અધ્યાય-૨૦૬-પતિવ્રતાનું આખ્યાન-કૌશિકની કથા
II मार्कण्डेय उवाच II कश्चिद्द्विजातिप्रवरो वेदाध्यायी तपोधन: I तपस्वी धर्मशीलश्च कौशिको नाम भारत II १ II
માર્કંડેય બોલ્યા-હે ભારત,કૌશિક નામે એક બ્રાહ્મણ હતો કે જે તપસ્વી,ધર્મશીલ હતો.તેણે ઉપનિષદો સાથે વેદોનું અધ્યયન કર્યું હતું.એક વાર તે કોઈ ઝાડના નીચે બેસીને વેદ ભણી રહ્યો હતો,ત્યારે તે ઝાડ પર બેસેલી એક બગલીએ તે બ્રાહ્મણની પર અઘાર કરી,કે જેથી તે બ્રાહ્મણ ક્રોધે ભરાયો અને બગલીનું અનિષ્ટ ચિંતન કરીને તેની સામે જોયું કે તરત જ તે બગલી,નિષ્પ્રાણ થઈને ધરતી પર પડી.તેને જોઈને બ્રાહ્મણ દયાથી સંતાપ કરવા લાગ્યો કે-'અરે રે,રોષ અને રાગમાં આવી જઈને મેં આ ભૂંડું કામ કરી નાખ્યું '(6)
આમ વારંવાર કહીને,થોડીવાર પછી તે ભિક્ષા માટે ગામમાં ગયો ને એક ઘર પાસે જઈ તેણે ભિક્ષા માગી,
ઘરની સ્ત્રી તે વખતે વાસણ ઊટકી રહી હતી,એટલે તેણે કહ્યું કે 'જરા થોભો'.પણ તે જ વખતે તે સ્ત્રીનો પતિ
ઘેર આવ્યો એટલે તે સ્ત્રી તેને ભોજન આપવામાં રોકાણી.પતિપરાયણ તે પતિની સેવા કરતી હતી તે વખતે તેને બહાર ભિક્ષા માટે આવેલ બ્રાહ્મણ યાદ આવ્યો એટલે તેના માટે ભિક્ષા લઇ બહાર આવી.
બ્રાહ્મણ ક્રોધમાં આવી બોલ્યો-હે દેવી,તેં મને 'જરા થોભો' કહીને રોકી રાખ્યો,તેં બ્રાહ્મણનું અપમાન કર્યું છે,
તેં વૃદ્ધો પાસેથી સાંભળ્યું નથી કે બ્રાહ્મણો અગ્નિ જેવા છે,તેઓ પૃથ્વીને પણ ખાખ કરી શકે તેમ છે?'
સ્ત્રી બોલી-'હે બ્રહ્મર્ષિ,હું બ્રાહ્મણોની અવજ્ઞા કરતી નથી.મારા પતિ મારા મહાદેવ છે,તે ભૂખ્યા આવ્યા તેથી તેમની સેવામાં હું રોકાઈ ગઈ હતી,તમારે મને ક્ષમા આપવી ઘટે છે.વળી,તમે ક્રોધને દૂર કરો.તમારી ક્રોધભરી દ્રષ્ટિથી તમે મને શું કરી શકશો?હું કંઈ બગલી નથી.મારી પતિસેવાનું ફળ જુઓ,કે મેં એ જાણી લીધું છે કે તમે રોષથી બગલીને બાળી નાખી છે.ક્રોધ એ મનુષ્યના શરીરમાં શત્રુ છે,જે ક્રોધ ને મોહને છોડે છે તેને જ દેવો બ્રાહ્મણ જાણે છે.
હે દ્વિજવર,આપ સ્વાધ્યાયપારાયણ છો,પવિત્ર છો પણ ધર્મને યથાર્થ જાણતા નથી એવું મારુ માનવું છે.
તમે મિથિલાનગરીમાં જાઓ ને ધર્મવ્યાધને ધર્મ વિશે પૂછો.એ વ્યાધ માતપિતાની સેવા કરનારો છે,સત્યવાદી ને જિતેન્દ્રિય છે,તે તમને ધર્મ સમજાવશે.તમને ગમે તો ત્યાં જાઓ,તમારું મંગલ થાઓ.મારાથી જો વધુ પડતું બોલાઈ ગયું હોય તો ક્ષમા કરજો,ધર્મજ્ઞ મનુષ્ય જાણે છે કે પતિવ્રતા સ્ત્રીઓ શિક્ષાપાત્ર નથી.(45)
બ્રાહ્મણ બોલ્યો-'હે દેવી,હું તારા પર પ્રસન્ન થયો છું,તારું કલ્યાણ થાઓ,મારો ક્રોધ ચાલ્યો ગયો છે,તેં જે કહ્યું
તે મારે માટે પરમકલ્યાણરૂપ છે.હવે હું મિથિલા જઈશ ને કાર્યસિદ્ધિ કરીશ' એમાં કહી તે ઘેર ગયો.(48)
અધ્યાય-૨૦૬-સમાપ્ત