અધ્યાય-૧૬૮-લોકપાલોનાં અસ્ત્રોની પ્રાપ્તિનું વર્ણન
II अर्जुन उवाच II ततस्तामवसं प्रीतो रजनीं तत्र भारत I प्रसादादेवदेवस्य त्र्यम्बकस्य महात्मान:II १ II
અર્જુન બોલ્યો-પછી,હે ભારત,દેવાધિદેવ મહાત્મા શંકરની કૃપાથી હું તે રાત ત્યાં જ રહ્યો.બીજે દિવસે પ્રાતઃકાળે,
મેં ફરીથી પેલા બ્રાહ્મણને ત્યાં જોયો,એટલે મેં તેને શંકરને મળ્યાનો સર્વ વૃતાંત કહ્યો.પ્રસન્ન થયેલા તે બ્રાહ્મણે મને કહ્યું કે-
તું મહાદેવનાં જેવાં દર્શન પામ્યો છું તેવાં દર્શન બીજા કોઈને એ થયાં નથી.હવે તું યમ આદિ સર્વ લોકપાલોને મળીને ઇંદ્રનાં દર્શન પામીશ તે તને અસ્ત્રો આપશે' આમ કહીને તે બ્રાહ્મણ ત્યાંથી ચાલ્યો ગયો.
તે દિવસના પાછલા પહોરે,હિમાલયની નજીકમાં વિવિધ પ્રકારનાં ફૂલો ખીલી નીકળ્યાં,ચારે બાજુથી દિવ્ય વાજિંત્રો ને ગંધર્વો તથા અપ્સરાઓની ઇન્દ્રની મનોહર સ્તુતિઓ સંભળાવા લાગી.ને તે વખતે મરુતગણો,ઇન્દ્રના અનુચરો,
ને ઇંદ્રલોકવાસીઓ વિમાનમાં બેસીને ત્યાં આવ્યા.પછી ઈન્દ્રાણી સાથે ઇન્દ્ર પણ ત્યાં આવ્યા.ત્યારે કુબેરનાં મને દર્શન થયા.વળી,મેં યમરાજને દક્ષિણ દિશામાં.વરુણને પૂર્વ દિશામાં અને દેવરાજને ઉત્તર દિશામાં બેઠેલા જોયા.
તે સર્વેએ મને સાંત્વન આપ્યું અને કહ્યું-હે અર્જુન,જો અમે લોકપાલો અહીં બેઠા છીએ.દેવોના કાર્યની
સિદ્ધિ માટે તું શંકરનાં દર્શન પામ્યો છે,હવે અમારી પાસેથી તું સર્વ શસ્ત્રો સ્વીકાર કર'
હે વિભુ,ત્યારે મેં સાવધાન થઈને વિધિપૂર્વક તે મહાઅસ્ત્રો ગ્રહણ કર્યા.
ત્યાર પછી તે સર્વ લોકપાલો ત્યાંથી જવા લાગ્યા.ઇન્દ્રે રથમાં ચડતાં મને કહ્યું કે-હે અર્જુન,તારે હવે સ્વર્ગમાં આવવાનું છે.મારી આજ્ઞાથી માતલિ તને અહીંથી લઇ જશે.તું મારો પુત્ર છે,ને તને સર્વ અસ્ત્રો પામવાની ઈચ્છા છે,એટલે મારે ભવને આવીને તું વાયુ,અગ્નિ,વસુઓ,વરુણ,મરુદગણો પાસેથી સર્વ અસ્ત્રો પામશે'
આમ કહી તે ત્યાંથી અંતર્ધાન થયા.
