Mar 30, 2024

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-471

અધ્યાય-૧૮૫-અત્રિની કથા 


II मार्कण्डेय उवाच II भूय एव महाभाग्यं ब्राह्मणानां निबोध मे I वैन्यो नामेह राजर्षिरश्वमेधाय दीक्षितः II १ II

માર્કંડેય બોલ્યા-બ્રાહ્મણોના મહિમા વિશે હું વિશેષ કહું છું તે તમે સાંભળો.પૂર્વે આ લોકમાં વેનપુત્ર પૃથુ નામના

રાજર્ષિએ અશ્વમેઘની દીક્ષા લીધી હતી.ને અમે સાંભળ્યું છે કે અત્રિ તેમને ત્યાં ધનને માટે ગયા હતા.

આમ,તો તે ધનની ખાસ પરવા કરનારા નહોતા,કેમ કે દ્રવ્યને પરિણામે ધર્મનો નાશ થાય છે તે તેઓ જાણતા હતા,

પરંતુ જયારે તેમની પત્નીએ યજ્ઞ-આદિને વિસ્તારવા માટે તેમને વૈન્ય રાજા પાસે જવાનો આગ્રહ કર્યો (7)

ત્યારે અત્રિ બોલ્યા કે-'તે વેનપુત્ર ધર્મ ને અર્થથી સંપન્ન ને સત્યવ્રતવાળો છે,પણ ત્યાં કેટલાક બ્રાહ્મણો મારો દ્વેષ કરનારા છે,એથી જ હું ત્યાં જવા તૈયાર નથી,છતાં પણ તું કહે છે તો હું ત્યાં જઈશ' આમ કહી તેઓ વૈન્યના યજ્ઞમંડપમાં ગયા ને મંગલ વચનોથી રાજાની પૂજા કરતાં તે બોલ્યા કે-હે રાજન તું ધન્ય છેઃમુનિઓ તારી સ્તુતિ 

કરે છે,તારા જેવો કોઈ ધર્મવેત્તા નથી' ત્યારે મહાતપસ્વી ગૌતમ ક્રોધમાં આવી અત્રિને કહેવા લાગ્યા કે-

'હે અત્રિ,અહીં તું આવું બોલીશ નહિ,તારી બુદ્ધિ સ્થિર નથી.આ જગતમાં પ્રજાપતિ ઇન્દ્ર જ અમારા ઈશ છે'


અત્રિ બોલ્યા-'પ્રજાપતિ ઇન્દ્રની જેમ આ પૃથુ પણ સર્વનો વિધાતા છે,તું મોહથી મૂઢ છે તને જ્ઞાન નથી'

ગૌતમ બોલ્યા-'મને જ્ઞાન છે ને હું મૂઢ નથી.તું જ અહીં મોહમાં પડ્યો છે ને અર્થ માટે રાજાની વાહવાહ કરે છે'

બંને ઋષિઓ આમ વિવાદ કરીને ઘાંટા પાડવા લાગ્યા ત્યારે પૃથુએ ત્યાં યજ્ઞ માટે વરાયેલા મુનિઓને વિવાદ વિશે પૂછ્યું.ત્યારે તેમને કશ્યપમુનિએ સર્વ વાત કહી.પછી ગૌતમે સભામાં બેઠેલા મુનિવરોને વિવાદ વિશેનો અભિપ્રાય માંગ્યો.એટલે તે મહાત્મા મુનિઓ સંશયના નિવારણ માટે સનત્કુમાર પાસે ગયા.(24)


સનત્કુમાર બોલ્યા-'જેમ,અગ્નિ અને પવન ભેગા થઈને વનોને બાળી નાખે છે તેમ,ક્ષત્રિય સાથેનો બ્રાહ્મણ એ બંને શત્રુઓને બાળી નાખે છે.રાજા જ ધર્મ ને પ્રજાપતિ તરીકે પ્રસિદ્ધ છે.તે જ રક્ષક ઇન્દ્ર છે,નીતિવેત્તા શુક્ર છે,ધાતા છે ને બૃહસ્પતિ છે.વળી,જેને પ્રજાપતિ,વિરાટ,સમ્રાટ,ક્ષત્રિય,ભૂપતિ અને નૃપ એ શબ્દોથી સ્તુતિ કરવામાં આવે છે તેને કોણ ન પૂજે? રાજા ધર્મપ્રવર્તક હોવાથી 'પુરાયોનિ' (મુખ્ય કારણ) કહેવાય છે.યુદ્ધમાં જય મેળવવાથી 'યુધાજિત' કહેવાય છે,પ્રજાના રક્ષણમાં સતત જાગ્રત રહેવાથી તે 'અભિયા'કહેવાય છે.


આનંદ સંપન્ન હોવાથી તે 'મુદિત' કહેવાય છે,પ્રજાના આધારરૂપ હોવાથી તે 'ભવ' કહેવાય છે,સન્માર્ગપ્રદર્શક હોવાથી તે 'સ્વણતા' કહેવાય છે.શત્રુઓને સહેજે જીતી લે છે તેથી 'સહજિત'કહેવાય છે અને વિષ્ણુરૂપ હોવાથી 'બભ્રુ' કહેવાય છે.તે સત્ય ને ધર્મનો પ્રવર્તક હોવાથી,અધર્મથી બીધેલા ઋષિઓએ તેનામાં પોતાનું બ્રહ્મબલ મૂક્યું છે.દેવોમાં જેમ આદિત્ય સ્વર્ગમાં રહી,પોતાના તેજથી અંધકારનો નાશ કરે છે,તેમ,રાજા ભૂમિ પર રહીને પોતાના તેજથી અધર્મનો નાશ કરે છે.આમ શાત્રોનું પ્રમાણ જોતાં રાજાનું પ્રધાનપણું સિદ્ધ થાય છે'   


માર્કંડેય બોલ્યા-આ પ્રમાણે અત્રિનો પક્ષ સિદ્ધ થયો એટલે ઉદાર મનવાળો રાજા હર્ષ પામીને અત્રિને કહેવા લાગ્યો કે-'તમે રાજાને મનુષ્યોમાં ઉત્તમ અને સર્વ દેવોની બરોબારીનો કહ્યો છે તેથી હું તમને જાતજાતનું પુષ્કળ ધન આપું છું' આમ કહી તેણે દાસીઓ,દશ કરોડ સોનામહોરો,દશ ભાર (પચાસ મણ) સુવર્ણ આપ્યું કે જેને અત્રિએ સ્વીકાર્યું ને પોતાના ઘેર ગયા ને તે બધું ધન પુત્રોને વહેંચીને પોતે તપશ્ચર્યા કરવા વનમાં ચાલ્યા ગયા (36)

અધ્યાય-૧૮૫-સમાપ્ત