અધ્યાય-૧૯૩-ઇન્દ્ર અને બકનો સંવાદ
II वैशंपायन उवाच II
मार्कण्डेयमृपयो ब्राह्मणा युधिष्ठिरश्च पर्यप्रुच्छनृपिः I केन दीर्घायुरासीत बको मार्कण्डेयस्तु तान्सर्वानुवाच II १ II
વૈશંપાયન બોલ્યા-પછી,ઋષિઓ,બ્રાહ્મણો અને યુધિષ્ઠિર એ સૌએ માર્કંડેય ઋષિને પૂછ્યું કે-બકઋષિ શી રીતે દીર્ઘાયુ થયા હતા?અમે સાંભળ્યું છે કે-બક અને ડાલ્ભ્ય એ બે ઋષિઓ દેવરાજ ઇન્દ્રના મિત્ર હતા,તે બક અને ઇન્દ્રના સુખદુઃખભર્યા સમાગમ વિષે અમે સાંભળવા ઇચ્છીએ છીએ તો તે અમને યથાર્થ કહો' (5)
માર્કંડેય બોલ્યા-હે રાજન,જયારે દેવો અને અસુરોની વચ્ચેનો સંગ્રામ સમાપ્ત થયો ત્યારે,ઇન્દ્ર ત્રણે લોકનો અધિપતિ થયો.તે વખતે મેઘ સારી રીતે વરસતો હતો ને ઉત્તમ ધાન્યસંપત્તિ થતી હતી.ત્યારે પ્રજાજનો નિરોગી,ને ધર્મપરાયણ હતા.આનંદિત એવી સર્વ પ્રજાને,જોતો તે ઇન્દ્ર એક વખત પૃથ્વી પર ઉતર્યો ત્યારે તેને એક રમણીય આશ્રમમાં બક ઋષિનાં દર્શન થયાં,દેવરાજ ઇન્દ્રને જોઈ ઋષિ પ્રસન્ન થયા ને તેનો યોગ્ય સત્કાર કર્યો.પછી ઇન્દ્રે સુખપૂર્વક
વિરાજીને બકઋષિને પ્રશ્ન કર્યો કે-'તમારા જેવા એકલાખ વર્ષ જીવનારને શું દુઃખ હોય છે?તે મને કહો' (17)
બક બોલ્યા-અપ્રિયજનો સાથે રહેવું પડે ને પ્રિયજનો વગર સંસાર ચલાવવો પડે ને દુષ્ટો સાથે પાનું પડે એ ચિરંજીવીઓને દુઃખરૂપ છે.કુટુંબનો નાશ થાય ને તેથી પરાધીનતા ભોગવવી પડે,તે ધન વગરનાને લોકો હડેહડે કરે તેનાથી અધિક દુઃખકારી શું હોય?કુળહીનો સમૃદ્ધિવાન થવાથી કુળોમાં ફેરફાર થાય છે,દેવો,દાનવો,ગંધર્વો,
મનુષ્યો,રાક્ષસો આદિ સર્વ ફેરફાર પામે છે,ધનવાનો ધનહીનોને અપમાન આપે છે તેથી વિશેષ દુઃખ
કયું હોઈ શકે? આ લોકમાં વિપરીતતા ખુબ જોવા મળે છે,જ્ઞાનહીનો આનંદ કરે છે અને
જ્ઞાનીઓ ને વિદ્વાનો કષ્ટ ભોગવે છે.આ લોકમાં મનુષ્ય જન્મ ખુબ દુઃખકારી ને ક્લેશમય છે,(25)
ઇન્દ્ર બોલ્યો-તો ચિરંજીવીઓને કયાં સુખ હોય છે? તે કહો.
