અધ્યાય-૨૦૭-બ્રાહ્મણ અને વ્યાધનો સંવાદ
II मार्कण्डेय उवाच II चितयित्वा तदाश्चर्य स्त्रिया प्रोक्तमशेषत I विनिंदन स स्वमात्मानमागस्कृत इवाबमौ II १ II
માર્કંડેય બોલ્યા-તે સ્ત્રીની કહેલી આશ્ચર્યકારી વાતનો,તે કૌશિકે સંપૂર્ણતાથી વિચાર કર્યો,ને પોતાની જાતને નિંદવા લાગ્યો.ને તેને મિથિલાનગરીમાં જઈને વ્યાધને મળવાનો નિશ્ચય કરી ત્યાં જવા નીકળ્યો.નગરીમાં પહોંચી તેણે ધર્મવ્યાધનો પત્તો મેળવી ત્યાં ગયો ત્યારે તેણે તે વ્યાધને,ખાટકીવાડમાં દુકાને બેસીને મૃગો ને પાડાઓનું માંસ વેચતો જોયો.ઘરાકોની ભીડ હતી એટલે તે એકાંતમાં જઈ બેઠો.ધર્મવ્યાધ,એ બ્રાહ્મણના આવ્યાની વાત જાણી ગયો,ને એકદમ ઉભો થઈને બ્રાહ્મણ પાસે આવીને વંદન કરીને બોલ્યો કે-
'હે દ્વિજવર,હું વ્યાધ છું,તમને વંદન કરું છું,તમારું હું શું મંગલ કરું? તે પતિવ્રતાએ તમને મિથિલા જવાનું કહ્યું હતું એટલે અને તમે જે અર્થે અહીં આવ્યા છો તે સઘળું હું જાણું છું.હે ભગવન,આપ અયોગ્ય સ્થાને બેઠા છો,જેથી તમને જો રુચે તો આપણે બેઉ મારે ઘેર જઈએ' વ્યાઘનાં વચન સાંભળી તે વિપ્ર અતિ વિસ્મય પામ્યો.ને
પછી,તે બંને વ્યાધના ઘેર ગયા,જ્યાં,વ્યાધે,બ્રાહ્મણનો યથોચિત સત્કાર કર્યો ને આસન આપ્યું.
બ્રાહ્મણ બોલ્યો-હે તાત,તમારું આ માંસ વેચવાનું કર્મ મને ઉચિત લાગતું નથી,ઘોર કર્મથી મને વેદના થાય છે'
વ્યાધ બોલ્યો-હે દ્વિજ,આ મારો બાપદાદાથી ઉતરી આવેલો ધંધો છે.હું મારા સ્વધર્મમાં રાહુ છું,તમે ક્રોધ કરશો નહિ.વિધાતાએ પહેલેથી જ મારા માટે જે સ્વકર્મ નિર્માણ કર્યું છે,તેનું હું પાલન કરું છું.હું વૃદ્ધ માતપિતાની સેવા કરું છું,સત્ય બોલું છું,કોઈનીયે ઈર્ષા કરતો નથી,શક્તિ પ્રમાણે દાન આપું છું,દેવો,અતિથિઓ અને સેવકને ભોજન આપ્યા પછી વધેલું અન્ન જમું છું,કોઈના છિદ્રો ઉઘાડતો નથી,ને કોઈની નિંદા કરતો નથી.વર્ણવ્યવસ્થા મુજબ મારુ સ્વકર્મ કરું છું.અહીં,જનકના રાજ્યમાં કોઈ પણ મનુષ્ય વિપરીત કર્મ કરનારો નથી.જનકરાજ તો પોતાનો પુત્ર પણ જો દુરાચારી અને શિક્ષાપાત્ર હોય તો તેને સજા કરે છે પણ ધાર્મિકને કશો ત્રાસ આપતો નથી.
