અધ્યાય-૨૦૩-મધુકૈટભનું વૃતાંત
II मार्कण्डेय उवाच II स एवमुक्तो राजर्षिरुतंकेनापराजित I उत्तकं कौरवश्रेष्ठ कृतांजलिरथाब्रवीत II १ II
માર્કંડેય બોલ્યા-તે પરાજિત રાજર્ષિને ઉત્તંકે આમ કહ્યું ત્યારે તેણે હાથ જોડીને જવાબ આપ્યો કે-
'હે બ્રહ્મન,તમારું મારી પાસે આવવું વ્યર્થ નહિ જ જાય,આ મારો પુત્ર કુવલાશ્વ તમારું પ્રિય અવશ્ય કરશે.એમાં મને
શંકા નથી,મને તમે રજા આપો કેમ કે મેં શસ્ત્રો ત્યજી દીધાં છે' આમ કહી પુત્રને આજ્ઞા આપી તે વનમાં ગયો.
યુધિષ્ઠિર બોલ્યા-'હે ભગવન,તે દૈત્ય કોણ હતો?તેના વિષે હું વિસ્તારથી સાંભળવા ઈચ્છું છું'
માર્કંડેય બોલ્યા-હે ભરતશ્રેષ્ઠ,જયારે આ સ્થાવરજંગમ લોક એકરૂપ થઈને જળ-સમુદ્રમાં ડૂબી ગયા હતા,ત્યારે ભગવાન વિષ્ણુ,શેષનાગના મહાન દેહ પર યોગાશ્રયથી સૂતા હતા.ત્યારે તેમની નાભિમાંથી એક દિવ્ય કમળ ઉત્પન્ન થયું,ને તે કમળમાંથી પિતામહ બ્રહ્મા પ્રગટ્યા.તેમને ચાર શરીર ને ચાર મુખ હતા.ને અત્યંત પરાક્રમી હતા.
હવે કેટલેક કાળે,મધુ અને કૈટભ નામના દાનવોએ,શ્રીહરિ પ્રભુને નાગશૈયા પર પોઢેલા જોયા.તેમનો દેહ અનેક યોજન લાંબો ને પહોળો હતો.ભગવાને મુગટ ને કૌસ્તુભમણિ ધારણ કર્યા હતા ને પીતામ્બર પહેર્યું હતું.
સહસ્ત્ર સૂર્યોના જેવા એ તેજસ્વી હતા ને તેમનો દેખાવ અદભુત હતો.વળી તેમની નાભિમાંના કમળમાં વિરાજેલા બ્રહ્માને જોઈને તે દૈત્યોને મહાન આશ્ચર્ય થયું.પછી તેઓ બ્રહ્માને અત્યંત ત્રાસ આપવા લાગ્યા.બ્રહ્માએ કમળનાળને હલાવી,જેથી ભગવાન કેશવ જાગી ઉઠ્યા ને તેમણે ત્યાં બે દાનવોને જોયા.
દેવાધિદેવ બોલ્યા કે-'તમારું સ્વાગત છે તમે વરદાન માગો' જે સાંભળી તે બે દૈત્યો હસવા લાગ્યા ને કહેવા
લાગ્યા કે-'અમે વરદાન આપનારા છીએ,તમે વરદાન માગો,વિચાર કર્યા વિના કહી નાખો' (25)
ભગવાન બોલ્યા-'હે વીરો,તમે બંને વીર્યવાન છો,તમારી તોલે કોઈ આવી શકે તેમ નથી,
તો તમે બંને મારા હાથથી વધ પામો એવું વરદાન આપો.કેમ કે હું તેવું જ ઈચ્છું છું'(27)
મધુકૈટભ બોલ્યા-હે પુરુષોત્તમ,અમે બંને સત્ય અને ધર્મમાં પરાયણ છીએ,પણ કાળને કોઈ ઉલ્લંઘી શકતું નથી,
અમારા પર મહાન આપત્તિ તોળાઈ રહી છે,ભલે તમે તમારા કહ્યા પ્રમાણે કરો.પણ અમે ઇચ્છીએ છીએ કે તમે અમારું એટલું એક કામ કરો કે અમને ખુલ્લા આકાશ નીચે મારજો.ને અમે મૃત્યુ પછી તમારા પુત્ર થઈને અવતરીએ.હે પ્રભુ,આ અમારી ઈચ્છા એ અમે માગેલું વરદાન છે એમ તમે જાણો.હે દેવ,તમે અમને જે વરદાન માગવાનું કહ્યું હતું તે પણ મિથ્યા ન જાઓ,ને અમારું વરદાન પણ મિથ્યા ન જાઓ'
ભગવાન બોલ્યા-ભલે,હું એમ જ કરીશ,સઘળું આ પ્રમાણે જ થશે' પછી,તે ગોવિંદ વિચાર કરવા લાગ્યા તો પૃથ્વી કે સ્વર્ગમાં તેમને ક્યાંય ખુલ્લું આકાશ ન મળ્યું,તે વખતે પોતાની સાથળોને અવરણરહિત જોઈ,તે યશસ્વી મધુસૂદને મધુકૈટભને ત્યાં રાખીને તીક્ષણ ધારવાળા ચક્રથી તેમનાં માથાં કાપી નાખ્યાં.(35)
અધ્યાય-૨૦૩-સમાપ્ત