અધ્યાય-૧૮૦-અજગર ને યુધિષ્ઠિર વચ્ચે સંવાદ
II वैशंपायन उवाच II युधिष्ठिरस्तमासाद्य सर्पभोगेन वेष्टितं I दयितं भ्रातरं धिमानिदं वचनमब्रवीत II १ II
વૈશંપાયન બોલ્યા-બુદ્ધિમાન યુધિષ્ઠિર સર્પના શરીરથી વીંટળાયેલા પોતાના ભાઈ પાસે જઈને પૂછવા લાગ્યા કે-
'હે ભીમ,તું ક્યાંથી આ આપત્તિને પામ્યો?પર્વત જેવી કાયાવાળો આ નાગરાજ કોણ છે?'
ત્યારે ભીમે પોતાના પકડાવાથી માંડીને સર્વ હકીકત કહી.ને કહ્યું કે-રાજર્ષિ નહુષ આ દેહમાં રહેલો છે'
ત્યારે યુધિષ્ઠિરે તે સર્પને કહ્યું કે-તું મારા ભાઈનેમૂકી દે,તારી ભૂખ ટાળવા હું તને બીજો આહાર આપું'
સર્પ બોલ્યો-'જે કોઈ મારા આ સ્થાનમાં આવે છે તે મારો ભક્ષ્ય થાય છે,આ મને આહાર રૂપે મળ્યો છે,
તેને હું છોડીશ નહિ,તેમ,બીજા કોઈ આહારની ઈચ્છા પણ રાખીશ નહિ'
યુધિષ્ઠિર બોલ્યા-હે સર્પ,તું દેવ છે કે દૈત્ય છે? તેં શા માટે ભીમસેનને ગળ્યો છે?
શું લાવી આપવાથી કે શું જાણવાથી તારી પ્રીતિ થાય એમ છે?તું કહે કે ભીમને તું કઈ રીતે છોડી દે?
ત્યારે સર્પે પોતાની નહુષ તરીકેની ભીમને આપી હતી તેમ જ ઓળખ આપી ને કહ્યું કે-
'હે રાજન તું મારા પૂછેલા પ્રશ્નોનો ઉત્તર આપીશ,તો હું તેને છોડી દઈશ'
યુધિષ્ઠિર બોલ્યા-'હે સર્પ તું ઇચ્છામાં આવે તે પ્રશ્ન પૂછ,હું તેના ઉત્તર આપીશ.ને તને પ્રસન્ન કરીશ'(19)
સર્પ બોલ્યો-'બ્રાહ્મણ કોણ કહેવાય?જાણવા યોગ્ય શું છે?હું તને અતિ બુદ્ધિમાન ધારું છું,તું જવાબ દે'
યુધિષ્ઠિર બોલ્યા-'હે નાગેન્દ્ર,જેનામાં સત્ય,દાન,ક્ષમા,શીલ,અક્રુરતા,તપ અને દયા જોવામાં આવે તે બ્રાહ્મણ કહેવાય.જાણવા યોગ્ય તે પરબ્રહ્મ જ છે,જે દુઃખ અને સુખથી રહિત છે ને જેને પામીને મનુષ્યને શોક કરવાનો રહેતો નથી.બોલ,તારે આ સંબંધમાં શું કહેવાનું છે?'
સર્પ બોલ્યો-'જો વેદ સત્ય છે ને ચારે વર્ણમાં પ્રમાણરૂપ છે,તો શુદ્રોમાં પણ આ સત્ય,દાન,અક્રોધ,અક્રુરતા,
અહિંસા ને દયા હોય તો તેઓ બ્રાહ્મણ ગણાશે? તમે પરબ્રહ્મને સુખદુઃખથી રહિત કહી,
પણ મને લાગે છે કે સુખદુઃખથી રહિત એવી કોઈ જ વસ્તુ નથી'
યુધિષ્ઠિર બોલ્યા-જો એ લક્ષણો શુદ્રમાં હોય અને બ્રાહ્મણમાં ન હોય તો શુદ્ર શુદ્ર નથી ને બ્રાહ્મણ બ્રાહ્મણ નથી.
જેનામાં આગળ કહેલું આચરણ જણાય છે તે જ બ્રહ્મ કહેવાય છે પણ જેનામાં એવું આચરણ નથી તે બ્રાહ્મણ નથી તેને શુદ્ર જ માનવો.તેં કહ્યું કે સુખદુઃખથી રહિત કોઇ સ્થાન નથી,તે તારું કહેવું ઠીક છે.પણ જેમ ઠંડીમાં અને ગરમીમાં અનુક્રમે ગરમી અને ઠંડી હોતી નથી,તેમ કોઈ પણ સ્થાન સુખદુઃખથી રહિત હોતું નથી.
એટલે કે જેમ ઠંડી ને ગરમીથી પર કોઈ અનિર્વચનીય પદાર્થ હોવાનું સ્વીકારવામાં આવે છે તેમ સુખ ને દુઃખથી પર અનિર્વચનીય 'જ્ઞેય' વસ્તુ ([પરબ્રહ્મ) વસ્તુ સ્વીકારવી પડે છે,આ મારી માન્યતા છે પછી તું માને તે ખરું !'
સર્પ બોલ્યો-જો બ્રાહ્મણ વર્તન પરથી ઓળખાય એવો તારો મત છે ,
તો જ્યાં સુધી ચારિત્ર્યની શુદ્ધિ નથી ત્યાં સુધી જાતિ મિથ્યા જ ગણાય ને?
યુધિષ્ઠિર બોલ્યા-હે મહાસર્પ,અહીં,મનુષ્યોમાં સર્વ વર્ણોની ભેળસેળને લીધે જાતિની પરીક્ષા કરવી કઠણ છે.એવું મારુ માનવું છે.સર્વ પુરુષો સર્વ સ્ત્રીઓમાં સદા સંતાન પેદા કરે છે.સૌ મનુષ્યોનાં વાણી,મૈથુન,જન્મ અને મરણ સમાન જ છે.આ સંબંધમાં 'યે યજામહે' (અમે યજ્ઞ કરીએ છીએ)એ વેદવાક્ય પ્રમાણરૂપ છે.આથી તત્વદર્શીઓ ચારિત્ર્યને જ મુખ્ય અને ઇષ્ટ માને છે.પુરુષને નાળછેદનની પહેલાં જાતકર્મનો સંસ્કાર કરવામાં આવે છે.ઉપનયન સંસ્કારમાં ગાયત્રી તેની માતા ને આચાર્ય તેનો પિતા ગણાય છે.જ્યાં સુધી એનો વેદજન્મ થયો નથી ત્યાં સુધી તે શુદ્ર સમાન જ છે.આવું જાતિ વિશેના સંશય સંબંધમાં સ્વાયંભુવ મનુએ કહ્યું છે.(35)
હે નાગેન્દ્ર,સર્વ વર્ણોની સંસ્કાર આદિ ક્રિયાઓ કર્યા છતાં તેનામાં ચારિત્ર્ય ન હોય તો તેમનામાં
વર્ણશંકરતાની પ્રબળતા જ માનવી જોઈએ.આથી સંસ્કારી ચારિત્ર્ય જ જોવાવું જોઈએ (વર્ણ નહિ)
ને એટલે જ એવા ચારિત્ર્યવાનને મેં આગળ બ્રાહ્મણ કહ્યો છે.(37)
સર્પ બોલ્યો-હે યુધિષ્ઠિર,તમે યથાર્થ તત્વવેત્તા છો,તો હવે હું તમારા ભાઈને શા માટે ખાઈ જાઉં? (38)
અધ્યાય-૧૮૦-સમાપ્ત