અધ્યાય-૧૬૯-નિવાત-કવચ સાથે યુદ્ધ
II अर्जुन उवाच II ततोSह स्तूयमानस्तु तत्र तत्र महर्षिभिः I अपस्यमुदधि भीममपांपतिमथाव्ययम् II १ II
અર્જુન બોલ્યો-પછી,સ્થળે સ્થળે મહર્ષિઓથી સ્તુતિ કરાયેલા મેં,અનંત અને ભીષણ જલનાથ જળનિધિને જોયો.
મહાવેગવાળા તે જળનિધિને જોયા પછી,મેં દાનવોથી ભરેલા તે દૈત્યનગરને પાસેથી જોયું.માતલિએ ત્યાં જ
રથને એકદમ પૃથ્વીની સપાટી પર ઉતાર્યો.ને રથઘોષથી ત્રાસ વર્તાવતો તે રથ નગર તરફ દોડવા લાગ્યો.
આકાશમાં થતી મેઘગર્જના જેવી તે રથની ગર્જના સાંભળીને દાનવો મને ઇન્દ્ર માનીને વ્યાકુળ થઇ ગયા.ને તે સર્વ દાનવો હાથમાં ધનુષ્ય,બાણ,તલવાર,ત્રિશુલ,ગદા,મુશળ આદિ સજીને ઉભા રહ્યા.ને નગરના દરવાજાઓ બંધ કર્યા.આથી મને ત્યાં કોઈ દાનવ જોવામાં આવતો નહોતો.હવે મેં મહાનાદવાળો દેવદત્ત શંખ હાથમાં લીધો અને
તેને ધીરે ધીરે વગાડવા લાગ્યો.તે શંખનાદ આકાશમાં પછડાઈને પડઘો પાડવા લાગ્યો.કે જેથી મોટાંમોટાં પ્રાણીઓ પણ ત્રાસ પામીને સંતાઈ જવા લાગ્યાં.
પછી આયુધો સજેલા,તે નિવાત-કવચો હજારોની સંખ્યામાં બહાર આવ્યા.માતલિએ રથને શીઘ્ર ગતિથી સપાટ પ્રદેશ પર દોડાવ્યો.એના વેગથી આજુબાજુનું કશું હું જોઈ શક્યો નહિ.પણ ત્યાં દાનવોના બેહૂદા અવાજવાળાં વાજિંત્રોનો ભયંકર નાદ ગાજી ઉઠ્યો હતો.ને તે દાનવો સેંકડો બાણોનો વરસાદ કરતા રહીને મારી પર ધસી આવ્યા.ને ત્યારે તેમની ને મારી વચ્ચે મહાભયંકર યુદ્ધ ચાલ્યું.ત્યારે દેવર્ષિઓ,દાનવર્ષિઓ,બ્રહ્મર્ષિઓ,અને સિદ્ધિ ત્યાં યુદ્ધભૂમિમાં ટોળે વળ્યાં હતા અને મારો વિજય ઇચ્છતા તે મુનિઓ મારી સ્તુતિ કરતા હતા.(24)
અધ્યાય-૧૬૯-સમાપ્ત
અધ્યાય-૧૭૦-તુમુલ યુદ્ધ
II अर्जुन उवाच II ततो निवातकवचाः सर्वे वेगेन भारत I अम्यद्र्वन्मां सहिताः प्रगृहीतायुधा रणे II १ II
અર્જુન બોલ્યો-હે ભારત,સર્વ નિવાતકવચો આયુધોનો પ્રહાર કરતા મારી સામે વેગપૂર્વક ધસી આવ્યા ત્યારે,મેં તે દરેક પર ગાંડીવમાંથી દશદશ વેગવાન બાણો છોડ્યાં,ને તેમને ઘાયલ કર્યા,ને તે પાછા હટ્યા.માતલિએ તે
મહારથમાં દશ હજાર ઘોડાઓ જોડ્યા હતા,ને તેમને વશમાં રાખ્યા હતા તેથી તે જાણે થોડા જ હોય તેમ તે ઘોડાઓ વ્યવસ્થિત રીતે જાતજાતની ચાલો ચાલીને હજારો દૈત્યોને તેમના પગ નીચે કચરી નાખતા હતા.
તે ઘોડાઓ અને રથના મારથી તેમ જ મારી સતત બાણોની વર્ષાથી સેંકડો દાનવો નાશ પામ્યા તો કેટલાક નાસી ગયા.પછી,મેં બ્રહ્માસ્ત્રથી મંત્રેલાં જાતજાતનાં નાનાં બાણો ફેંકીને દૈત્યોને વીંધવા માંડ્યા.પીડા પામેલા ને ક્રોધે ભરાયેલા તે દૈત્યોએ એક સાથે શક્તિ,ત્રિશુલ અને તલવારોની વૃષ્ટિ કરીને મને પીડવા લાગ્યા ત્યારે મેં ઈન્દ્રનું પ્રિય માધવ નામનું અસ્ત્ર લીધું કે જેના પ્રભાવથી ઉત્પન્ન થયેલાં ખડગો ને ત્રિશૂળોએ તે દાનવોના અસ્ત્રોની કચ્ચર કરી નાખી.આમ,હું વારંવાર સંહાર કરવા લાગ્યો ત્યારે તે દાનવોએ બાણોની ઝડી ચલાવીને મને ઘેરી લીધો.
ત્યારે અસ્ત્રોનો નાશ કરનારાં,અગ્નિ ભરેલાં,અને શીઘ્ર ગતિ કરનારાં શ્રેષ્ઠ અસ્ત્રોથી મેં તેમના બાણોના વેગનો નાશ કરીને તેમને હજારોની સંખ્યામાં વીંધી નાખ્યા.ત્યારે દાનવો ગભરાઈ ગયા.સેંકડો જખ્મોથી ઘાયલ થયેલા તેઓના હથિયાર નાશ પામ્યા અને તેમનું તેજ ક્ષીણ થયું,ત્યારે તેઓ મારી સાથે માયાથી યુદ્ધ કરવા લાગ્યા.(29)
અધ્યાય-૧૭૦-સમાપ્ત