અધ્યાય-૧૪૭-ભીમ અને હનુમાનનો સંવાદ
II वैशंपायन उवाच II एतच्छ्रुत्वा वचस्तस्य वानरेन्द्रस्य धीमतः I भीमसेनस्तदा वीरः प्रोवाचामित्रकर्षणः II १ II
વૈશંપાયન બોલ્યા-બુદ્ધિમાન વાનરરાજનાં વચન સાંભળીને શત્રુનો નાશ કરનાર ભીમે ઉત્તર આપ્યો કે-
'તું કોણ છે?અને શા માટે તેં આ વાનરનું રૂપ ધારણ કર્યું છે?હું ક્ષત્રિય વર્ણનો છું,કુરુકુળનો પાંડુપુત્ર છું,
વાયુથી ઉત્પન્ન થયેલો હું ભીમસેન છું' ત્યારે હનુમાને સ્મિત કરીને તેને કહ્યું કે-'હું વાનર છું.
હું તને તારો ઈચ્છીત માર્ગ નહિ આપું,તું અહીંથી ક્ષેમકુશળ પાછો ફરી,નકામો વિરોધ કરીશ નહિ'(5)
ભીમ બોલ્યો-'હે વાનર,હું કંઈ તને પૂછતો નથી,મને રસ્તો આપ,મારા તરફથી નકામી પીડા ભોગવીશ નહિ'
હનુમાન બોલ્યા-હું વ્યાધિથી પીડાઈ રહ્યો છું,મારાથી ઉઠવાની શક્તિ નથી,જવું હોય તો મને ઓળંગીને જા'
ભીમ બોલ્યો-નિર્ગુણ પરમાત્મા સર્વ દેહમાં વ્યાપી રહ્યા છે,તેમનું હું અપમાન કરતો નથી.
જો હું તે પરમાત્માને શાસ્ત્રો દ્વારા જાણતો હોઉં તો,જેમ,હનુમાન સાગરને ઓળંગી ગયા હતા
તેમ હું તને અને આ પર્વતને પણ ઓળંગી જાઉં' (9)
હનુમાન બોલ્યા-સાગરને ઓળંગી ગયેલો તે હનુમાન વળી કોણ છે? જો શક્ય હોય તો તું તે મને કહે'
ભીમ બોલ્યો-ગુણોથી પ્રશંસનીય અને બુદ્ધિ,બળ તથા ધૈર્યથી ભરેલા તે મારા ભાઈ વાનરેશ્વર હનુમાન રામાયણમાં અતિ પ્રસિદ્ધ છે.રામની પત્ની માટે એ સો જોજન ફેલાયેલા સાગરને એક છલાંગમાં ઓળંગી ગયા હતા.તેમના જેવોજ પરાક્રમી હું તેમનો ભાઈ છું ને હું તને જીતી શકું તેમ છું.તેથી મને માર્ગ આપ.જો મારી આજ્ઞા પ્રમાણે નહિ કરે તો હું તને યમલોકમાં પહોંચાડી દઈશ (14)
હનુમાન બોલ્યા-'હે નિષ્પાપ,મારા પર કૃપા કર.મારામાં ઉભા થવાની શક્તિ નથી.
તેથી મારા પર દયા લાવીને તું મારુ આ પૂંછડું ખસેડીને ભલે જા'
વૈશંપાયન બોલ્યા-ત્યારે મદમાં આવીને,ભીમે ડાબા હાથે તે વાનરનું પૂંછડું પકડ્યું,પણ તે તેને ઊંચકી શક્યો નહિ.પછી તેણે બે હાથથી તેને ઊંચકવા માંડ્યું,છતાં તેનાથી તે ઊંચકાયું નહિ.ભીમનું મોં વીલું થયું,પરસેવો છૂટી ગયો,ને અનેક પ્રયત્નો કરવા છતાં તે પુંછડાને ઊંચું કરી શક્યો નહિ,એટલે લજ્જાથી નમેલા મોંએ તેણે તે કપીશ્વરને પ્રણામ કર્યા ને કહ્યું-'હે વાનરશ્રેષ્ઠ તમે પ્રસન્ન થાઓ.હું જે ખરાબ શબ્દો બોલ્યો છું તે બદલ મને ક્ષમા આપો.તમે કોણ છો? હું તમને શિષ્યની જેમ પૂછું છું,હું તમારે શરણે આવ્યો છું (25)
હનુમાન બોલ્યા-તને મારા વિશે જાણવાનું કુતુહલ થયું છે તો સાંભળ.જગતના આયુષ્યરૂપ વાયુથી હું કેસરી વાનરની પત્નીથી જન્મ્યો છું.હું જ હનુમાન છું.સૂર્યના પુત્ર સુગ્રીવ સાથે મારે મૈત્રી થઇ હતી.કોઈ કારણે એના ભાઈ વાલીએ તેને કાઢી મુક્યો હતો,તે વખતે એ લાંબા સમય સુધી મારી સાથે ઋષ્યમુક પર્વત પર રહ્યો હતો.
તે વખતે વિષ્ણુના અવતાર રામ,માનવરૂપે પૃથ્વી પર વિચરતા હતા.પિતાનું પ્રિય કરવાની ઈચ્છાથી તે પોતાની પત્ની ને ભાઈ સાથે વનમાં રહ્યા હતા,ત્યારે દુષ્ટ રાવણ તેમની પત્નીને છળપૂર્વક બલાત્કારે હરી ગયો હતો.
મારીચ નામના રાક્ષસ પાસે સુવર્ણમૃગનું રૂપ લેવડાવી,તેણે રામચંદ્રને છેતર્યા હતા.(33)
અધ્યાય-૧૪૭-સમાપ્ત