અધ્યાય-૧૬૪-સ્વર્ગમાંથી અર્જુનનું આગમન
II वैशंपायन उवाच II
तस्मिन्नगेन्द्रे वसतां तु तेषां महात्मनां सदव्रतमास्थिताम् I रतिः प्रमोदश्व वभूव तेपामाकांक्षतां दर्शनमर्जुनस्य II १ II
વૈશંપાયન બોલ્યા-અર્જુનના દર્શનની આકાંક્ષાથી તે ગિરિરાજ ઉપર નિવાસ કરી રહેલા એ સદવ્રતચારી મહાત્મા પાંડવોને પ્રીતિ અને આનંદ થયાં હતાં.ત્યાં તેમને મળવા ગંધર્વો ને મહર્ષિઓ આવતા હતા.તે મહાપર્વતના વૃક્ષો,પક્ષીઓ,તળાવો,ફૂલો આદિને જોઈ તેઓએ આનંદમાં દિવસો વિતાવ્યા.તે ગિરિવરના તેજને કારણે તથા મહાઔષધિઓના પ્રભાવને લીધે,ત્યાં રાત્રિ-દિવસનો ખાસ ભેદભાવ જણાતો નહોતો.વેદનો સ્વાધ્યાય કરતા,ધર્મપ્રધાન રહી,વ્રતો આચરી અને સત્યમાં સ્થિર રહીને તે પાંડવો અર્જુનના આવવાની વાટ જોઈ રહ્યા હતા.
અર્જુનની રાહ જોતા ને તેની સતત ચિંતા કરતા તે પાંડવોને એકએક રાતદિવસ એકએક વરસ જેવા લાંબાં લાગ્યાં.
ધૌમ્યમુનિની અનુમતિ લઈને તે અર્જુન જયારે વનમાં ગયો હતો ત્યારથી જ તે પાંડવોનો હર્ષ ઉડી ગયો હતો.
મત્ત માતંગના જેવી ચાલવાળો એ અર્જુન જયારે કામ્યક વનમાંથી નીકળ્યો હતો ત્યારથી તે પાંડવો શોક્ગ્રસ્ત થયા હતા.તે અર્જુન અસ્ત્રવિદ્યા ભણવા માટે ઇન્દ્રની પાસે ગયો હતો,તે શ્વેત આશ્વવાળા અર્જુનની ચિંતા કરી રહેલા
એ ભરતવંશીઓનો,તે મહાગીરી પર,આતુરતા પૂર્વક એક મહિનો વીતી ગયો હતો.
હવે,ઇન્દ્રભવનમાં પાંચ વર્ષ રહીને અર્જુને દેવરાજ પાસેથી,આગ્નેયાસ્ત્ર,વારુણાસ્ત્ર,સૌમ્યાસ્ત્ર,પાશુપતાસ્ત્ર,બ્રહ્માસ્ત્ર અને પારમેષ્ઠયાસ્ત્ર આદિ સર્વ દિવ્ય અસ્ત્રો મેળવ્યા ને પછી દેવરાજને વંદન કરી તેમની આજ્ઞા મેળવી તેમ જ તેમની પ્રદિક્ષણા કરીને તે પ્રસન્ન મનથી ગંધમાદન પર્વત પર આવ્યો (20)
અધ્યાય-૧૬૪-સમાપ્ત
યક્ષયુદ્ધ પર્વ સમાપ્ત