Apr 1, 2024

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-473

 

અધ્યાય-૧૮૭-મત્સ્યોપાખ્યાન 


II वैशंपायन उवाच II ततः स पांडवो विप्रं मार्कण्डेयमुवाच ह I कथयस्वेति चरितं मनोवैवस्वतस्य च II १ II

વૈશંપાયન બોલ્યા-પછી એ યુધિષ્ઠિર પાંડવે માર્કંડેય મુનિને કહ્યું-'તમે વૈવસ્વત મનુનું ચરિત્ર કહો'

માર્કંડેય બોલ્યા-હે રાજન,વિવસ્વાન સૂર્યને મહાપ્રતાપી ને મહર્ષિ એવો એક મનુ નામે પુત્ર હતો,તે મનુ 

પોતાના બળથી,તેજથી,લક્ષ્મીથી અને તપસ્યાથી પોતાના પિતા ને પિતામહને પણ ટપી ગયો હતો.

તેણે બદરિકાશ્રમમાં ઊંચા હાથ રાખીને તથા એકપગે ઉભા રહી અતિ મહાન તપ કર્યું હતું.

વળી તેણે નીચું મસ્તક રાખીને,આંખ મીંચ્યા વિના દશ હજાર વર્ષ સુધી ઘોર તપ કર્યું હતું.

તે એકવાર ચીરિણીને તીરે તપમાં બેઠા હતા ત્યારે એક મત્સ્યે આવી તેમને કહ્યું કે-હે ભગવન,હું એક ક્ષુદ્ર માછલું છું,

ને મને બળવાન માછલાંનો ભય લાગે છે,તો તમે મને બચાવો,હું તમારા કરેલ ઉપકારનો બદલો આપીશ'

તે  માછલાના વચનથી વૈવસ્વત મનુને દયા આવી અને તેને બહાર કાઢીને અલિંજર (મણ પાણી માય તેવું પાત્ર)માં નાખ્યું.માછલું તેમાં વધવા લાગ્યું અને મનુ પણ તેને પોતાના પુત્ર જેવું ગણીને તેના પર ભાવ રાખવા લાગ્યા.(12)


લાંબે સમયે તે માછલું ઘણું મોટું થયું ને તે પાત્રમાં સમાયું નહિ એટલે,તેના કહેવાથી મનુએ તેને મોટી વાવમાં નાખ્યું.ત્યાં પણ તે વધવા લાગ્યું ને બે જોજન લાંબી ને એક જોજન પહોળી તે વાવમાં પણ તે સમાઈ ન શક્યું.

એટલે તેના કહેવાથી મનુએ તેને ગંગા નદીમાં લઇ જઈ નાખ્યું,ત્યાં પણ તે એટલું વધ્યું કે તેણે મનુને સમુદ્રમાં લઇ જવા કહ્યું,એટલે તેને સમુદ્રમાં છોડી દીધું.ત્યારે માછલાએ સ્મિતપૂર્વક મનુને કહ્યું કે-હે ભગવન,તમે મારી ખાસ અને પુરી રક્ષા કરી છે,પણ હવે મારુ કહ્યું તમે સાંભળો.આ સ્થાવર જંગમ સમસ્ત જગતનો ટૂંક સમયમાં જ પ્રલય થશે.


આ વિકટ સમય માટે તમારે દોરડાં બાંધી એક મજબૂત નાવ તૈયાર કરાવવી અને સપ્તર્ષિઓ સાથે તમારે એ નાવમાં ચડવું ને સાથે પૂર્વે બ્રાહ્મણોએ કહેલા સર્વ બીજોને પણ તમારે નાવમાં ચડાવવા ને તેનું રક્ષણ કરવું.

તમે નાવમાં બેસી મારી વાટ જોજો હું શિંગડાવાળો બનીને આવીશ,મારા વિના તમે તરી શકશો નહિ'

ત્યારે મનુએ મત્સ્યને કહ્યું કે-'હું એમ જ કરીશ' એમાં કહી તેઓ ત્યાંથી ચાલ્યા ગયા.


પછી,મનુએ તે મત્સ્યના કહેવા પ્રમાણેનાં સર્વ બીજો લીધાં.ને ઋષિઓ સાથે નૌકામાં બેસી તરવા લાગ્યા,

સમુદ્ર જળથી પૂર્ણ થઈને તોફાને ચડ્યો ત્યારે મનુએ તે મત્સ્યનું સ્મરણ કર્યું,એટલે તે શિંગડાવાળો થઈને ત્યાં આવી પહોંચ્યો.તે વખતે તે પર્વત જેવડો ઊંચો હતો એટલે મનુએ દોરડાવાળો પાશ તેના શિંગડામાં ભરાવી દીધો.

પછી એ નાવને તે મત્સ્ય તાણવા લાગ્યો.તે નૌકા પ્રચંડ પવનથી સમુદ્રમાં હાલકડોલક થતી હતી,ને વર્ષાને લીધે આસપાસ કંઈ પણ દેખાતું નહોતું.અનેક વર્ષો સુધી તે માછલાએ તે નાવને સમુદ્રમાં તરાવ્યા કરી.પછી તે મત્સ્ય તે  નાવને હિમાલયના એક ઊંચા શિખર પાસે લઇ ગયો ને તે નાવને તે શિખર સાથે બાંધી દેવાનું કહ્યું.


મત્સયનાં વચન સાંભળીને ઋષિઓએ તે નાવને હિમાલયના શિખર સાથે બાંધી,હિમાલયનું તે શિખર આજે પણ 

'નૌબંધન' તરીકે વિખ્યાત છે.હવે મત્સ્યે ઋષિઓને કહ્યું કે-હું પ્રજાપતિ બ્રહ્મા છું,મેં તમને આ ભયમાંથી છોડાવ્યા છે,હવે મનુએ દેવ,અસુર,માનવ એ સર્વ પ્રજાને ને ચરાચર સૃષ્ટિને ઉત્પન્ન કરવી.તપથી તેની પ્રતિભા ઉઘડશે ને મારા પ્રસાદથી તેને તેમ કરવામાં કોઈ મૂંઝવણ થશે નહિ' એમ કહી બ્રહ્મા ત્યાંથી અદ્ર્શય થયા.


પછી,વિવસ્વાન પુત્ર મનુએ પ્રજા ઉત્પન્ન કરવાની ઈચ્છા કરીને મહાન તપ કર્યા બાદ પ્રજાઓને યથાવત 

સર્જવા માંડી.હે રાજન, આ મેં તમને મત્સ્યપુરાણ નામે કહેવાયેલું,સર્વ પાપોને હરનારું મત્સ્યોપાખ્યાન કહ્યું.

મનુના આ ચરિતને જે સાંભળે છે તેના સર્વ મનોરથો ફળે છે ને સ્વર્ગલોકમાં જાય છે (58)

અધ્યાય-૧૮૭-સમાપ્ત