Apr 6, 2024

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-478

 

અધ્યાય-૧૯૨-મંડૂકનું ઉપાખ્યાન 


II वैशंपायन उवाच II भूव एव ब्राह्मणमहाभाग्यं वक्तुमर्हसीत्यव्रवित्पांडवे यो मार्कण्डेयं II १ II

વૈશંપાયન બોલ્યા-'પાંડુપુત્ર યુધિષ્ઠિરે માર્કંડેયને કહ્યું-તમે બ્રાહ્મણના મહાભાગ્યને ફરીથી કહેવા યોગ્ય છો'

માર્કંડેય બોલ્યા-બ્રાહ્મણોનું આ અપૂર્વ ચરિત્ર તમે સાંભળો.અયોધ્યામાં ઇક્ષ્વાકુ કુળનો પરીક્ષિત નામે રાજા હતો.

એકવાર તે મૃગયાએ નીકળ્યો હતો ત્યારે એક મૃગની પાછળ તે દૂર દૂર ગયો,તે થાક્યો ને ભૂખ-તરસથી પીડાયો,

ત્યારે તેણે તે વનમાં એક રમણીય સરોવર જોયું,ત્યાં તેણે સ્નાન કરી તેના કિનારે સૂતો હતો ત્યારે 

તે મધુર ગીતના સ્વરોથી જાગી ગયો ને તેણે એક રૂપવતી કન્યાને ફૂલો વીણતી જોઈ.

રાજા ત્તેના પર મોહિત થઈને તેની સામે લગ્નનો પ્રસ્તાવ કર્યો.ત્યારે તે કન્યાએ કહ્યું કે-'તમે મને એક શરતે મેળવી શકશો,તમારે મને પાણી ન બતાવવું'રાજાએ તે પ્રસ્તાવનો સ્વીકાર કરીને તેની સાથે લગ્ન કરીને તેને રાજમહેલમાં લાવીને તેની સાથે એકાંતમાં રહેવા લાગ્યો.ત્યાં કોઈ નિકટમાં રહેનારો પણ તેને જોઈ શકતો નહોતો.એકવાર તે રાજા ઉપવનમાં રાણી સાથે વિહાર કરતો હતો,ને તેને તરસ લાગી ત્યારે તેણે એક સ્વચ્છ જળવાળી વાવ જોઈ. 

રાજાએ તે રાણીને પાણી માટે વાવમાં ઉતરવાનું કહ્યું એટલે તે રાણી વાવમાં ઉતરીને ડૂબકી ખાઈ ગઈ,

ને પછી ખુબ સમય થયો પણ તે પાછી આવી નહિ.રાજાએ તેને ખોળવા વાવનું પાણી ઉલેચાવી નાખ્યું 

પણ ત્યાં તે રાણીનો કોઈ પત્તો લાગ્યો નહિ.ત્યારે તેણે તે વાવના કોતરમાં એક દેડકાને જોયો.


રાજાને લાગ્યું કે દેડકાઓ તેની રાણીને ખાઈ ગયા છે એટલે તેને ક્રોધમાં આવી અને આજ્ઞા આપી કે-'જ્યાં ત્યાંથી સર્વ દેડકાઓને મારી નાખવા' ત્યારે દેડકાઓનો વધ થવા લાગ્યો ને જેથી દેડકાઓ ભયમાં આવીને મંડૂક રાજા પાસે ગયા ને તેને સર્વ વૃતાંત કહ્યો.જેથી મંડૂકરાજાએ તાપસનો વેશ ધારણ કરીને રાજા પાસે જઈને તેને 

દેડકાઓનો વધ કરવાનું કારણ પૂછ્યું.અને વધ અટકાવવાની વિનંતી કરી.ત્યારે રાજાએ કહ્યું કે-'હું તેમને ક્ષમા નહિ આપું કેમ કે તે મારી પ્રિયાને ખાઈ ગયા છે તેઓ વધને પાત્ર જ છે,તમે મને અટકાવો તે યોગ્ય નથી'


