અધ્યાય-૧૫૩-કુબેરનું સરોવર
II वैशंपायन उवाच II स गत्वा रम्यां राक्षसैरभिरक्षिताम् I कैलासशिखराम्याशे ददर्श शुभकाननम् II १ II
વૈશંપાયન બોલ્યા-ત્યાંથી આગળ કૈલાસ શિખર પાસે જઈને,તે ભીમે,શુભ વનવાળું અને રાક્ષસોથી રક્ષાયેલું રમણીય કમળ સરોવર જોયું.કુબેરના ધામની પાસે પર્વતમાંથી આવતાં ઝરણાંથી બનેલું,તે અત્યંત રળિયામણું સરોવર ચોતરફ વૃક્ષોથી ઘેરાયેલું હતું.તે તે સુવર્ણનાં કમળોથી ભરપૂર અને દિવ્ય હતું.તેમાં જાતજાતનાં પક્ષીઓનાં ગુંજન થતાં સંભળાતા હતા.ત્યાં સુંદર ઓવારાઓ હતા,ત્યાં કાદવ નહોતો ને તેનું પાણી સ્વચ્છ ને નિર્મલ હતું.
ભીમે તે અમૃત જેવું મીઠું ને શીતલ જળનું પુષ્કળ પાન કર્યું.
રમણીય તે સરોવર દિવ્ય સૌગન્ધિકોથી વીંટળાયેલું હતું,તે પરમ સુગંધવાળા સુવર્ણમય કમળોથી છવાયેલું હતું ને તે કમળોના કમળદંડો વૈડૂર્યમણિના જેવા આશ્ચર્યકારક ને મનોરમ હતા.કુબેરનું તે ક્રીડાસ્થાન હતું.
ગંધર્વો,દેવો ને અપ્સરાઓ તે સ્થાનને પરમ સત્કાર આપતા હતા,દિવ્ય ઋષિઓ તેને સેવતા હતા.
રાક્ષસો,કિન્નરો અને વિશ્રવાના પુત્ર કુબેર જાતે તેની રક્ષા કરતા હતા.
કુબેરની આજ્ઞાથી તે સરોવરનું રક્ષણ કરતા રાક્ષસોએ કમળને લેવા નિઃશંક રીતે આવતા તે ભીમને જોયો એટલે
તેઓ એકબીજાને બૂમો મારીને બોલવા લાગ્યા કે-'આ અહીં શું કરવા આવ્યો છે તે આપણે તેને પૂછવું જોઈએ'
પછી તે સર્વ ભીમ પાસે જઈને પૂછવા લાગ્યા કે-'તું કોણ છે?તેં આ મુનિનો વેશ ધારણ કર્યો છે પણ તું હથિયારથી સજ્જ છે,તો કયા પ્રયોજનથી તું અહીં આવ્યો છે તે અમને કહે' (16)
અધ્યાય-૧૫૩-સમાપ્ત
અધ્યાય-૧૫૪-ભીમે રાક્ષસોનો પરાજય કરી કમળો લીધાં
II भीम उवाच II पांडवो भिमसेनोऽहं धर्मराजादनंतर:I विशालां बदरी प्राप्तो भ्रातृभिः सः राक्षसाः II १ II
ભીમ બોલ્યો-હે રાક્ષસો,હું પાંડુપુત્ર ભીમસેન છું,ધર્મરાજથી નાનો છું અને હમણાં હું ભાઈઓ સાથે બદરિકાશ્રમમાં આવ્યો છું.ત્યાં પાંચાલીએ એક અનુત્તમ સૌગન્ધિક કમળ જોયું હતું અને તે અહીંથી એવાં અનેક કમળોને ઈચ્છે છે.પત્નીનું પ્રિય કરવાની ઈચ્છાથી હું આ કમળફૂલો લેવા અહીં આવ્યો છું,એમ તમે જાણો.
રાક્ષસ બોલ્યા-આ કુબેરનું પ્રિય ક્રીડાસ્થાન છે.મરણધર્મવાળો કોઈ પણ મનુષ્ય અહીં વિહાર કરી શકતો નથી.
દેવો,ઋષિઓ આદિ કુબેરની રાજા લઈને જ અહીં જળપાન ને ક્રીડા કરી શકે છે.જે કોઈ કુબેરનું અપમાન કરી અન્યાયથી અહીં વિહાર કરવા ઈચ્છે છે તે વિનાશ પામે છે એમાં સંશય નથી.તું કુબેરનો અનાદર (અધર્મ) કરીને કમળો લેવાની ઈચ્છા કરે છે,તો તું તારી જાતને કેમ ધર્મરાજાનો ભાઈ તરીકે જણાવે છે? કુબેરની આજ્ઞા લઈને તું અહીં જળપાન કર અને કમળો લઇ જા.તેમની રજા વગર તું એ કમળ સામે જોઈ પણ શકશે નહિ.(8)
ભોમ બોલ્યો-હે રાક્ષસો,હું એ કુબેરને અહીં નજીકમાં ક્યાંય જોતો નથી અને કદાચ જોઉં તો પણ તેની આગળ યાચના તો હું નહિ જ કરું કેમ કે ક્ષત્રિયો યાચના કરતા નથી-એ સનાતન ધર્મ છે ને હું એ ક્ષાત્રધર્મને છોડવા માગતો નથી.આ રમણીય સરોવર પર્વતનાં ઝરણાંથી બનેલ છે ને એ કંઈ કુબેરના ભવનને વળગેલું નથી.આથી તેના પર સર્વનો એકસરખો અધિકાર છે.એટલે મને યાચના કરવી ઉચિત લાગતી નથી
વૈશંપાયન બોલ્યા-રાક્ષસોને આમ કહી,તે ભીમેં,તે સરોવરમાં સરોવરમાં પ્રવેશ કરવા તૈયાર થયો,ત્યારે રાક્ષસોએ ભેગા મળી તેના પર હુમલો કર્યો ને ભીમને મારી નાખવાની ઈચ્છાથી તેને ચારે બાજુથી ઘેરી વળ્યા.
પણ,મહાપરાક્રમી ભીમે તેમના પર શસ્ત્રોનો માર કર્યો.ભીમના ભયંકર મારથી પીડાયેલા રાક્ષસો ભાન ભૂલીને આકાશમાં ઉડ્યા.ને ત્યાંથી ભાગી ગયા.આમ,રાક્ષસોને પરાજય આપીને ભીમે તે કમળસરોવરમાં પ્રવેશ કરીને
ઇચ્છાનુસાર સૌગન્ધિક કમળના ફૂલો લીધા ને અમૃત જેવા જળનું તેણે પાન કર્યું.(24)
ભીમના બળથી ત્રાસેલા તે રાક્ષસોએ કુબેર પાસે જઈને ફરિયાદ કરી ત્યારે કુબેરે કહ્યું કે-કૃષ્ણાના નિમિત્તે તે ભીમ ભલે જોઈએ તેટલાં કમળ લઇ જાય.મને આ વાતની ખબર છે' તે સાંભળી રાક્ષસોનો ક્રોધ ઉતરી ગયો (27)
અધ્યાય-૧૫૪-સમાપ્ત