Mar 28, 2024

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-469

 

માર્કંડેય સમાસ્યા પર્વ 

અધ્યાય-૧૮૨-વર્ષા ને શરદઋતુનું વર્ણન 

II वैशंपायन उवाच II निदाघांतकरः कालः सर्वभूतसुखावहः I तत्रैव वसतां तेषां प्रावृद सममिषद्यत II १ II

વૈશંપાયન બોલ્યા-તે પાંડવો ત્યાં રહેતા હતા,ત્યારે પ્રાણીમાત્રને સુખ આપનારો તથા ઉનાળાના ઉકળાટને સમાવનારો વર્ષાકાળ આવ્યો.ત્યારે મહાગર્જના કરતાં વાદળોએ આકાશ તથા દિશાઓને છાઈ દીધાં હતાં.અને કાળાં વાદળો રાતદિવસ વરસી રહ્યાં હતાં.ધરતી પર ઘાસ ઉગી આવ્યું હતું ને તેમાં સર્પો ને જીવડાં ઘૂમતાં હતાં.

પાણીથી સિંચાઈ ગયેલી પૃથ્વી ઠંડી થઈને મનોહર લાગતી હતી.નદીઓ પાણીથી ભરાઈને વેગથી વહેતી હતી.

પક્ષીઓના કલકલ અવાજોને,ને મેઘથી ગાજી રહેલી વર્ષાઋતુને પાંડવોએ મંગલ રીતે પસાર કરી.(9)


હવે પ્રમોદભરી શરદઋતુ આવી.વનભાગો ઉપર મોટાં ઘાસ ઉગી નીકળ્યાં હતા,તળાવોના પાણીમાં ઠેરઠેર હંસો-આદિ દેખાતા હતા.નદીઓ પ્રસન્નતાથી વહેતીહતી,આકાશ નિર્મલ હતું અને નક્ષત્રો ખીલી રહ્યાં.

આ ઋતુમાં રાત્રિઓ શીતળ અને નિર્મલ જણાતી હતી.આકાશ જેવા તટવાળી ને પવિત્ર સરસ્વતી નદી પાસે વિચરતાં પાંડવો હર્ષ પામી રહ્યા હતા.કાર્તિક માસની શરદપૂર્ણિમાની રાત આવી ત્યારે પાંડવોએ મહાત્માઓ સાથે ત્યાંથી ઉપડવાની તૈયારી કરી.ને કૃષ્ણપક્ષના આરંભે તેઓ સર્વે કામ્યક વન તરફ પ્રયાણ કર્યું (18)

અધ્યાય-૧૮૨-સમાપ્ત 


અધ્યાય-૧૮૩-શ્રીકૃષ્ણ અને માર્કંડેયનું આગમન 


II वैशंपायन उवाच II काम्यकं प्राप्य कौरव्य युधिष्ठिरपुरोगमाः I कृतातिथ्या मुनिगणैर्निपेदुः सह कृष्णया II १ II

વૈશંપાયન બોલ્યા-હે કુરુવંશી રાજન,યુધિષ્ઠિર અને ભાઈઓ વગેરે ત્યાં કામ્યક વનમાં આવ્યા 

ત્યારે મુનિંગણોએ તેમનો સત્કાર કર્યો.ને પછી દ્રૌપદી સાથે તેઓ ત્યાં વસવા લાગ્યા.

થોડા સમય બાદ,સત્યભામા સાથે શ્રીકૃષ્ણ,શૈબ્ય ને સુગ્રીવ નામના ઘોડાઓ જોડેલા રથમાં ત્યાં આવ્યા.

રથમાંથી ઉતરીને,શ્રીકૃષ્ણે ધર્મરાજ ને ભીમને વંદન કર્યા,ધૌમ્યનું પૂજન કર્યું,અર્જુનને આલિંગન આપ્યું,

નકુલ સહદેવનાં વંદન સ્વીકાર્યાં ને દ્રૌપદીને સાંત્વન આપ્યું.પછી,સર્વ પાંડવોએ પણ શ્રીકૃષ્ણનું પૂજન કર્યું.


