અધ્યાય-૧૪૫-બદ્રિકાશ્રમની યાત્રા
II युधिष्ठिर उवाच II धर्मज्ञो बलवान शूरः सत्यो राक्षसपुंगवः I भक्तोSस्मानौरस: पुत्रो भीम गृहणातु मा चिरम् II १ II
યુધિષ્ઠિર બોલ્યા-'હે ભીમ,આ રાક્ષસવર ઘટોત્કચ,ધર્મજ્ઞ,બળવાન,શૂરવીર,સત્યવાદી,આપણો ભક્ત ને તારો ઔરસ પુત્ર છે તો તે ભલે આપણને ઊંચકીને લઇ જાઓ.હે ભીમ,તારા બાહુબળથી જ હું ગંધમાદન પર્વત
પર જઈ શકીશ' યુધિષ્ઠિરનું આવું વચન સાંભળીને ભીમસેને ઘટોત્કચને આદેશ આપતાં કહ્યું કે-
તારી આ માતા થાકી ગઈ છે,તું બળવાન ને ઈચ્છાગતિ વાળો છે,તો એને ખભે બેસાડીને,
તું એને પીડા ન થાય તે રીતે અમારી વચ્ચે રહી હળવી ગતિથી આકાશમાર્ગે ચાલ.(5)
ઘટોત્કચ બોલ્યો-ધર્મરાજ,ધૌમ્ય,દ્રૌપદી અને નકુલ-સહદેવને હું એકલો જ ઉપાડી શકું તેમ છું.વળી મારી પાસે આકાશમાં ઊડનારા ને ઈચ્છીત રૂપ લેનારા સેંકડો રાક્ષસો છે તે બ્રાહ્મણો સહિત સહુને ઉપાડીને ચાલશે'
આમ કહી તે ઘટોત્કચે દ્રૌપદીને ઉપાડી લીધી ને પાંડવોની વચ્ચે રહીને ચાલવા માંડ્યું.ત્યારે બીજા રાક્ષસોએ પાંડવો ને અને બીજા સર્વને ઉપાડી લીધા હતા.માત્ર લોમશ મુનિ પોતાના પ્રભાવથી તે સિદ્ધમાર્ગે ચાલવા માંડ્યા.
સુરમ્ય વનો ને ઉપવનોને જોતાં જોતાં તેઓ તે વિશાલ બદ્રિકાશ્રમે પહોંચ્યા.(11)
માર્ગમાં તેમણે,રત્નોની ખાણો ને જાતજાતની ધાતુઓથી ભરપૂર પર્વતોની તળેટીઓ જોઈ.વળી,અનેક જાતના પક્ષીઓ,પશુઓ ને વૃક્ષોથી ભરાયેલા કુરૂદેશને ઓળંગીને અનેક આશ્ચર્યોથી ભરેલા પર્વત શ્રેષ્ઠ કૈલાશને જોયો.
તેની નજીકમાં દિવ્ય વૃક્ષોથી શોભતો નરનારાયણ આશ્રમ જોયો ને ત્યાં તેમણે ગોળ ડાળવાળી સુંદર બદરી (બોરડી) જોઈ.તે ઘાટી છાયાવાળી ને પરમ શોભાયમાન હતી તે ખુબ ફેલાયેલી ને તેને અતિશય મોટાં ને સ્વાદિષ્ટ ફળો લાગ્યાં હતાં.મધનાં ઝરણથી તે દેવતાઈ જણાતી હતી.મહર્ષિઓના સમૂહોનો ત્યાં વાસ હતો.(24)
ત્યાં સર્વ લોકો રાક્ષસોના ખભા પરથી ઉતર્યા.ને તેમણે દ્વિજવરો સાથે નરનારાયણે સેવેલો રમણીય આશ્રમ જોયો.
તે અંધકારથી રહિત,ને સૂર્યનાં કિરણોથી પ્રકાશમાન હતો.તે ભૂખ,તરસ,ટાઢ,તડકો એ દોષોથી રહિત ને શોકનો નાશ કરનારો હતો.તેમાં ધર્મથી બહિષ્કાર પામેલા મનુષ્યો પ્રવેશ કરી શકે તેમ નહોતું.વળી,તે સ્થાન બલિ ને હોમથી સુશોભિત,ને મોટી અગ્નિશાળાઓ ને શુભ પાત્રોથી વ્યાપ્ત હતું.તે પ્રાણીમાત્રને શરણ દેનાર હતું.
વેદના ઉચ્ચારોથી ગાજતું ને દિવ્ય દર્શનવાળું તે સ્થાન આશ્રય લેવા યોગ્ય હતું.વિશુદ્ધ મનવાળા મહર્ષિઓથી,મોક્ષપરાયણ ને વશ મનવાળા યતિઓથી ને બ્રહ્મવાદીઓથી તે શૉભતું હતું. (34)
હવે,યુધિષ્ઠિર પવિત્ર થઇ સાવધાનતાપૂર્વક ભાઈઓની સાથે એ ઋષિઓ પાસે ગયા,ઋષિઓએ પ્રસન્ન થઈને આશીર્વાદ આપી વિધિપૂર્વક તેમનો સત્કાર કર્યો.ને તેમની આગળ જળ,ફળ,મૂળ ને પુષ્પ લાવીને મૂક્યાં.
યુધિષ્ઠિરે નમ્રતાપૂર્વક તે સર્વનો સ્વીકાર કર્યો,ને પ્રસન્નતા પૂર્વક તે આશ્રમમાં સર્વની સાથે પ્રવેશ કર્યો.
પછી તેમણે,ગંગાના તટે શોભતું નરનારાયણનું સ્થાન જોયું,ને ત્યાં જઈ બ્રાહ્મણો સાથે નિવાસ કર્યો.
તે મહાત્માઓ ત્યાં આનંદમાં રહીને વિહાર કરવા લાગ્યા.ત્યાં તેમણે જાતજાતના પક્ષીઓના ટોળાથી ભરેલા અને સુવર્ણના શિખરવાળા મૈનાક પર્વતને ને બિંદુસરોવરનાં દર્શન કર્યા.ત્યાં તેઓ અસંખ્ય કમળોથી શોભતાં સરોવરો
જોતા આનંદ કરવા લાગ્યા.ત્યાં પવિત્ર સુગંધભર્યો ને સુખદાયી સ્પર્શવાળો વાયુ વાતો હતો.તે વિશાળ બદરીની પાસે તેમણે સીતા નામની ગંગા જોઈ.જેમાં તેમને દેવો ને પિતૃઓનું તર્પણ કર્યું.આમ જપ કરતા ને તર્પણ કરતા તે પાંડવો દ્રૌપદીની વિચિત્ર ક્રીડાઓને જોતાં ત્યાં રહેવા લાગ્યા હતા.(54)
અધ્યાય-૧૪૫-સમાપ્ત