Apr 5, 2024

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-477

 

અધ્યાય-૧૯૧-યુધિષ્ઠિરને ઉપદેશ


II मार्कण्डेय उवाच II ततश्चोरक्षयं कृत्वा द्विजेभ्यः पृथिवीमिमाम् I वाजिमेधे महायज्ञे विधिवत्कल्पयिप्पति II १ II

માર્કંડેય બોલ્યા-પછી ચોરોનો નાશ કરીને કલ્કી,અશ્વમેઘ યજ્ઞ કરશે ને આ પૃથ્વી બ્રાહ્મણોને અર્પણ કરશે.

તે પોતે જ આ પૃથ્વીમાં શુભ ને હિતકારી મર્યાદાઓ સ્થાપશે ને પછી તે રમણીય વનમાં પ્રવેશશે.

પૃથ્વીલોકમાં વસનારા મનુષ્યો તેમના શીલને અનુસરશે,ને જગતમાં ફરીથી કલ્યાણ વર્તશે.

ત્યારે હે ભારત,અધર્મનો વિનાશ થશે અને ધર્મની વૃદ્ધિ થશે,લોકો ક્રિયાવાન થશે.(7)

સત્યયુગમાં વનકુંજો,ભક્તિધામો,તળાવો,ધર્મશાળાઓ,દેવમંદિરો ને યજ્ઞક્રિયાઓ થશે ને ત્યારે બ્રાહ્મણો,સાધુઓ,

મુનિઓ,તપસ્વીઓ ને આશ્રમો પુનઃ સત્યનિષ્ઠ થશે.ત્યારે સર્વ બીજો રોપતાં જ ઉગી આવશે.સર્વ ઋતુઓમાં સર્વ જાતનો પાક ઉતરશે ને મનુષ્યો દાનો,વ્રતો ને નિયમોમાં પરાયણ રહેશે.ત્યારે બ્રાહ્મણો ધર્મની ઈચ્છાવાળા ને યજ્ઞોમાં એકનિષ્ઠ થશે,રાજાઓ આ પૃથ્વીને ધર્મપૂર્વક પાળશે,વૈશ્યો વ્યવહાર પારાયણ થશે,

ક્ષત્રિયો પરાક્રમમાં પ્રીતિવાળા થશે ને શુદ્રો ત્રણે વર્ણની સેવામાં પરાયણ થશે.


હે પાંડવ,ઋષિઓએ પ્રશંસા કરેલા વાયુપુરાણને સ્મરણમાં રાખીને મેં તમને આ સર્વ ભૂત ભવિષ્ય કહ્યું છે.

મારા દીર્ઘ આયુષ્યને લીધે મેં આ સંસારના અનેક માર્ગો જોયા ને અનુભવ્યા છે,તે મેં તમને કહ્યા છે.

ધર્મના સંશયને છેદવા,હું તમને કહું છું કે-તમારે અમારા આત્માને નિત્ય ધર્મમાં જ જોડવો જોઈએ,

કેમ કે આ લોકમાં ને પરલોકમાં ધર્માત્મા મનુષ્ય જ સુખાનંદ ભોગવે છે.(17)

યુધિષ્ઠિર બોલ્યા-હે મુનિ,મારે પ્રજાઓનું કલ્યાણ કરતાં કયા ધર્મમાં રહેવું જોઈએ?

કેમ વર્તવાથી હું સ્વધર્મથી ભ્રષ્ટ ન થાઉં?


માર્કંડેય બોલ્યા-તમે દયાવાન રહો,સર્વ ભૂતોના હિતમાં રહો,પ્રીતિવાન રહો,ઇર્ષાંમુક્ત રહો,સત્યવાદી રહો,કોમળ રહો,જિતેન્દ્રિય રહો,પ્રજાનું રક્ષણ કરવામાં તત્પર રહો,ધર્મ આચારો,અધર્મનો ત્યાગ કરો,દેવો ને પિતૃઓનું પૂજન કરો,અસાવધતાથી કોઈ પાપ થઈ જાય તો તેનું પ્રાયશ્ચિત કરો,અભિમાનને છોડો,સતત સત્પુરુષોની આજ્ઞા પાળો.

ને આમ,સમસ્ત પૃથ્વી પર વિજય મેળવીને તમે આનંદ પામો ને સુખી થાઓ.મેં તમને ભૂત ને ભવિષ્યનો ધર્મ કહ્યો,

હવે તમે તમારા આચારના ક્લેશને ધ્યાનમાં ન લેશો.બુદ્ધિમાન પુરુષો કાળથી પીડાયા છતાં પણ મોહ પામતા નથી,કેમ કે દેવોને પણ આવો કાળ આવે છે,કાળની પ્રેરણાથી પ્રજાઓ પણ મૂર્છા ખાય છે.હે વત્સ,મારાં કહેલાં વચનો પર શંકા ન લાવશો.ને મેં કહ્યું તે મન,વચન ને કર્મથી આચરજો.(31)


યુધિષ્ઠિર બોલ્યા-હે દ્વિજશ્રેષ્ઠ,તમે મને મનોહર વચનો કહ્યાં છે.હું તમારી આજ્ઞા પ્રમાણે પ્રયત્નપૂર્વક વર્તીશ.

મને લોભ,ભય કે મત્સર નથી,તમે મને જે કહ્યું તે બધું હું કરીશ (33)

વૈશંપાયન  બોલ્યા-જે જન્મેજય,માર્કંડેયનાં વચનો સાંભળીને સારંગપાણિ શ્રીકૃષ્ણ,પાંડવો ને બ્રાહ્મણો હર્ષ પામ્યા,

તેમની ઉત્તમ કથા સાંભળીને તેમને પુરાતન કથાનું જ્ઞાન થયું ને તેઓ વિસ્મય પામ્યા (35)

અધ્યાય-૧૯૧-સમાપ્ત