Apr 13, 2024

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-485

 

અધ્યાય-૨૦૧-ધુંધુમારનું આખ્યાન-ઉત્તંકને વરપ્રાપ્તિ 


II वैशंपायन उवाच II श्रुत्वा तु राजा राजर्षेरिंद्रध्युम्नस्य तत्तया I मार्कण्डेयान्महाभागत् स्वर्गस्य प्रतिपादनम् II १ II

વૈશંપાયન બોલ્યા-આ પ્રમાણે,યુધિષ્ઠિરરાજે,માર્કંડેય પાસેથી રાજર્ષિ ઇંદ્રદ્યુમ્નને ફરીથી થયેલી સ્વર્ગપ્રાપ્તિ વિશે

સાંભળ્યું.પછી તેમણે માર્કંડેયને પૂછ્યું કે-હે ધર્મજ્ઞ,દેવો,દાનવો,રાક્ષસો,વિવિધ રાજવંશો,ઋષિવંશો એ બધા તમારી જાણમાં છે.આ લોકમાં તમને કશું અજાણ્યું નથી.તમે તેમની સર્વ કથાઓ જાણો છો,તે હું તત્ત્વપૂર્વક સાંભળવા ઈચ્છું છું.ઇક્ષ્વાકુ વંશમાં કુવલાક્ષ નામે જે પ્રસિદ્ધ રાજા થયો હતો તેનું નામ ફેરવાઈને શા માટે ધુંધુમાર પડ્યું હતું?

માર્કંડેય બોલ્યા-હે રાજન,ઉત્તંક નામે એક વિખ્યાત મહર્ષિ હતા,તેમણે વિષ્ણુને પ્રસન્ન કરવા અતિ કઠણ તપસ્યા કરી ત્યારે ભગવાન પ્રસન્ન થઈને તેમને દર્શન આપવા આવ્યા ત્યારે ઋષિએ ભક્તિનમ્ર થઈને તેમની સ્તુતિ કરી.

એટલે વિષ્ણુએ તેમને કહ્યું કે-'હું તારા પર પ્રસન્ન થયો છું,તું વરદાન માગ'


ઉત્તંક બોલ્યા-સનાતન,દિવ્ય,જગતના સર્જનહાર અને પુરુષોત્તમ એવા

શ્રી પ્રભુ હરિનાં હું દર્શન પામ્યો,તે જ મારા માટે પુરા વરદાનરૂપ છે'


વિષ્ણુ બોલ્યા-હું તારી ભક્તિથી પ્રસન્ન છું તારે મારી પાસેથી અવશ્ય વરદાન લેવું જોઈએ'

ત્યારે તેણે બે હાથ જોડીને માગ્યું કે-'હે પુંડરીકાક્ષ,તમે જો મારા પર પ્રસન્ન થયા જ હો તો,મારી બુદ્ધિ સદૈવ

ધર્મ,સત્ય અને ઇન્દ્રિયદમનમાં જ યોજાયેલી રહો.ને મારો તમારા પ્રત્યે નિત્ય ભક્તિનો અભ્યાસ રહો 


ભગવાન બોલ્યા-હે દ્વિજ,મારી કૃપાથી એ બધું તને પ્રાપ્ત થશે જ.તને યોગનું દર્શન થશે ને તું દેવોનું અને ત્રણે લોકનું મહાકાર્ય કરશે.ધુંધુ  નામનો એક મહાસુર ત્રણે લોકને ને ઉખેડી નાખવા ઘોર તપ કરશે,તેને મારવા ઇક્ષ્વાકુ વંશમાં બૃહદશ્વ નામે રાજાને કુવલાશ્વ નામે વિખ્યાત પુત્ર થશે.કે જે મારુ યોગબળ પામશે.અને તારી આજ્ઞાથી તે 

ધુંધુને મારશે ને તેથી તે ધુંધુમાર નામે પ્રસિદ્ધ થશે' આમ કહી વિષ્ણુ ત્યાંથી અંતર્ધાન થયા.(34)

અધ્યાય-૨૦૧-સમાપ્ત