અધ્યાય-૧૫૬-પાંડવો નરનારાયણના આશ્રમે
II वैशंपायन उवाच II तस्मिन्निवसमानोSय धर्मराजो युधिष्ठिरः I कृष्णया सहितान्भ्रात्रुनित्युवाच सह्द्विजान् II १ II
વૈશંપાયન બોલ્યા-તે સ્થાને નિવાસ કરી રહેલા ધર્મરાજે,દ્રૌપદી તથા બ્રાહ્મણોની સાથે પોતાના ભાઈઓને કહ્યું કે-
આપણે જુદાંજુદાં પવિત્ર ને કલ્યાણકારી તીર્થોને જોયાં,ત્યાં અને વનોમાં ઋષિઓને મળી તેમનું પૂજન કર્યું,
તેમણે કહેલાં ચરિત્રો ને કથાઓ આપણે સાંભળી,પવિત્ર તીર્થોમાં આપણે દેવોને અને પિતૃઓને તૃપ્ત કર્યા છે.
મહાત્માઓ સાથે આપણે રમ્ય પર્વતો પર સર્વ સરોવરોમાં અને સાગરમાં સ્નાન કર્યા ને અનેક પવિત્ર નદીઓમાં પણ સ્નાન કર્યા છે.ગંગાદ્વારને ઓળંગીને આપણે હિમાલય પર્વત,વિશાલ બદ્રી ને નરનારાયણનો આશ્રમ જોયો.
વળી,આપણે હવે સિદ્ધો ને દેવર્ષિઓથી પૂજાયેલું આ કમળ સરોવર જોયું,ને આ પવિત્ર કુબેરધામ છે.
મહાત્મા લોમશે આપણને સર્વ પુણ્યધામો ક્રમવાર બતાવ્યા.
હવે હે ભીમ,અહીંથી આગળ આપણે કેમ કરીને જઈ શકીએ?તેનો તું વિચાર કર.
યુધિષ્ઠિર આ પ્રમાણે કહી રહ્યા હતા ત્યારે આકાશવાણી થઇ કે-અહીં,કુબેરના ધામથી આગળનો માર્ગ જઈ શકાય તેવો નથી,માટે તમે જે માર્ગેથી આવ્યા તે માર્ગે જ પાછા વળો ને નરનારાયણના આશ્રમે પાછા જાઓ.
ત્યાંથી તમે સિદ્ધિ અને ચારણોએ સેવેલા વૃષપર્વાના રમ્ય આશ્રમે જજો.પછી આગળ ચાલી આર્ષ્ટિયેણના આશ્રમમાં જઈ વાસ કરજો,તમે ત્યાં કુબેરનું મંદિર જોશો'
એ જ વખતે દિવ્ય સુગંધવાળો વાયુ વાવ લાગ્યો ને પુષ્પની વૃષ્ટિ કરવા લાગ્યો.આ જોઈને સર્વ આશ્ચર્ય પામ્યા.
ત્યારે ધૌમ્ય મુનિ બોલ્યા-હે ભારત આનો ઉત્તર આપી શકાય તેમ નથી,તો એમના કહ્યા પ્રમાણે જ થાઓ'
આથી યુધિષ્ઠિર તે વચનોનો સ્વીકાર કરીને ત્યાંથી તેઓ નરનારાયણના આશ્રમે આવ્યા.
ને ત્યાં સુખપૂર્વક રહેવા લાગ્યા.(21)
અધ્યાય-૧૫૬-સમાપ્ત
તીર્થયાત્રા પર્વ સમાપ્ત