બક બોલ્યા-'જે કોઈનો પણ આશ્રય લીધા વિના પોતાના પરાક્રમથી પેદા કરેલું ધન્ય શાક-પાન,પોતાના ઘરમાં
જ રાંધીને ખાય પણ કુમિત્રોને ન સેવે તે સુખી જ છે.પારકાને ઘેર નિત્ય હડધૂત થઈને જમવું તે ભૂંડું છે.અતિથિ,પ્રાણીઓ અને પિતૃઓને ભોજન આપી જે બાકી રહેલું પવિત્ર અન્ન જમે છે તે સુખી છે'
આમ,ઇન્દ્રે બકઋષિ સાથે આવી અનેક શુભ કથાઓ કરીને,ઋષિની આજ્ઞા લઇ સ્વર્ગલોકમાં પાછો ગયો (37)
અધ્યાય-૧૯૩-સમાપ્ત
અધ્યાય-૧૯૪-ક્ષત્રિયનું માહાત્મ્ય-શિબિ ચરિત્ર
II वैशंपायन उवाच II ततः पांडवा : पुनर्माण्डेयमुचुः II १ II
વૈશંપાયન બોલ્યા-પછી,પાંડવોએ માર્કંડેયને ફરીથી પૂછ્યું કે-'તમે બ્રાહ્મણના માહાત્મ્ય વિશે કહ્યું તો હવે અમે ક્ષત્રિયોનું માહાત્મ્ય સાંભળવા ઇચ્છીએ છીએ' ત્યારે માર્કંડેય બોલ્યા-'કુરુકુલમાં સુહોત્ર નામે એક રાજા થયો હતો.એકવાર તે મહર્ષિઓને મળીને પાછો જતો હતો ત્યારે સામે તેણે રથમાં બેઠેલા ઉશીનરપુત્ર શિબિને
જોયો.બંનેએ ભેટીને એકબીજાને સત્કાર આપ્યો.બંનેમાં ગુણોની સમાનતા હોવાથી પોતપોતાને
સમાન જ ગણ્યા અને એકબીજાને માર્ગ ન આપ્યો.તે વખતે નારદજી ત્યાં પ્રગટ થયા
અને તેમણે પૂછ્યું કે-'તમે આ પ્રમાણે એકબીજાનો માર્ગ રોકીને શા માટે ઉભા છો?
ત્યારે તે બંનેએ કહ્યું કે-પૂર્વે ધર્માચારીઓએ કહ્યું છે કે-જે ઉત્તમ હોય કે સમર્થ હોય તેને માર્ગ આપવો.અમે તો પરસ્પર મિત્ર છીએ તેથી કોણ ચડિયાતું? કે કોણ ઉતરતું? એ અમારા વિચારમાંથી નીકળી ગયું છે.
નારદ બોલ્યા-ક્રૂર માણસ કોમળ પ્રત્યે પણ ક્રૂર થાય છે ને કોમળ માણસ ક્રૂર પ્રત્યે પણ કોમળ થાય છે
હે કૌરવ,સાધુપુરુષ અસાધુ પ્રત્યે પણ સાધુ રહે છે તો સાધુ પ્રત્યે તે સાધુ કેમ ન રહે? કર્યા ઉપકારનો બદલો સોગણો આપવો જોઈએ એ શું દેવોમાં નિયમ નથી? તમારા કરતાં શિબિરાજ વિશેષ સાધુચરિત્રવાળો છે.
કૃપણને દાનથી જીતાય,અસત્યવાદીને સત્યથી જીતાય,ક્રૂરકર્મીને ક્ષમાથી જીતાય અને અસાધુને સાધુતાથી જીતાય.તમે બંને ઉદાર છો.તો તમારા બંનેમાંથી જે વિશેષ ઉદાર હોય તે ખસી જાય એ જ ઉદારતાનું ઉદાહરણ છે' આમ કહીને નારદજી શાંત થયા ત્યારે તેમનાં વચન સાંભળી,કુરુવંશી સુહોત્રે શિબિની પ્રદિક્ષણા કરીને તેને માર્ગ આપ્યો.ને પછી,શિબિનાં અનેક કર્મોની સ્તુતિ કરીને ત્યાંથી ચાલ્યો ગયો.
આ પ્રમાણે નારદજીએ ક્ષત્રિય રાજાઓનું આ માહાત્મ્ય કહ્યું છે (8)
અધ્યાય-૧૯૪-સમાપ્ત