Mar 8, 2024

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-449

 

યક્ષયુદ્ધ પર્વ 

અધ્યાય-૧૫૮-ગંધમાદનનું વર્ણન 


II वैशंपायन उवाच II निहते राक्षसे तस्मिन्पुनर्नारायणाश्रमम् I अभ्येत्य राजा कौन्तेयो निवासमकरोत्प्रभुः II १ II

વૈશંપાયન બોલ્યા-તે જટાસુર રાક્ષસને માર્યા પછી સમર્થ કુંતીનંદન ધર્મરાજે ફરી નરનારાયણના આશ્રમે આવી નિવાસ કર્યો.એકવાર તેમને અર્જુન સાંભરી આવ્યો ને તેથી તેમણે દ્રૌપદી ને સર્વ ભાઈઓને બોલાવીને કહ્યું-

'વનમાં ફરતાં ફરતાં આપણને ચાર વર્ષ થઇ ગયાં.અર્જુને આપણી સાથે સંકેત કર્યો હતો કે-તે પાંચમે વર્ષે ગિરિઓમાં શ્રેષ્ઠ એવા કૈલાસ પર્વત ઉપર આવીને આપણને મળશે.અસ્ત્રસિદ્ધિને પ્રાપ્ત કરીને દેવલોકમાંથી આ લોકમાં પાછો આવશે ત્યારે આપણે તેને ત્યાં જોઈશું.તો આપણે હવે કૈલાસ તરફ પ્રયાણ કરવું જોઈએ'

આમ કહી તેમણે બ્રાહ્મણોને બોલાવીને તેમની આગળ પ્રસ્તાવ મુક્યો,ત્યારે સર્વેએ તેમની વાતને અનુમોદન આપ્યું.એટલે સર્વ જનો ત્યાંથી જવા માટે ઉત્તર દિશા તરફ નીકળ્યા.કૈલાસ પર્વત,મૈનાક પર્વત,ગંધમાદનની તળેટીઓ,શ્વેત હિમગિરિ ને ત્યાં વહેતા ઝરણાઓ ને નદીઓને જોતાં જોતાં તે સત્તરમા દિવસે હિમાલયની પવિત્ર સપાટી પર પહોંચ્યા.ત્યાં પાંડવોએ રાજર્ષિ વૃષપર્વાનો મહાપવિત્ર આશ્રમ જોયો.થાકી ગયેલા પાંડવો તે રાજર્ષિ પાસે જઈને તેમને પ્રેમપૂર્વક વંદન કર્યા.ત્યારે રાજર્ષિએ તેમને પુત્રની જેમ અભિનંદન આપી સત્કાર્યા.


ત્યાં સત્કાર પામીને પાંડવો સાત રાત રહ્યા.આઠમે દિવસે રાજર્ષિની આજ્ઞા લઇ,જવાની ઈચ્છા કરી.અને 

પોતાની સાથે આવેલા બ્રાહ્મણોને ત્યાં થાપણ તરીકે સોંપ્યા.વળી,તે મહાત્માને તેમણે પોતાનો બાકીનો સરસામાન,યજ્ઞપાત્રો,આભૂષણો-આદિ પણ વૃષપર્વાના આશ્રમમાં મૂક્યાં.રાજર્ષિએ તેમને ઉપદેશ આપ્યો ને પછી તેમને ઉત્તર તરફ વળાવવા ગયા.ને તેમને માર્ગ બતાવ્યો ને આશીર્વાદ આપી તે પાછા ફર્યા.


ત્યાર બાદ,યુધિષ્ઠિર,ભાઈઓ,દ્રૌપદી,લોમશ ને ધૌમ્ય,જાતજાતના વૃક્ષોથી છવાયેલાં ગિરિશિખરો પર મુકામ કરતા કરતા ચોથે દિવસે શ્વેત પર્વતમાં પ્રવેશ્યા કે જે આકાશમાંના મહામેઘ જેવો સુંદર ને જળથી ભરેલો,હતો.

મણિ,સુવર્ણ અને રૂપાની શિલાઓના સમૂહો ને વિવિધ પર્વતોને જોતા ને પરમ દુર્ગમ એવી ગુફાઓને 

તેઓ વટાવી ગયા.ને સર્વ સાથે જ ચાલીને મહાગીરી માલ્યવાન આગળ પહોંચ્યા.


તે પશુઓ,પંખીઓ,કમળ સરોવરો,વિવિધ વૃક્ષો ને વેલીઓથી ભરપૂર હતો ને વાનરોના ટોળાઓથી સેવાયેલો હતો.પછી તેમણે કિંપુરુષોના ધામરૂપ,ને સિદ્ધો-ચારણોએ સેવેલો ગંધમાદન જોયો ને તેમણે નંદનવન જેવા તે ગંધમાદનવનમાં પ્રવેશ કર્યો.પક્ષીઓના કર્ણપ્રિય ક્લરાવો સાંભળતા ને ફળો,પુષ્પોથી ઉજ્જવળ એવા દીપી રહેલા વૃક્ષોને જોતા તે આગળ ચાલ્યા.તે વિવિધ વૃક્ષો અમૃત જેવા સ્વાદિષ્ટ ફળોથી ભરપૂર હતા.ને અનેક જાતના પક્ષીઓથી તે સેવાયેલા હતા.તે પાંડવોએ,ગિરિશિખરોમાં કમળોથી ભરપૂર નિર્મળ આરસ જેવા સરોવરો જોયાં,કે જે હંસો-આદિથી સેવાયેલા હતા.વિસ્મયથી ખીલી ઉઠેલા નેત્રવાળા તે પાંડવોનો કમળ,પુંડરીક આદિ પુષ્પોની સુગંધવાળો તથા સુખદાયક સ્પર્શવાળો વાયુ,જાણે કે સેવા કરી રહ્યો હતો.


યુધિષ્ઠિર બોલ્યા-ગંધમાદનનું આ મહાન વન કેવું શોભાયમાન છે.અહીં,વૃક્ષો,ફળો,લતાઓ,પક્ષીઓ,સરોવરો,

પશુઓ આદિ જોવાને માટે મનુષ્યો તો ન આવી શકે તેમ છે,પણ આપણે અહીં આવ્યા તેથી સિદ્ધ થયા છીએ'

આ પ્રમાણે તે પર્વતરાજના દર્શન કરીને તેઓ જાણેકે ધરાયા જ નહિ છેવટે તેઓ રાજર્ષિ આર્ષ્ટિષેણના આશ્રમને 

જોઈને,તીવ્ર તપવાળા,ને સર્વ ધર્મોની પાર ગયેલા આર્ષ્ટિષેણની પાસે તેમના આશ્રમમાં ગયા.(103)

અધ્યાય-૧૫૮-સમાપ્ત