થોડા સમય પછી,ત્યાં મેં ઇન્દ્રનો રથ જોયો,સારથી માતલિએ મને રથમાં બેસવાનું કહ્યું,એટલે હિમાચલની આજ્ઞા લઇ ને રથની પ્રદિક્ષણા કરીને હું રથમાં બેઠો.હરિ અશ્વ જોડેલા તે રથે આકાશમાં પ્રવેશ કર્યો.માતલિએ મને
દેવાલયો,વિમાનો,વનો,દેવર્ષિઓ,ગંધર્વો,અપ્સરાઓ ને ઇન્દ્રભવનનાં દર્શન કરાવ્યાં.પછી,મેં વસુઓ,રુદ્રો,સાધ્યો,
મરુદગણો,આદિત્યો ને અશ્વિનીકુમારોનાં દર્શન કર્યા.ને તેમને વંદન કરીને તેમની પાસેથી આશીર્વાદ લીધા.
ત્યાર બાદ દેવો ને ગંધર્વોથી પૂજાયેલી દિવ્ય નગરીમાં ગયોઃ ને દેવરાજ ઇન્દ્ર આગળ હાથ જોડીને ઉભો રહ્યો.
ઇન્દ્રે મને પ્રસન્ન થઈને મને પોતાનું અર્ધું આસન આપ્યું ને માનપૂર્વક મારાં અંગો પર હાથ ફેરવ્યો.
હવે ત્યાં સ્વર્ગમાં અસ્ત્રવિદ્યા શીખવા લાગ્યો.ત્યારે વિશ્વાવસુનો પુત્ર ચિત્રસેન મારો મિત્ર થયો.તેણે મને ગાંધર્વવિદ્યા શીખવી.અસ્ત્રવિદ્યા સિદ્ધ કરી હું ઇન્દ્રભવનમાં સુખપૂર્વક વસતો હતો.એક વખત,ઇન્દ્રે મને કહ્યું કે-
હે વીર,અસ્ત્રયુધ્ધમાં તારો કોઈ બરોબરિયો થશે નહિ,તે પંદર અસ્ત્રો પ્રાપ્ત કર્યા છે.તે અસ્ત્રોનો પ્રયોગ,ઉપસંહાર,
આવૃત્તિ,પ્રાયશ્ચિત ને પ્રતિઘાત,એ બધું તે પૂર્ણ રીતે જાણ્યું છે,હવે ગુરુદક્ષિણા આપવાનો સમય થયો છે.
નિવાત-કવચ નામના દાનવો મારા શત્રુઓ છે ને તેઓ સમુદ્રનો આશ્રય કરીને એક દુર્ગમ સ્થાનમાં રહે છે.
તેઓ ત્રીસ કરોડ રાક્ષસો છે ને રૂપ,બળ ને કાંતિમાં એક સરખા છે.તું ત્યાં જઈને તે સર્વ દાનવોને હણી નાખ.એટલે તેં મને ગુરુદક્ષિણા આપી ગણાશે' આમ કહીને તેમણે મને,તેમનો મહાકાંતિવાન રથ આપ્યો કે જેનો સારથી માતલિ હતો.તે રથમાં હું બેઠો ત્યારે દેવોએ,જેમ તેઓ ઇન્દ્રની સ્તુતિ કરે છે તેમ મારી સ્તુતિ કરી,
ને મને આશીર્વાદ આપ્યા કે-'આ રથમાં બેસીને જેમ,ઇન્દ્રે યુદ્ધમાં દૈત્યોને હરાવ્યા છે,તેમ તું પણ
નિવાત-કવચને હરાવીશ ને વિજેતા થશે' આમ કહીને તેઓએ મને દેવદત્ત નામનો શંખ આપ્યો ને કહ્યું કે-
'આ શ્રેષ્ઠ શંખ છે,એના નાદથી તું દાનવોને જીતશે' મેં તે શંખ સ્વીકાર્યો ને કવચ,બાણ,ને ધનુષ્ય ધરીને,
હું યુદ્ધની ઈચ્છાથી દાનવોના તે ભયંકર સ્થાન તરફ તે રથમાં બેસીને ગયો (86)
અધ્યાય-૧૬૮-સમાપ્ત