થોડીવારે જયારે સૌ શ્રીકૃષ્ણને વીંટાઇને બેઠા ત્યારે અર્જુને વનનાં સર્વ વૃતાંતો કહ્યાં ને સુભદ્રા તથા અભિમન્યુના ખબર પૂછ્યા.ત્યારે શ્રીકૃષ્ણે સર્વના કુશળમંગલ કહ્યા ને પછી સર્વનો આદર કરીને યુધિષ્ઠિર પાસે બેસી તેમની પ્રશંસા કરતાં કહેવા લાગ્યા કે-હે પાંડવ,તમે સત્યથી સ્વધર્મનું આચરણ કરીને આ લોક ને પરલોક 

પર વિજય મેળવ્યો છે.તમે કદી પણ ધનના લોભે ધર્મને છોડતા નથી,તેથી ધર્મરાજ કહેવાઓ છો.

તમારા મનોરથી નિઃસંદેહ સિદ્ધ થશે અને ટૂંક સમયમાં પ્રજાના પાળનાર થશો.તમારી પ્રતિજ્ઞા જો હવે પુરી થઇ હોય તો અમે કૌરવોને કબજે કરવા તૈયાર છીએ.મંગલ ભાગ્યે અર્જુન પણ અસ્ત્રવિધામાં સિદ્ધ થઈને આવ્યો છે.


પછી,દ્રૌપદીને,શ્રીકૃષ્ણ કહેવા લાગ્યા કે-હે દ્રૌપદી,તારા પુત્રોને ધનુર્વેદમાં ખાસ પ્રેમ છે,ને સ્નેહીઓ અને સત્પુરુષોએ આચરેલા માર્ગનું સદૈવ સેવન કરે છે.તારા પિતાએ તથા ભાઈઓએ તેમને રાજ્યની લાલચ બતાવીને તેડ્યા હતા તો પણ તેમને મામાઓના ઘરમાં રહેવું ગમ્યું નહોતું,તેઓ આનર્ત દેશ તરફ જ મોં રાખી રહ્યા છે.

દ્વારકામાં આવીને તે દેવોની પણ સ્પૃહા રાખતા નથી.સુભદ્રા પણ તેમના પ્રત્યે વિશેષ સ્નેહ રાખે છે.

પ્રદ્યુમ્ન,એ અનિરુદ્ધ અને અભિમન્યુનો ને તારા પુત્રોનો પણ શિક્ષક ને આશ્રય છે.તારા પુત્રો જયારે વિહાર કરવા જાય છે ત્યારે તે દરેકની પાછળ રથો,વાહનો ને હાથીઓ જાય છે.તેમની પૂરતી સુરક્ષા રખાય છે.


ત્યાર બાદ શ્રીકૃષ્ણ,ફરીથી ધર્મરાજને કહેવા લાગ્યા કે-'હે નરેન્દ્ર,હલધરના નેતૃત્વવળી,મોટી મથુરાની સેના 

તમારે માટે સજ્જ છે,જેનાથી દુર્યોધન ને તેના સેવકોને,ભૌમાસુર ને શાલ્વના માર્ગે પહોંચાડો.

તમારી પ્રતિજ્ઞા પુરી થયે તમે સર્વ પર વિજય મેળવીને હસ્તિનાપુરમાં પ્રવેશ કરજો'

યુધિષ્ઠિર બોલ્યા-હે કેશવ,પ્રતિજ્ઞા પ્રમાણે અમે બાર વર્ષ વનમાં ગાળ્યા છે ને હવે વિધિપૂર્વક 

ગુપ્તવાસ પૂરો કર્યા પછી અમે સર્વ તમારે આધીન ને તમારે જ શરણે છીએ,(40)


વૈશંપાયન બોલ્યા-યુધિષ્ઠિર ને શ્રીકૃષ્ણ આમ વાતો કરતા હતા ત્યારે સહસ્ત્ર વર્ષોના આયુષ્યવાળા ને તપમાં વૃદ્ધ થયેલા મહાતપસ્વી માર્કંડેય ત્યાં આવ્યા.શ્રીકૃષ્ણ અને પાંડવોએ તેમનું પૂજન કર્યું ને બેઠા પછી કૃષ્ણ બોલ્યા-

'હે માર્કંડેય,અમે તમારાં ઉત્તમ વચન સાંભળવા ઇચ્છીએ છીએ.તમે અમને પહેલાંની પાવનકારી પુરાણકથાઓ તથા રાજાઓ,ઋષિઓ અને સ્ત્રીઓના સનાતન સદાચારો કહો' (46)


સર્વે આ પ્રમાણે વાતચીત શરુ કરતા હતા તે વખતે મહર્ષિ નારદ ત્યાં પાંડવોને જોવા આવ્યા.સર્વેએ તેમનું પૂજન કર્યું.નારદે જાણ્યું કે સર્વ લોકો,માર્કંડેયની કથા સાંભળવા આતુર છે,એટલે તેમણે પણ અનુમોદન આપ્યું.

