અધ્યાય-૧૭૯-ભીમ-અજગર સંવાદ
II वैशंपायन उवाच II स भीमसेनस्तेजस्वी तथा सर्पवशं गतः I चिंतयामास सर्पस्य वीर्यमत्यद्भुतं महत् II १ II
વૈશંપાયન બોલ્યા-તે તેજસ્વી ભીમ,આ પ્રમાણે અજગરને વશ થયો ત્યારે તે સર્પના અદભુત બળનો વિચાર કરવા લાગ્યો ને સર્પને કહેવા લાગ્યો કે-હે સર્પ તું કોણ છે? તું,મારુ શું કરવા ઈચ્છે છે? હું ધર્મરાજથી નાનો ભીમસેન પાંડવ છું.તેં મારા મહાબળને આમ રોકી લીધું છે તેથી મને ખાતરી થાય છે કે મનુષ્યોનું પરાક્રમ મિથ્યા છે
સર્પ બોલ્યો-હું મહર્ષિઓના કોપના કારણે આ અવસ્થા પામ્યો છું.તે રાજર્ષિ નહુષનું નામ તો સાંભળ્યું જ હશે.
તે તારા જ પૂર્વજોની પૂર્વપુરુષ અને આયુનો વંશધર પુત્ર હતો.તપોથી,યજ્ઞોથી,વિધાથી,કુલીનતાથી અને પરાક્રમથી મેં ત્રૈલોક્યનું અતુલ ઐશ્વર્ય મેળવ્યું હતું ને તેથી મદથી સહસ્ત્ર મુખ્ય ઋષિઓએ મારી પાલખી ઉંચકવી પડી હતી,ત્યારે અગસ્ત્યઋષિએ મને શાપથી સમૃદ્ધિભ્રષ્ટ કર્યો ને હું આ દશાને પામ્યો છું.તું મારુ આ દૈવ જો.
તું મારાથી વધ પામવાને યોગ્ય નથી,તું મારો વંશજ છે અને તારું દર્શન મને પ્રિય છે છતાં,હું તને ખાવા ઈચ્છું છું.
તેવા આ મારા પ્રારબ્ધને જો.કેમકે,મને વરદાન છે કે મારી ચૂડમાં આવેલું કોઈ કેમે કરી છૂટી શકતું નથી.
તું કોઈ સાધારણ સર્પથી પકડાયો નથી,ઇંદ્રાસનથી ભ્રષ્ટ થઇ જયારે હું વિમાનમાંથી નીચે પડી રહ્યો હતો,ત્યારે મેં મુનિ અગસ્ત્યને વિનંતી કરી કે મને મારા શાપનો અંત બતાવો.ત્યારે તે ઋષિએ કહ્યું હતું કે-થોડા સમયમાં તારો મોક્ષ થશે.સત્યાસત્યનો વિવેક જાણનારો જે મનુષ્ય તારા પૂછેલા પ્રશ્નોનો ઉત્તર આપશે,તે તને શાપમાંથી છોડાવશે.વળી,તું જેને પકડશે તે તારાથી જો બળવાન હશે તો પણ,તે પોતાનું બળ ખોઈ બેસશે.
ત્યારથી હું આ સર્પયોનિ પામી,શાપમુક્તિના કાળની રાહ જોઉં છું'
ભીમસેન બોલ્યો-હે મહાસર્પ,હું તારા પર કોપ કરતો નથી કે મારી જાતને નીંદતો નથી કેમ કે મનુષ્ય સુખની પ્રાપ્તિ કે દુઃખની નિવૃત્તિ કરવામાં કદીક સમર્થ થાય છે તો કદી સમર્થ થતો નથી.કયો મનુષ્ય પુરુષાર્થથી દૈવને છેતરી શકે તેમ છે?હું તો દૈવને જ બળવાન ગણું છું પુરુષાર્થને નહિ.દૈવના ફટકાને લીધે જ હું આ દશાને પામ્યો છું.પણ,
મને મારા વિનાશનો જેટલો શોક થતો નથી તેટલો વનમાં પડેલા મારા ભાઈઓનો શોક થાય છે.
મને મરેલો જાણીને તેઓ કદાચ નિરુદ્યમી થઇ જાય,મેં જ તેમને આ તકલીફ આપી છે.જોકે અર્જુન મહાબળવાન છે,તેની આગળ કોઈ પણ વિસાતમાં નથી' ભીમે આમ તે સર્પ આગળ વિલાપ કર્યો.
હવે ભીમના ન જોવાથી યુધિષ્ઠિર ચિંતામાં પડ્યા.અનિષ્ટ ઉત્પાતો જોઈને તેમનું મન અસ્વસ્થ થયું,તેમનો જમણો હાથ વારેવારે ફરકવા લાગ્યો,તેમના હૃદયમાં ને ડાબા પગમાં સખત બળતરા થવા લાગી ને તેમની ડાબી આંખ ફરકવા લાગી કે જેથી મહાન ભયની આશંકાને લીધે તેમણે દ્રૌપદીને ભીમ વિષે પૂછ્યું.દ્રૌપદીએ કહ્યું કે-'તેઓ તો ક્યારનાયે ગયા છે' એટલે યુધિષ્ઠિર અર્જુનને દ્રૌપદીનું રક્ષણ કરવાનું કહીને તે ભીમને ખોળવા નીકળ્યા.
ભીમના પગલે પગલે,તેને ખોળતા,તેઓ તે પર્વતની ગુફા આગળ પહોંચ્યા કે જ્યાં તેમણે પોતાના નાના ભાઈ ભીમસેનને સર્પની પકડમાં પકડાયેલો ને નિશ્ચેટ થયેલો જોયો (61)
અધ્યાય-૧૭૯-સમાપ્ત