Apr 21, 2024

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-493

 

અધ્યાય-૨૦૯-કર્મકથા 


II मार्कण्डेय उवाच II धर्मव्याधस्तु निपुणं पुनरेव युधिष्ठिर I विप्रर्यममुवाचेदं सर्वधर्मभृतां वर II १ II

માર્કંડેય બોલ્યા-'હે યુધિષ્ઠિર,ધર્મવ્યાધે તે નિપુણ વિપ્રવરને ફરીથી આ બધું કહ્યું'

વ્યાધ બોલ્યો-ધર્મનું પ્રમાણ વેદ છે-એવી વૃદ્ધોની આજ્ઞા છે.પણ આ ધર્મની ગતિ અતિ સૂક્ષ્મ છે,અનેક શાખાવાળી છે ને પાર વિનાની છે.જેમ કે (કહેવાય છે કે)પ્રાણના સંકટ સમયે ને વિવાહ પ્રસંગે અસત્ય કહેવું એ યોગ્ય હોઈ શકે છે કેમ કે એવા સંજોગોમાં અસત્યથી સત્ય ફળ મળે છે ને સત્યથી અસત્ય ફળ મળે છે.

આવા પ્રસંગે ઉલટું વર્તવાથી ધર્મ સધાય છે !! જુઓ આ ધર્મની સૂક્ષ્મતાને !! 

પણ,પુરુષ જે કંઈ શુભ કે અશુભ કર્મ કરે છે તેનું ફળ તે અવશ્ય પામે જ છે.મનુષ્ય વિષમ પરિસ્થિતિમાં આવી પડતાં,દેવોને ગાળો ભાંડે છે પણ પોતાના કર્મના દોષોને જોતો નથી.મૂર્ખ,કપટી અને ચંચળ મનુષ્યને સદૈવ અવળાં સવળા સુખદુઃખ લાગે છે.એવા મનુષ્યને બુદ્ધિ,સદુપદેશ અને પુરુષાર્થ-એમાંનું કંઈ ઉગારી શકતું નથી.

જો પુરુષાર્થનું ક્રિયાફળ પરાધીન ન હોત તો મનુષ્ય જે જે ઈચ્છા કરે તે તે તેને પુરી સિદ્ધ થાય જ.પણ પવિત્ર કર્મો કરનારને કદાચિત સુખ મળતું નથી તો અપવિત્ર કર્મો કરનાર કદાચિત સુખી જોવા પણ મળે છે !!


અનેક મનુષ્યો,એક જ નક્ષત્ર ને એક જ મંગલ યોગમાં જન્મયા હોવા છતાં,કર્મસંબંધી ફળોમાં અસમાનતા જોવામાં આવે છે.છતાં,કેવળ કર્મથી જ આ લોકમાં ફળસિદ્ધિ જોવામાં આવે છે એવો પ્રાકૃતલોકો (ચાર્વાકો)નો મત છે,પણ,

શ્રુતિ કહે છે કે-શરીરનો નાશ થતાં,કર્મના બંધનથી બંધાયેલો જીવ બીજા દેહમાં જઈને જન્મ ધારણ કરે છે (24)


બ્રાહ્મણ બોલ્યો-'હે કર્મવેત્તા,જીવ શી રીતે સનાતન હોય છે? હું આ તત્ત્વપૂર્વક જાણવા ઈચ્છું છું'

વ્યાધ બોલ્યો-મનુષ્યલોકમાં માણસ,જે કંઈ કર્મ કરે છે તેનું ફળ તેને જ ભોગવવાનું હોય છે,કરેલા કર્મનો નાશ થતો નથી.આથી પુણ્યશીલ માણસો પુણ્યવાન અવતરે છે ને પાપાચારીઓ નરાધમ અવતરે છે.પુરુષ તેના કર્મો લઈને આવે છે ને પાછાં નવાં કર્મોને લઈને બીજો જન્મ લે છે.એમ ઘટમાળ ચાલ્યા કરે છે (28)


બ્રાહ્મણ બોલ્યો-પ્રાણી કેવી રીતે જન્મ લે છે? પાપ-પુણ્યને આધારે તે પાપ કે પુણ્યમય જાતિમાં શી રીતે જાય છે?

વ્યાધ બોલ્યો-આ જે બધું કર્મ દેખાય છે તે હું ટૂંકમાં કહું છું.શુભ કર્મોથી દેવજન્મ,શુભાશુભ કર્મોથી મનુષ્ય યોનિ ને તામસ કર્મોથી પશુ યોનિ પ્રાપ્ત થાય છે ને પાપકર્મ કરનારો નરકમાં જાય છે.પ્રાણી,નિત્ય જન્મ,મરણ ને ઘડપણના દુઃખોથી પીડાયા કરે છે.જો મનુષ્ય કર્મોથી વિશુદ્ધ થાય અને કર્મબંધનથી મુક્ત થાય તો તે તપ ને યોગનો આરંભ કરે છે,ને સત્કર્મોથી શુભ લોકોને પામે છે,જ્યાં કોઈ શોક કરવાનો રહેતો નથી.


જે અડતાલીસ પ્રકારના સંસ્કારો પામ્યો છે,જે જિતેન્દ્રિય છે,નિયમપરાયણ છે અને વશ મનવાળો છે તે ગુણવાનને આ લોકમાં ને પરલોકમાં સુખ જ મળે છે.ધર્મમાં ને શિષ્ટ આચરણ રાખી,સ્વધર્મ અનુસાર વર્તવાથી આ જગતમાં કર્મ સંબંધી સંકરતા ઉભી થતી નથી.ધર્માત્માનું ચિત્ત પ્રસન્ન રહે છે ને આ લોક ને પરલોકમાં આનંદ ભોગવે છે.

જ્ઞાનરૂપી ચક્ષુવાળો મનુષ્ય,આ સંસારમાં રાગાદિ ને વશ થતો નથી,ને વૈરાગ્યમય રહેવા છતાં ધર્મનો ત્યાગ કરતો નથી,ને આ લોકને નાશવાન જોઈને તે સર્વનો ત્યાગ કરવા પ્રયત્ન કરે છે.પછી,દૈવને આશ્રયે ન રહેતાં,ઉપાયપૂર્વક મોક્ષ માટે પ્રયત્ન કરે છે.તે મનુષ્યના મનમાં જે જે કામનાઓ હોય છે એ બધી તે તપ વડે પૂર્ણ કરે છે.

ઇન્દ્રિયના નિરોધથી,સત્યથી અને દમથી મનુષ્ય બ્રહ્મનું પરમપદ પામે છે (54)

બ્રાહ્મણે પૂછ્યું-ઇન્દ્રિયો કઈ કઈ છે? તેમનો નિગ્રહ કેવી રીતે કરવો?નિગ્રહનું ફળ શું? તે હું જાણવા ઈચ્છું છું (56)

અધ્યાય-૨૦૯-સમાપ્ત