મંડૂકરાજે કહ્યું કે-હે રાજન,તમે પ્રસન્ન થાઓ.હું આયુ નામે મંડૂકરાજ છું,તમારી પ્રિયા એ મારી સુશોભના નામની દીકરી છે.તેનો સ્વભાવ દુષ્ટ છે,આ રીતે તેણે પૂર્વે પણ અનેક રાજાઓને હાથતાળી આપી છે' 

રાજા બોલ્યો-'મારે તે સુશોભના જોઈએ જ છે તે તમે મને આપો' ત્યારે મંડૂકરાજે પોતાની પુત્રી તેને આપી,અને પુત્રીને કહ્યું કે-તું આ રાજાની સેવા કરજે.પણ,તારા પૂર્વના અસત્ય આચરણને લીધે તારા પુત્રો બ્રાહ્મણદ્વેષી થશે'

રાજાને તે રાણીથી શલ,દલ ને બલ નામે ત્રણ પુત્રો થયા,વૃદ્ધાવસ્થામાં તેમાંના જ્યેષ્ઠ પુત્ર શલને રાજગાદી 

સોંપીને તે રાજા મનમાં તપનો નિશ્ચય કરીને વનમાં ગયો (38)


એકવાર,તે શલરાજા,મૃગયા માટે,વામદેવ પાસેથી તેમના બે અત્યંત વેગી વામી ઘોડાઓ,પાછા આપવાની શરતે લઇ આવ્યો હતો,પણ 'બ્રાહ્મણને આવા ઘોડાઓનું શું કામ?' એમ વિચારીને તે ઘોડાઓ તેણે લાંબા સમય સુધી પાછા આપ્યા નહિ.વામદેવે પોતાના શિષ્યને મોકલીને ઘોડા પાછા આપવાની માગણી કરી પણ રાજાએ તેને ધુતકારીને કાઢી મુક્યો એટલે વામદેવે ક્રોધમાં આવી ખુદ જઈને ઘોડા પાછા આપવાની વાત કરી.

ત્યારે રાજાએ કહ્યું કે-આ બે ઘોડાઓને બદલે,બીજા ઘોડા લઇ જાઓ,આ બે વામી ઘોડા તો મારા જ છે'


વામદેવ બોલ્યા-'હે રાજન,બ્રાહ્મણના દ્રવ્ય પર જીવવું એ ઘોર પાપી કામ છે.તું બ્રાહ્મણ ને ક્ષત્રિય વચ્ચે ભેદ પડાવી રહ્યો છે,તું જો મારા ઘોડા આપીશ નહિ તો લોખંડી કાયાવાળા ને ત્રિશૂળ ધારણ કરનારા ચાર મહાન રાક્ષસો 

મારી આજ્ઞાથી તારા ચાર ટુકડા કરીને તને યમને દ્વારે લઇ જશે' આમ કહી તેમણે રાક્ષસોને આજ્ઞા કરી એટલે રાક્ષસોએ તે શલરાજાને મારી નાખ્યો.શલ રાજા પછી તેનો ભાઈ દલ રાજા થયો,એટલે વામદેવે તેની પાસેથી 

પણ પોતાના ઘોડા પાછા માગ્યા.ત્યારે દલે પોતાનું ઝેરી બાણ તેમના પર છોડ્યું,કે જે બાણ,વામદેવની આજ્ઞાથી પાછા ફરીને રાજમહેલમાં જઈને દલના પુત્રને જ વીંધી નાખ્યો.રાજાએ બીજું બાણ સાધ્યું ત્યારે વામદેવે તેના હાથને જડ કરી નાખ્યો,ને રાજા બાણ છોડી શક્યો જ નહિ.


પછી,રાજાએ પોતાની રાણી સાથે વામદેવની ક્ષમાપ્રાર્થના કરી ને તેમના પગે પડ્યા ત્યારે વામદેવે તેમના પર પ્રસન્ન થઈને તેમને ક્ષત્રિય કુળના રક્ષણનું વરદાન આપ્યું.દલરાજા પણ આનંદ પામ્યો ને તે બ્રાહ્મણ ઋષિને પ્રણામ કરીને તેમને તેમના વામી ઘોડાઓ પાછા આપીને તેમની સેવા કરવા લાગ્યો.(72)

અધ્યાય-૧૯૨-સમાપ્ત