યુધિષ્ઠિરે ફરીથી વાત શરુ કરતાં માર્કંડેયને પૂછ્યું કે-'તમે દેવો,દૈત્યો,ઋષિઓ ને રાજર્ષિઓ વગેરેનાં ચરિત્ર જાણો છો,તમે પુરાતન છો,અમારા પૂજ્ય છો,ને લાંબા વખતથી અમે તમારા દર્શનની આકાંક્ષા રાખતા હતા.


હે બ્રહ્મન,હું સુખથી ભ્રષ્ટ થયો છું ને દુરાચારી ધૃતરાષ્ટ્રપુત્રો સમૃદ્ધિશાળી છે,એ જોઈને મને વિચાર આવે છે કે શુભ અને અશુભ કર્મનો કર્તા પુરુષ છે ને તે કર્મોના ફળ ભોગવે છે તો પછી ઈશ્વર કેવી રીતે કર્તા કહેવાય?

મનુષ્યોને ક્યાંથી સુખ ને દુઃખ મળે છે?તેમણે કરેલા કર્મનું ફળ આ લોકમાં જ મળે છે કે બીજા દેહમાં મળે છે?

જેને શુભ-અશુભ કર્મો ખોળ્યા કરે છે એવો જીવ,શરીર છોડ્યા પછી કર્મો સાથે કેવી રીતે સંબંધ પામે છે?

મરણ પામેલા પ્રાણીનાં કર્મો,આ લોકમાં કે પરલોકમાં,કે ક્યાં રહે છે? (60)


માર્કંડેય બોલ્યા-હે રાજન,જગતની પૂર્વે પ્રકટેલા પ્રજાપતિએ,શરીરધારીઓનાં શરીરને નિર્મલ,શુદ્ધ અને ધર્મને આધીન સર્જેલાં છે.ને આથી જ પહેલાંના મનુષ્યો સદવ્રતી,સત્યવાદી,બ્રહ્મરૂપ,સફળ સંકલ્પવાળા ને સિદ્ધ ફળવાળા હતા.તે સર્વ દેવોની સાથે નભોમંડળમાં ઈચ્છા પ્રમાણે જતા આવતા હતા.તે બધા ઈચ્છાગતિ,

ઈચ્છામરણ ને સ્વેચ્છાએ વર્તનારા હતા.તેઓ આરોગ્યવાન,સિદ્ધ અર્થવાળા અને ઉપદ્ર્રવરહિત હતા.

તેઓ જ્ઞાનવાન,જિતેન્દ્રિય અને મત્સરરહિત હતા,ને તેમની હજારો વર્ષની આવરદા હતી.


પછી,બીજો કાળ આવ્યો,ત્યારે તે મનુષ્યો,કામ ને ક્રોધથી પરાભવ પામીને,માયા તથા છળથી જીવવા લાગીને લોભ અને મોહથી પછડાવા લાગ્યા.ત્યારે દેહ છોડીને તે પાપીઓ,પોતાના અશુભ કર્મોથી તિર્યગયોનિ કે નરકમાં જવા લાગ્યા ને વિવિધ પ્રકારના સંસારોમાં ફરીફરી જન્મ-મરણના ફેરા ખાવા લાગ્યા.તેઓ હીનકુળમાં જન્મ ધરવા લાગ્યા,ને વ્યાધિથી પીડાવા લાગ્યા,તેમનાં મન દુષ્ટ થઈને તેઓ પ્રતાપહીન બન્યા ને તેમનાં આયુષ્ય ટૂંકા થયાં.

તેઓ સર્વ વિષયોની કામના કરવાવાળા,નાસ્તિક ને અસ્થિર મનવાળા બન્યા.

આમ,હે કુંતીપુત્ર,પ્રાણી મરી જાય ત્યારે આ લોકમાંના કર્મો અનુસાર તેને ગતિ મળે છે.


