Mar 29, 2024

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-470

 

અધ્યાય-૧૮૪-બ્રાહ્મણનું માહાત્મ્ય 


II वैशंपायन उवाच II मार्कण्डेयं महात्मनमूचुः पांडुसुतास्तदा I माहात्म्यं द्विजमुख्यानां श्रोतुमिच्छामकथ्यताम् II १ II

વૈશંપાયન બોલ્યા-પછી,પાંડુપુત્રોએ મહાત્મા માર્કંડેયને પૂછ્યું-'અમે દ્વિજવરોના માહાત્મ્યને સાંભળવા ઇચ્છીએ છીએ તો તમે કહો' ત્યારે શાસ્ત્રોમાં નિપુણ,મહાતપસ્વી ને મહાતેજસ્વી તે માર્કંડેય બોલ્યા કે-હૈહયોના કુળનો એક પરપુરંજય નામનો રાજા મૃગયા માટે વનમાં ઘૂમતો હતો ત્યારે તેણે કાળિયારનું ચામડું ઓઢીને બેઠેલા એક મુનિને 

મૃગ માનીને મારી નાખ્યા.જયારે તેને ભાન થયું ત્યારે તેને અતિ દુઃખ થયું ને હૈહયોને આ વૃતાંત કહ્યો.

તે સર્વ પણ દુઃખી થઈને 'આ ઋષિ કોના પુત્ર હશે?' તે વિચારતા કશ્યપપુત્ર અરિષ્ટનેમિને આશ્રમે પહોંચ્યા.

ને ત્યાં જઈ મુનિને વંદન કરીને ઉભા.મુનિ તેમના સત્કાર કરવા તૈયાર થયા.ત્યારે તેમણે કહ્યું કે-અમે અમારા કર્મના દોષે તમારા સત્કારને પાત્ર નથી,કેમ કે અમે બ્રાહ્મણની હિંસા કરી છે' આમ કહી પોતાનો વૃતાંત કહ્યો.

ઋષિ ને હૈહયો,હિંસાની જગ્યાએ ગયા,પણ ત્યાં તે મૃત્યુ પામેલા ઋષિ જોવા મળ્યા નહિ.

ત્યારે અરિષ્ટનેમિએ તેમને પોતાનો પુત્ર બતાવતાં કહ્યું કે-તમે જે બ્રાહ્મણનો વિનાશ કર્યો હતો તે આ છે?'


સજીવન થયેલા તે ઋષિને જોઈને તેઓ આશ્ચર્ય પામ્યા ને મુનિને પૂછવા લાગ્યા કે-'મરણ પામેલા આ ઋષિ કેવી રીતે ફરીથી જીવતા થયા? તે અમે સાંભળવા ઇચ્છીએ છીએ' ત્યારે મુનિએ કહ્યું કે-'હે રાજવીઓ,મૃત્યુ અમારા પર પ્રભાવ ચલાવી શકતું નથી,તેનું કારણ હું તમને સંક્ષેપમાં કહીશ.અમે સત્યને જ ઓળખીએ છીએ,સ્વધર્મનું અનુષ્ઠાન રાખીએ છીએ,એથી અમને મૃત્યુનો ભય નથી.અમે અતિથિઓને ખાનપાનથી સત્કારીએ છીએ,ને 

પછી પરિવારને સંતોષીને,વધેલું જ જમીએ છીએ,અમે શાંત,જિતેન્દ્રિય અને ક્ષમાશીલ છીએ.ને તીર્થયાત્રા કરવામાં ને દાન આપવામાં તત્પર રહીએ છીએ.અમે પવિત્ર દેશમાં,યોગસિદ્ધ મહાત્માઓના સંગમ રહીએ છીએ માટે અમને મૃત્યુનો ભય નથી.હવે તમે સૌ મત્સરરહિત થઈને જાઓ,ને બ્રહ્મહત્યાના પાપનો ભય મનમાં ન રાખશો'

પછી સર્વ હૈહયો એ તે મહામુનિનું પૂજન કર્યું ને હર્ષપૂર્વક પોતાના રાજ્યમાં ગયા (23)

અધ્યાય-૧૮૪-સમાપ્ત