અધ્યાય-૧૬૨-કુબેરનાં વચનો
II धनद उवाच II युधिष्ठिर धृतिर्दाक्ष्यं देशकालपराक्रमाः I लोकतंत्रविधानानामेप पञ्चविधो विधिः II १ II
કુબેર બોલ્યા-હે યુધિષ્ઠિર,ધૃતિ,દક્ષતા,દેશ,કાળ અને પરાક્રમ-એ પાંચ પ્રકારનો લોકવ્યવહારનો વિધિ છે.
કૃત(સત્ય)યુગમાં મનુષ્યો ધૃતિમાન,પોતપોતાના કાર્યોમાં દક્ષ ને પરાક્રમના વિધાનને જાણનારા હતા.ધૃતિમાન,દેશ અને કાળને જાણનાર અને સર્વ ધર્મવિધાનોનો વેત્તા એવો ક્ષત્રિય પૃથ્વી પર ચિરકાળ સુધી રાજ્ય કરે છે.જે પુરુષ પોતાના કર્મોમાં આ પ્રમાણે વર્તે છે તે આ લોકમાં યશ પામે છે ને પરલોકમાં સદગતિ મેળવે છે.હે પુરુષસિંહ,આ ભીમસેન ધર્મને જાણતો નથી,ગર્વિષ્ઠ,બાળકબુદ્ધિ,અસહનશીલ ને નિર્ભય છે.તમે તેને ઉપદેશ આપો.
હવે,તમે ફરી આર્ષ્ટિષેણના આશ્રમે જઈ શોક ને ભયથી મુક્ત થઈને ત્યાં નિવાસ કરો.ગંધર્વો,યક્ષો,કિન્નરો ને સર્વ પર્વતવાસીઓ મારી આજ્ઞાથી તમારું અને સૌ બ્રાહ્મણોનું રક્ષણ કરશે,ને તમારા માટે સ્વાદિષ્ટ ખાનપાન લઇ આવશે.
તમે સૌ દેવપુત્રો છો તેની મને ખબર છે,એટલે મારે તમારા સૌનું રક્ષણ કરવું જ જોઈએ.
ધર્મવિધાનોનો જાણકાર અર્જુન સ્વર્ગમાં કુશળ છે.કુરુઓની કીર્તિને વધારનાર તે દેવો,પિતૃઓ તથા ગંધર્વોથી સન્માન પામ્યો છે અને હાલ ઇન્દ્રભવનમાં અસ્ત્રવિદ્યા સિદ્ધ કરે છે.તમારા પિતાના પિતામહ શાંતનુ મહારાજ
એ અર્જુનથી સ્વર્ગમાં સારી રીતે પ્રસન્નતા પામે છે.ને તે તમારું પણ કુશળ પૂછે છે.(26)
કુબેરનાં વચનોથી પાંડવો અત્યંત હર્ષ પામ્યા ને પછી,ભીમે પોતાનાં શસ્ત્રો પાછાં બાંધી દીધા અને કુબેરને વંદન કર્યું.
કુબેરે તેને આશીર્વાદ આપ્યા અને કહ્યું કે-'હે શત્રુતાપનો,હવે તમે તમારા સ્થાનમાં વસો ત્યાં યક્ષો તમારી આજ્ઞામાં રહેશે,અસ્ત્રવિદ્યામાં સિદ્ધ થયેલો અર્જુન ઇન્દ્રની આજ્ઞાથી તમને જલદીથી આવી મળશે'
આમ કહીને કુબેર પોતાના મંદિરે ગયા.હજારો રાક્ષસો ને યક્ષો તેમને અનુસરવા લાગ્યા.
પછી,કુબેરની આજ્ઞાથી મરી ગયેલા રાક્ષસોના મડદાંઓને દૂર કરવામાં આવ્યાં.
ને રાક્ષસોથી સન્માન પામીને પાંડવો આર્ષ્ટિષેણના આશ્રમમાં સુખપૂર્વક વસ્યા.(38)
અધ્યાય-૧૬૨-સમાપ્ત