હે બ્રહ્મન,હું જાતે હિંસા કરતો નથી.બીજાઓએ મારેલાં ભૂંડો આદિના માંસને વેચું છું,પણ હું પોતે માંસ ખાતો નથી.શીલરહિત જણાતો મનુષ્ય પણ શીલવાન હોઈ શકે છે ને પ્રાણીની હિંસા કરનારો મનુષ્ય પણ ધાર્મિક હોઈ શકે છે.જે મનુષ્યો મારી સ્તુતિ કે નિંદા કરે છે તે સર્વંને હું સત્કર્મ કરીને સંતોષ પમાડું છું.યથાશક્તિ અન્નદાન કરવું,ધર્મપરાયણ રહેવું ને સર્વને યથાયોગ્ય માન આપવું-એ માનવીના આવશ્યક ગુણો છે.મિથ્યા ભાષણ છોડવું,વગર માગ્યે અન્યનું પ્રિય કરવું અને કામથી,ભયથી કે દ્વેષથી ધર્મનો ત્યાગ ના કરવો.
પ્રિયની પ્રાપ્તિ થતાં હરખાવું નહિ ને અપ્રિયની પ્રાપ્તિ થતા સંતાપ કરવો નહિ.નાણાંની ભીડમાં મૂંઝાવું નહિ ને ધર્મનો પરિત્યાગ કરવો નહિ.જો કોઈ અવળું કર્મ થઇ જાય તો ફરીથી તે ન આચરવું.જાતને ને બીજાને કલ્યાણકારી હોય તેનું જ ચિંતન કરવું.ને તેવા જ કર્મમાં મનને જોડવું.પાપીની સામે પાપી ન થવું ને સર્વદા સાધુ જ રહેવું,કેમ કે જે પાપી પાપ કરવા ઈચ્છે છે તે પોતાના હાથે જ હણાયેલો છે.જે મનુષ્યો 'ધર્મ નથી' એમ માનીને પવિત્ર મનુષ્યોની હાંસી કરે છે તે ધર્મ પર શ્રદ્ધા ન રાખનારાઓ નિઃસંશય નાશ જ પામે છે.લોભ,પાપનું મૂળ છે,અધકચરા જ્ઞાનવાળા લોભિયા મનુષ્યો જ પાપ કરે છે.શાસ્ત્રમાં કહેલાં જપતપ-કર્મ કરવાથી પાપથી મુક્તિ થાય છે.અધર્મીઓ જ ધર્મના ડોળથી ઢંકાયેલા હોય છે,તેઓ ધર્મની વાતોના તડાકા મારે છે,તેમનામાં શિષ્ટાચાર શોધ્યો એ જડતો નથી
વિપ્ર બોલ્યો-'હે મહાબુદ્ધિશાળી વ્યાધ,હું શિષ્ટાચારને શી રીતે જાણી શકું? તે વિશે તમે કહો'
ધર્મવ્યાધ બોલ્યો-હે દ્વિજશ્રેષ્ઠ,યજ્ઞ,દાન,તપ,વેદોનું અધ્યયન અને સત્ય એ પાંચ પવિત્ર કર્મો શિષ્ટચારોમાં નિત્ય હોય છે.સદાચારનું પાલન એ શિષ્ટોનું બીજું લક્ષણ છે.વેદનું રહસ્ય સત્ય છે,સત્યનું રહસ્ય ઇન્દ્રિયદમનમાં છે અને ઇન્દ્રિયદમનનું રહસ્ય ત્યાગ છે.આ સર્વ રહસ્યો શિષ્ટાચારોમાં નિત્ય હોય છે.ધર્મ ત્રણ પ્રકારનો છે.એક વેદમાં કહેલો ધર્મ,બીજો ધર્મશાસ્ત્રોએ લખેલ ધર્મ અને ત્રીજો શિષ્ટાચાર રૂપી ધર્મ.હે દ્વિજોત્તમ,જેઓ નિત્ય ધર્મને અનુસરે છે,શિષ્ટાચારને સેવે છે અને લોકોના પુણ્યમય તથા પાપમય આચારોને જોતા રહે છે તેઓ આત્મજ્ઞાનના મહાલયે પહોંચીને મહાન ભયથી મુક્તિ મેળવે છે.(99)
અધ્યાય-૨૦૭-સમાપ્ત