અધ્યાય-૧૭૭-ફરી દ્વૈતવનમાં આગમન
II वैशंपायन उवाच II
नगोत्तमं प्रस्त्रवणैरूपेतं दिशां गजैः किन्नरपक्षीमिश्च I सुखं निवासं जहतां हि तेषां न प्रीतिरासिद भरतर्षमाणां II १ II
વૈશંપાયન બોલ્યા-તે ભરતવરોને,ઝરણાંઓ,દિગ્ગજો,કિન્નરો ને પક્ષીઓથી સુશોભિત તે શ્રેષ્ઠ પર્વતના સુખકારી
નિવાસને છોડવાનું ગમ્યું નહિ,ને ફરી ફરીથી કૈલાસ પર્વતને જોતાં તેમને મહાહર્ષ થયો.તે નરવીરો,ઝાડીઓ,
પર્વતો,ધોધો,વિવિધ પશુપંખીઓ આદિને જોતાં જોતાં ને ગિરીગુફાઓમાં નિવાસ કરતાં,કૈલાસને ઓળંગ્યો.
અને છેવટે વૃષપર્વાના આશ્રમે પહોંચ્યા,કે જ્યાં એક રાત નિવાસ કરીને,તેઓ વિશાલ બદરી પહોંચ્યા ને
નારાયણના ધામમાં આવીને નિવાસ કર્યો.ત્યાં કુબેરતળાવ જોતાં તે શોકમુક્ત થઇ રમણ કરવા લાગ્યા.(10)
બદરિકાશ્રમમાં એક માસ વિહાર કરીને,પછી જે માર્ગે આવ્યા તે જ માર્ગે કિરાતરાજ સુબાહુ તરફ ચાલ્યા.
સુબાહુ રાજાએ તેમનું સ્વાગત કર્યું ને ત્યાં આગળ તેઓ જે સારથિઓ ને સેવકોને છોડીને ગયા હતા તેમને મળ્યા.
ત્યાં તેઓ એક રાત રહ્યા અને ઘટોત્કચ ને તેના સેવકોને રજા આપીને,સારથિઓ ને રથોને લઈને યમુનાજી જ્યાં પ્રગટ થયાં હતાં તે ગિરિરાજ પાસે આવ્યા.તે પર્વત પર બરફ હોવાને લીધે,સૂર્યના તાપને લીધે તે કદીક લાલ તો કદી સફેદ દેખાતા હતાં.ત્યાં વિશાખયૂપ નામના વનમાં જઈને સુખપૂર્વક એક વર્ષ નિવાસ કર્યો.(17)
ત્યાં એક વખતે,ભીમ,પર્વતની એક ગુફામાં ભૂખથી પીડાઈ રહેલા અને મૃત્યુના જેવા એક અતિબળવાન સર્પ પાસે ફસાઈ ગયો હતો ત્યારે યુધિષ્ઠિરે તેનો છુટકારો કરાવ્યો હતો.તપમાં પરાયણ એવા તે પાંડવોએ આમ વનવાસનું બારમું વર્ષ પ્રસન્નતાથી પસાર કર્યું.પછી,તે વનમાંથી નીકળી,સરસ્વતી નદી પાસે પહોંચી ત્યાંથી નિવાસ કરવાની ઇચ્છાએ તેઓ દ્વૈતવન સરોવર તરફ ગયા.પાંડવોને દ્વૈતવનમાં આવેલા જોઈ,ત્યાંના નિવાસીઓએ તેમનો સત્કાર કર્યો. મહર્ષિઓને પ્રિય એવી તે જગાએ પાંડવો પ્રસન્ન ચિત્તે વિહરવા લાગ્યા.(24)
અધ્યાય-૧૭૭-સમાપ્ત
અધ્યાય-૧૭૮-ભીમને અજગરે ગળ્યો
II जनमेजय उवाच II कथं नागायुतप्राणो भीमो भीमपराक्रमः I भयमाहारयत्तिव्रं तस्मादजगरान्मुने II १ II
જન્મેજય બોલ્યા-હે મુનિ,દશ હજાર હાથીના જેટલું બળ ધરાવનારો ને ભયંકર પરાક્રમ કરનારો ભીમ અજગરથી કેમ ભય પામ્યો હતો?જેણે યક્ષો ને રાક્ષસોને એકલે હાથે માર્યા હતા તે ભયભીત થઇ અજગર પાસે ફસાઈ ગયો હતો તેમ તમે જે કહો છો તે વિશે મને કુતુહલ થયું છે તેથી તે કથા હું સાંભળવા ઈચ્છું છું (3)
વૈશંપાયન બોલ્યા-અનેક આશ્ચર્યોથી ભરેલા,ને દેવો તથા ગંધર્વોથી સેવાયેલા તે રમ્ય વનમાં ધનુષ્ય ને તલવાર સજીને,ભીમ વિચરતો હતો.ને અદભુત ગર્જનાઓ કરીને પ્રાણીઓને ત્રાસ આપતો હતો,ત્યારે ગુફામાં રહેનારા સર્પો પણ ભયભીત થઈને ઝડપભેર સરકી જવા લાગ્યા.ભીમ તેમને અનુસરતો હતો ત્યારે,તેને એક મહાશરીરવાળો સર્પ જોયો ને તે ગુફાને રોકીને પડ્યો હતો.તે કાબરચીતરો હતો ને તેનો રંગ પીળો હતો.ચાર દાઢોવાળું તેનું મોં ગુફાના જેવા આકારવાળું હતું,તેની આંખો અત્યંત લાલ હતી ને તે વારંવાર ગલોફાં ચાટયા કરતો હતો.
ભીમસેન તરફ તે ક્રોધે ભરાઈને ગયો ને તેના બેઉ હાથ બળપૂર્વક પકડી લીધા,આમ,ભીમના અંગને તેણે સ્પર્શ કર્યો કે તરત જ ભીમ મૂર્છા ખાઈ ગયો કેમ કે તે અજગરને તેવું વરદાન હતું.ભીમનું દશ હજાર હાથી સમાન બળ ત્યાં ચાલ્યું નહિ,ભીમે છૂટવાનો ઘણો પ્રયત્ન કર્યો પણ વરદાનથી મોહિત થઈને તે નિર્બળ થઇ ગયો (33)
અધ્યાય-૧૭૮-સમાપ્ત