મળો.જેમ,જમદગ્નિપુત્ર પરશુરામે પોતાનાં વૃદ્ધ માતપિતાની સેવા કરી હતી,તેમ તું પણ અમારી સેવા કરે છે'
તે પછી,ધર્મવ્યાધે તેમને બ્રાહ્મણ આવ્યાની ખબર કરી,એટલે તે બંનેએ બ્રાહ્મણનું પૂજન સ્વાગત કર્યું ને અરસપરસ કુશળ પૂછ્યું.પછી ધર્મવ્યાધ તે બ્રાહ્મણને કહેવા લાગ્યો કે-આ માતપિતા એ મારા પરમદેવરૂપ છે.બ્રાહ્મણો જેમ દેવની પૂજા કરે છે તેમ હું,પત્ની ને પુત્ર સાથે તેમની પૂજા કરું છું.હું જ તેમને સ્નાન કરાવું છું,
ભોજન કરાવું છું.ને તેમને અનુકૂળ હોય તેવાં જ વચનો બોલું છું.ને તેમને પ્રિય હોય એવું જ કામ કરું છું.
અભ્યુદયને ઇચ્છનારાઓ માટે પાંચ ગુરુઓ હોય છે.પિતા,માતા,અગ્નિ,આત્મા અને ગુરુ.
આ પાંચ ગુરુઓ સાથે યથાયોગ્ય વર્તન કરે તેણે જ નિત્ય અગ્નિની સેવા કરી છે એમ ગણાય છે.
ગૃહસ્થાશ્રમમાં રહેનારાઓનો માટે આ જ સનાતન ધર્મ છે (28)
અધ્યાય-૨૧૪-સમાપ્ત
અધ્યાય-૨૧૫-ધર્મવ્યાધનો પૂર્વજન્મનો વૃતાંત
II मार्कण्डेय उवाच II गुरु निवेद्य विप्राय सौ मातापितरायुमौ I पुनरेव स धर्मात्मा व्याधो ब्राह्मणमब्रवीत II १ II
માર્કંડેય બોલ્યા-'આ માતપિતા મારા ગુરુ છે'એમ તે દ્વિજને જણાવી,ધર્માત્મા વ્યાધે બ્રાહ્મણને કહ્યું કે-
'મારા આ તપના ફળ પેટે મને દિવ્યદ્રષ્ટિ મળી છે.તે પતિવ્રતા સ્ત્રીએ તમને ધર્મ જાણવા અહીં આવવાનું કહ્યું હતું
તે મેં આ જ દિવ્યદ્રષ્ટિથી જાણી લીધું હતું.તમારા પર અનુગ્રહ કરવાના વિચારથી મેં તમને આ બધું કહ્યું છે.
હે દ્વિજવર,તમે તમારા માતપિતાની આજ્ઞા લીધા વગર જ ઘરમાંથી ચાલી નીકળ્યા છો,આથી તમે તેમનો અનાદર કર્યો છે.હવે તમે તેમને પ્રસન્ન કરવા પાછા જાઓ.તમે વેદાધ્યયન કર્યું,તમે તપસ્વી છો,મહાત્મા છો,પણ તમે આ ધર્મનું ઉલ્લંઘન કરો નહિ.તમે ત્યાં પાછા જાઓ,આ હું તમારા ભલાની વાત કરું છું (10)
બ્રાહ્મણ બોલ્યો-સારું થયું કે હું અહીં આવ્યો ને તમારા જેવા ધર્મવેત્તાનો મેળાપ થયો,હું તમારા આદેશથી માતપિતાની સેવા કરીશ,જાણવા મુશ્કેલ એવો સનાતન ધર્મ,શૂદ્રયોનિમાં જોવા મળ્યો.હું તમને શુદ્ર માનતો નથી,
તમારા શૂદ્રયોનિમાં જન્મનું કોઈ કારણ હોવું જોઈએ.તે હું તત્ત્વપૂર્વક જાણવા ઈચ્છું છું.
વ્યાધ બોલ્યો-હે દ્વિજશ્રેષ્ઠ,પૂર્વ જન્મમાં હું બ્રાહ્મણ હતો,ને મેં કુશળતાથી વેદાધ્યયન કર્યું હતું.પણ મારા હાથથી થયેલા પાપથી જ હું આ અવસ્થા પામ્યો છું.મારા પૂર્વજન્મમાં રાજાની સોબતથી હું પણ ધનુર્વેદમાં નિપુણ થયો હતો.એક વખત રાજા સાથે હું મૃગયામાં ગયો હતો ત્યારે વનમાં એક ઋષિના આશ્રમ પાસેથી અમે જઈ રહ્યા હતા,તે વખતે ભૂલથી મૃગ સમજીને તેના પર છોડેલું બાણ,તે ઋષિને વાગ્યું.ત્યારે તે ચીસ પાડીને બોલ્યા કે-
'મેં કોઈનો અપરાધ કર્યો નથી,તો કોણે આ પાપ કર્યું છે?' ઋષિની ચીસ સાંભળી હું તેમની પાસે ગયો ને હાથ
જોડી તેમની ક્ષમા માગતાં કહ્યું કે-'મેં અજાણતા જ આ કામ કર્યું છે તો મને ક્ષમા આપો'
પણ,ક્રોધથી મૂર્છિત થયેલા ઋષિએ શાપ આપતાં કહ્યું-'હે ક્રૂર,તું શૂદ્રયોનિમાં જન્મીને વ્યાધ બનશે' (31)
અધ્યાય-૨૧૫-સમાપ્ત