Apr 20, 2024

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-492

 

અધ્યાય-૨૦૮-જીવહિંસાનુ નિરૂપણ 


II मार्कण्डेय उवाच II स तु विप्रमथोवाच धर्मव्याधो युधिष्ठिर I यदहमाचरे कर्म घोरमेतदसंशयम् II १ II

માર્કંડેય બોલ્યા-હે યુધિષ્ઠિર,હવે તે ધર્મવ્યાધે,બ્રાહ્મણને કહ્યું કે-'હું આ જે કર્મ આચરૂં છું તે નિઃસંશય ભયંકર છે,

પણ હે બ્રાહ્મણ,પૂર્વે કરેલા કર્મો ભોગવ્યે જ છૂટકો છે.પૂર્વજન્મના પાપથી આ કર્મદોષ મને આવ્યો છે.

આ દોષ ફેડવા હું પ્રયત્ન કરું છું પણ મારો છૂટકો થતો નથી.જો કે વિધિએ પ્રથમથી જ પ્રાણીઓને હણી મૂક્યાં છે

એટલે તેમનો પછીથી નાશ કરનારાઓ તો માત્ર નિમિત્તરૂપ જ છે.વળી,હું જે પ્રાણીઓનું માંસ અહીં વેચું છું તે 

માંસ,ભોજનના કામમાં આવે છે તેથી તે પ્રાણીઓ પુણ્ય પ્રાપ્ત કરે છે.

ઉશીનરનો પુત્ર શિબિરાજ પોતાનું માંસ આપીને અપ્રાપ્ય સ્વર્ગને પામ્યો હતો.પૂર્વે રંતિદેવની ભોજનશાળામાં

દરરોજ બે હજાર પશુઓને મારવામાં આવતા હતા.અન્નદાન કરીને રંતિદેવની અજોડ કીર્તિ થઇ હતી.

બ્રાહ્મણો યજ્ઞમાં પશુઓનું અગ્નિને બલિદાન આપે છે,ને આ સંબંધમાં ઋષિઓએ વિધિ પણ કહ્યો છે.

જોકે આ માંસભક્ષણ મને અયોગ્ય લાગે છે,પણ સ્વધર્મ સમજીને માંસ વેચવાનું છોડતો નથી.ને વેચાણકર્મથી 

(સ્વકર્મથી) મારી આજીવિકા ચલાવું છું.જે સ્વકર્મમાં પારાયણ છે તે ધાર્મિક છે એવો શાસ્ત્રોનો નિર્ણય છે.


કેટલાક ખેતીને સારી માને છે પણ જયારે ખેડ થાય છે ત્યારે ભૂમિમાં રહેલાં અસંખ્ય જીવો મરે છે,જે હિંસા જ છે.

વૃક્ષોમાં અને ફળોમાં પણ અસંખ્ય જીવો હોય છે,જેને કાપવાથી તેની હિંસા જ છે.જીવો જીવનું ભોજન કરે જ છે.

વળી,મનુષ્ય ચાલે છે ત્યારે પગ તળે અસંખ્ય જીવોની હિંસા કરે છે.આ લોકમાં કોણ હિંસા કરતુ નથી?

અહિંસાપરાયણ યતિઓ પ્રયત્નપૂર્વક ઓછી હિંસા કરે છે પણ હિંસા તો થાય છે જ.આ લોકમાં પુષ્કળ વિપરીતતા જોવામાં આવે છે એથી અધર્મયુક્ત કાર્ય પણ ધર્મયુક્ત જણાય છે.ધર્મમય અને અધર્મમય કર્મોના સંબંધમાં

ઘણું ઘણું કહી શકાય તેમ છે,પરંતુ જે સ્વકર્મમાં તત્પર છે તે જ યશ પામે છે (39)

અધ્યાય-૨૦૮-સમાપ્ત