ઈશ્વરે સર્જેલા આદિશરીરથી (લિંગદેહથી) મનુષ્ય શુભાશુભ કર્મોનો સંચય કરે છે.ને આયુષ્યનો અંત આવતાં,

જીર્ણ શરીરને છોડીને તરત જ બીજી યોનિમાં જન્મ ધારણ કરે છે.આમ વચ્ચે તે દેહ વિનાનો રહેતો જ નથી.

એનું કરેલું કર્મ એને છયાની જેમ નિત્ય અનુસરે છે ને ફળ આપે છે એથી જીવ સુખદુઃખને યોગ્ય જન્મ ધારણ કરે છે.યમરાજના નિયમોથી બંધાયેલો તે જીવ શુભાશુભ કર્મોના ફળને ટાળી શકતો નથી,એવો નિર્ણય છે.


અજ્ઞાનીઓની ગતિ આવી છે. હવે,જ્ઞાનીઓની ઉત્તમ ગતિ વિશે સાંભળો.તે જ્ઞાની મનુષ્યો,તપવાળા,શાસ્ત્રજ્ઞ,

સ્થિર વ્રતી,સત્યપરાયણ,યોગાભ્યાસી,ક્ષમાશીલ,જિતેન્દ્રિય ને પવિત્ર યોનિમાં જન્મ લેનારા ને મૉટે ભાઈ શુભ લક્ષણવાળા હોય છે.જિતેંદ્રિયતાને લીધે તેઓ સ્વાધીન ને યોગાભ્યાસને લીધે તેઓ ઓછા રોગી હોય છે,


તેઓ જ્ઞાનદૃષ્ટિથી દેહથી છુટા પડે છે ને નવો જન્મ ધરતા તેઓ ગર્ભમાં રહેતા પોતાના ને પરાયા આત્માને પુરી રીતે જાણે છે.તે જ્ઞાની મહાત્માઓ આ કર્મભૂમિ પર આવીને પાછા દેવલોકમાં જાય છે.હે રાજન,પુરુષો,કેટલુંક દૈવથી (જડભરતની જેમ)તો કેટલુંક હઠથી (વિશ્વામિત્રની જેમ) ને કેટલુંક પોતાના કર્મોથી મેળવે છે.

આ વિશે તમે બહુ વિચાર કરશો નહિ,પણ હું જેને પરમકલ્યાણ માનું છું તેનું ઉદાહરણ પણ સાંભળો.


કોઈને આ લોકમાં સુખ મળે છે ને પરલોકમાં સુખ મળતું નથી,કે કોઈને બંને લોકમાં સુખ કે દુઃખ મળે છે.

સદૈવ દેહસુખમાં રમનારાઓને આ લોકમાં સુખ છે ને પરલોકમાં નથી.જિતેન્દ્રિય લોકો પરલોકમાં સુખ પામે છે,ને આ લોકમાં સુખ પામતા નથી.જે ધર્મપૂર્વક ધન મેળવે યજ્ઞાદિ કર્મો કરે તેને બને લોકમાં સુખ મળે છે.

જે મુર્ખોમાં વિદ્યા નથી,તપ નથી,દાન નથી ને જેઓ સુખો ને ભોગો ભોગવતા નથી,તેઓને આ લોકમાં કે પરલોકમાં ક્યાંય સુખ પ્રાપ્ત થતું નથી.કર્મોની ગતિ અતિ વિચિત્ર છે.


પણ,હે રાજન,તમે સૌ અતિવીર્યવાન,સત્વવાન ને ઓજસ્વી ને દૃઢ શરીરવાળા છો ને દેવોના કાર્ય માટે સ્વર્ગમાંથી આ ધરતી પર ઉતર્યા છો,તમે સર્વ વિદ્યા સારી રીતે ભણ્યા છો.તમે તપસ્વી ને જિતેન્દ્રિય છે,સદાચારમાં રહો છો,તેથી તમે મહાન કર્મો કરીને દેવો,ઋષિઓ તથા પિતૃગણો એ સર્વને ઉત્તમ વિધિએ તૃપ્ત કરશો.

પછી,ક્રમે કરીને તમે તમારાં પોતાના કર્મોથી પુણ્ય કરનારાઓના પરમધામ સ્વર્ગમાં જશો.

માટે,પરિણામે સુખદાયી એવા તમારા આ અત્યારના ક્લેશને જોઈને તેમે શંકા લાવશો નહિ (95)

અધ્યાય-૧૮૩-સમાપ્ત