Mar 7, 2024

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-448

જટાસુરવધ પર્વ 

અધ્યાય-૧૫૭-જટાસુરનો વધ 

II वैशंपायन उवाच II ततस्तान्यरिविश्वस्तान्वसतस्तत्र पांडवान् I पर्वतेन्द्रे द्विजैः सार्ध पार्थागमनकांक्षया II १ II

વૈશંપાયન બોલ્યા-હવે,અર્જુનના આગમનની વાટ જોતા તે પાંડવો,તે શ્રેષ્ઠ પર્વત પર બ્રાહ્મણોની સાથે નિર્ભયતાથી વસતા હતા.એવામાં એક વખતે,જયારે ઘટોત્કચ,રાક્ષસો તથા ભીમ બહાર ગયા હતા ત્યારે જટાસુર નામનો એક રાક્ષસ ત્યાં બ્રાહ્મણનો વેશ લઈને આવ્યો ને 'હું મંત્રકુશળ બ્રાહ્મણ છું ને સર્વ શાસ્ત્રોનો જાણકાર છું' એમ કહીને તેણે ધર્મરાજ,નકુલ,સહદેવ ને દ્રૌપદીનાં ચિત્ત હરી લીધાં,ને ત્યાં તે તેમની સેવા કરવા લાગ્યો.

હકીકતમાં તો તે પાંડવોના ધનુષ્યબાણો ઉપાડી જવાનું ને દ્રૌપદીનું હરણ કરવાની ઈચ્છા ધરાવતો હતો.

ભોળા ધર્મરાજ તેનું પોષણ કરતા હતા,પરંતુ રાખમાં ઢંકાયેલા અગ્નિની જેમ તેને ઓળખી શક્યા નહોતા.(6)

એક વખતે તેણે પોતાનું બીજું મહાભયંકર રૂપ ધારણ કર્યું અને તે દુરાત્મા સર્વ શસ્ત્રો,ત્રણ પાંડવો ને દ્રૌપદીને પકડી લઈને ત્યાંથી નાસવા લાગ્યો ત્યારે સહદેવ તેની પકડમાંથી છટકી ગયો,ને તેણે શત્રુના હાથમાં ગયેલી પોતાની કૌશિક નામની તલવાર ખૂંચવી લીધી ને ભીમસેનના માર્ગે તેને બોલાવવા બૂમો મારવા લાગ્યો.

યુધિષ્ઠિરે તે રાક્ષસને કહ્યું કે-હે મૂર્ખ,તારો ધર્મ હરાય છે તે તું જોતો નથી? તું અમારા આશ્રયે સુખપૂર્વક રહ્યો,ને અમારું જ અન્ન ખાઈને કેમ અમને હરી જવા ઈચ્છે છે? તારો આચાર ને મતિ વ્યર્થ છે,તું આજે ફોગટનો મરણને પાત્ર બની રહ્યો છે.તારી બુદ્ધિ જો દુષ્ટ થઇ હોય ને તું સર્વ ધર્મથી રહિત થયો હોય તો અમને અમારાં શસ્ત્રો આપીને અમારી સામે યુદ્ધ કર ને પછી તું જીતે તો જ અમારું હરણ કરવાને યોગ્ય ગણાય.(26)


પછી,યુદ્ધિષ્ઠિરે યોગબળથી પોતાનું શરીર અત્યંત ભારે કરી દીધું,એટલે ભારથી દબાયેલો રાક્ષસ પહેલાંની 

જેમ વેગથી ચાલી શક્યો નહિ.યુધિષ્ઠિરે દ્રૌપદી ને નકુલને કહ્યું કે-'તમે આ મૂર્ખ રાક્ષસથી બીશો નહિ 

મેં એની ગતિ હરી લીધી છે,ભીમ,હમણાં જ આવી પહોંચશે,ને આ રાક્ષસ પ્રાણથી પરવારી જશે'

તેવામાં જ સહદેવ ત્યાં આવી પહોંચ્યો ને તેણે રાક્ષસને પડકાર્યો.થોડા જ સમયમાં સહદેવની બૂમો સાંભળીને ભીમ પણ ત્યાં આવી પહોંચ્યો ને દ્રૌપદીને ભાઈઓને હરાયેલા જોઈ તેને ક્રોધ ચડ્યો ને તે રાક્ષસને કહેવાલાગ્યો કે-


'હે પાપી,પૂર્વે તું અમારાં શસ્ત્રો તપાસતો હતો ત્યારે જ હું તને ઓળખી ગયો હતો,પણ બ્રાહ્મણના વેશમાં હોવાને લીધે મેં તને માર્યો નહોતો.પણ,આજે તારો કાળ પાકી ગયો છે,તું હવે બક ને હિડિમ્બના માર્ગે જ જશે'

ભીમે આમ કહ્યું એટલે તે રાક્ષસ યુધિષ્ઠિર વગેરેને છોડી દઈને યુદ્ધ માટે સજ્જ થયો ને ભીમને કહેવા લાગ્યો કે-

'હું તારી જ વાટ જોઈ રહ્યો હતો.જે જે રાક્ષસોને માર્યા છે તેમને હું તારા લોહીથી તર્પણ કરીશ' (49)


પછી,તે બંને વચ્ચે અત્યંત ભયંકર બાહુયુદ્ધ ચાલુ થયું.માદ્રીપુત્રો સહાયે આવ્યા ત્યારે ભીમે તેમને રોકીને કહ્યું કે-

'હું એકલો જ તેના માટે પૂરતો છું,હું તેને હમણાં જ મારી નાખીશ' આમ પરસ્પરનો વધ કરવાની ઈચ્છાથી તેમણે વૃક્ષો ઉખાડીને એક બીજાને મારવા લાગ્યા,ને  તે પ્રદેશના વૃક્ષોનો ઘાણ કાઢી નાખ્યો.પછી તે શિલાઓ ઉપાડીને એકબીજાને મારવા લાગ્યા.ને છેવટે એકબીજાને તાણીને મુક્કાઓથી લડવા લાગ્યા.


છેવટે ભીમે,પોતાની અતિશક્તિશાળી મુઠ્ઠી રાક્ષસના મસ્તક પર મારી,ને તેથી તે થાકેલો રાક્ષસ નીચે પછડાઈ ગયો.ભીમે તેનાં સર્વ અંગો પગથી કચરી નાખ્યા ને તે જટાસુરના મસ્તકને ધડથી છૂટું કરીને મારી નાખ્યો.

ત્યારે બ્રાહ્મણો તેની સ્તુતિ કરવા લાગ્યા (42)

અધ્યાય-૧૫૭-સમાપ્ત 

જટાસુરવધ પર્વ સમાપ્ત