Mar 15, 2024

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-456

 

નિવાત કવચ યુદ્ધ પર્વ 

અધ્યાય-૧૬૫-અર્જુનનો સમાગમ 

II वैशंपायन उवाच II 

ततः कदाचिद्वरिसंप्र्युक्तं महेन्द्रवाहं सहसोपयातम् I विध्युत्भ्रमं प्रेक्ष्य महारथानां हर्षोSर्जुनं चिन्तयतां वभूव  II १ II

વૈશંપાયન બોલ્યા-અર્જુનની ચિંતા કરી રહેલા તે મહારથી પાંડવોએ એક સમયે વીજળીની જેવા ચમકવાળા ઈંદ્રરથને એકાએક આવતો જોયો કે જેથી તેમને અત્યંત આનંદ થયો.માતલિ સારથિએ નિયમમાં રાખેલો તે રથ અંતરિક્ષને એકદમ ચમકાવી રહ્યો હતો,ને તેમાં અર્જુન મુગટ,માળા ને નવાં આભરણો સજીને બેઠેલો હતો.

હવે,ઇન્દ્રના જેવા પ્રભાવવાળો અને લક્ષ્મીથી ઝગમગી રહેલો તે ધનંજય તે પર્વત પર આવીને રથમાંથી ઉતર્યો.

તેણે સૌ પ્રથમ ધૌમ્યના ચરણમાં વંદન કરી પછી,યુધિષ્ઠિર ને ભીમના ચરણમાં વંદન કર્યા.નકુલ-સહદેવે તેને પ્રણામ કર્યા.પછી,કૃષ્ણાને સાંત્વન આપીને તે પોતાના ભાઈ યુધિષ્ઠર આગળ નમ્ર થઈને ઉભો રહ્યો.અર્જુનનો સમાગમ પામીને તે પાંડવો પરમહર્ષ પામ્યા.અર્જુન પણ તેમને જોઈને આનંદિત થયો ને યુધિષ્ઠિરની સ્તુતિ કરવા લાગ્યો.


પછી,તે ઈંદ્રરથ પાસે જઈને પાંડવોએ તેની પ્રદિક્ષણા કરી ને સારથી માતલિને સત્કાર આપ્યો ને સ્વર્ગના દેવતાઓના કુશળ પૂછ્યા.તે માતલિએ પણ સામે અભિનંદન આપ્યા અને જેમ,પિતા પુત્રને બોધ આપે તેમ તેણે  પૃથાનંદનોને બોધ આપ્યો.ને તે દેવરાજ ઇન્દ્રની પાસે પાછો ગયો.


આમ,તે માતલિ પાછો ગયો,પછી,અર્જુને,ઇન્દ્રે આપેલાં કાંતિવાળાં આભૂષણો દ્રૌપદીને આપ્યાં.ને ત્યારબાદ,

બ્રાહ્મણો ને સર્વ ની વચ્ચે બેસીને સર્વ કથા યથાવત કહેતાં કહ્યું કે-'ઇન્દ્ર,વાયુ અને શિવ પાસેથી હું આ રીતે શસ્ત્રો શીખ્યો.મારા શીલ અને સમાધિથી ઇન્દ્ર ને બીજા દેવો મારા પર આમ પ્રસન્ન થયા છે'

આ રીતે અર્જુને પોતાના સ્વર્ગના વાસનું સંક્ષેપમાં વર્ણન કરીને,તે સ્થાનમાં તેણે આરામ કર્યો (14)

અધ્યાય-૧૬૫-સમાપ્ત 


અધ્યાય-૧૬૬-ઈન્દ્રનું આગમન 


II वैशंपायन उवाच II ततो रजन्यां व्युष्टायां धर्मराजं युधिष्ठिरम् I भ्रातृभिः सहितः सर्वैरवंदत धनंजयः  II १ II

વૈશંપાયન બોલ્યા-પછી રાત વીતી જતાં,ધનંજયે બીજા સર્વ ભાઈઓ સાથે ધર્મરાજ યુધિષ્ઠિરને વંદન કર્યા.

એ જ વખતે અંતરિક્ષમાં દેવોનાં સર્વ વાજિંત્રોના નાદનો પ્રચંડ ધ્વનિ થવા માંડ્યો.ને રથનાં પૈડાંઓનો ઘરઘરાટ ને ઘંટનો અવાજ ચારે બાજુએ ગાજી રહ્યો.તે વખતે ગંધર્વો ને અપ્સરાઓના સમૂહો સૂર્ય જેવા તેજસ્વી વિમાનોમાં બેસીને દેવરાજ ઇન્દ્રને અનુસરી રહ્યા હતા.પરમ સૌંદર્યથી શોભતા દેવરાજ પુરંદર,હરિ નામના અશ્વો જોડેલા,

સોનાથી મઢેલા અને મેઘના જેવા નાદવાળા રથમાં બેસીને પૃથાપુત્રો પાસે આવવા લાગ્યા.


ત્યાં આવીને દેવરાજ રથમાંથી ઉતર્યા.પાંડવોએ સામે જઈને શાસ્ત્રોક્ત વિધિથી ઇન્દ્રની પૂજા કરી.

ધનંજયે પણ પુરંદરને પ્રણામ કરીને સેવકની જેમ હાથ જોડીને ઉભો રહ્યો.દેવરાજ પરમ પ્રસન્ન થઈને યુધિષ્ઠિરને કહેવા લાગ્યા કે-'હે રાજન,તું પૃથ્વી પર રાજ્ય કરશે.તું હવે કામ્યક વનમાં પાછો જા.આ અર્જુને મારી પાસેથી પ્રયત્નપૂર્વક સર્વ અસ્ત્રો  મેળવ્યાં છે.તેણે મારુ પ્રિય કર્યું છે,ત્રણે લોકમાંથી હવે તેને કોઈ જીતી શકે તેમ નથી'

આમ,કહીને,મહર્ષિઓથી સ્તુતિ કરાતા તે ઇન્દ્ર આનંદ પામીને પોતાના સ્થાને ગયા.(17)

અધ્યાય-૧૬૬-સમાપ્ત