Feb 25, 2024

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-437

 

અધ્યાય-૧૪૪-દ્રૌપદીને મૂર્છા ને ઘટોત્કચનું આવવું 


II वैशंपायन उवाच II कोशमात्रं प्रपातेषु पांडवेषु महात्मसु I एद्म्यामनुचिता गंतुं द्रौपदी समुपाविशत् II १ II

વૈશંપાયન બોલ્યા-હવે તે મહાત્મા પાંડવો હજુ એક કોશ જેટલે દૂર ગયા ત્યારે પગે ચાલવાને અયોગ્ય એવી દ્રૌપદી રસ્તા પર જ બેસી ગઈ.પવન ને વૃષ્ટિને લીધે થાકીને,દુઃખથી ઘેરાઈને,તે એકદમ મૂર્છાવશ થઇ ગઈ.

ભાંગેલી વેલીની જેમ જમીન પર પડવા લાગેલી તે દ્રૌપદીને નકુલે એકદમ દોડી જઈને ઝાલી લીધી.(5)

નકુલ બોલ્યો-'હે ધર્મરાજ,જુઓ,આ કોમળ ને દુઃખને ન ભોગવવા લાયક પાંચાલપુત્રી થાકીને 

જમીન પર ગબડી પડી છે,ને અતિ દુઃખ પામી છે.હે મહારાજ તમે તેને આશ્વાસન આપો'

નકુલનાં વચન સાંભળીને ધર્મરાજને અત્યંત દુઃખ થયું,ભીમ ને સહદેવ પણ ત્યાં દોડી આવ્યા.

ધર્મરાજાએ તે દુઃખથી સુકાયેલી દ્રૌપદીને પોતાના ખોળામાં લઇ વિલાપ કરવા લાગ્યા 


યુધિષ્ઠિર બોલ્યા-સુખને યોગ્ય અને સુંદર બિછાનામાં પોઢવાને લાયક આ આજે જમીન પર પડીને સૂતી છે.

જૂગટાની ઈચ્છા કરીને મેં મુરખે આ શું કરી નાખ્યું છે? અને પિતા દ્રુપદરાજે લગ્નમાં આપી ત્યારે મેં તેમને 

કહ્યું હતું કે -'પાંડવોને પતિ તરીકે પામીને તે સુખ પામશે' પણ મારા પાપી કર્મોને કારણે તે સુખ પામવાને 

બદલે રઝળપાટથી સુકાઈને શ્રમને લીધે ભૂમિ પર ઢળી પડી છે (14)


આમ,ધર્મરાજ વિલાપ કરી રહ્યા હતા,ત્યારે ધૌમ્ય આદિ સર્વ બ્રાહ્મણો ત્યાં આવી પહોંચ્યા,ને તેમને આશ્વાસન   આપી શાંતિના મંત્રોનો જાપ કરવા લાગ્યા.પાંડવો વારંવાર પાંચાલીને પંપાળતા હતા,ત્યારે તેને થોડી શાંતિ મળી ને તે ભાનમાં આવી એટલે પાંડવોએ તેને ઊંચકીને મૃગચર્મના બિછાના પર વિશ્રામ કરાવ્યો.

યુધિષ્ઠિરે ભીમસેનને કહ્યું કે-આગળ અનેક વિષમ અને બરફને લીધે જવા મુશ્કેલ એવા પર્વતોમાં કેમ જવાશે?


ભીમસેન બોલ્યા-હું પોતે તમને,કૃષ્ણાને અને નકુલ,સહદેવ સર્વને ઊંચકીને લઇ જઈશ.તમે ખેદ કરશો નહિ.

વળી,આકાશમાં વિચરનારો હિડિમ્બાનો મારો પુત્ર મારા જેવો જ બળવાન છે.તે તો આપણને સર્વને ઉપાડીને અહીંથી લઇ જઈ શકશે.તમે કહો તો તેને હું બોલાવું' ત્યારે ધર્મરાજે રજા આપીએટલે ભીમે પોતાના પુત્રનું સ્મરણ કર્યું એટલે તરત જ તે ઘટોત્કચ ત્યાં આવીને હાથ જોડીને ઉભો ને બોલ્યો કે-

'તમે મારુ સ્મરણ કર્યું એટલે હું તત્કાલ તમારી સેવામાં આવી પહોંચ્યો છું,મને આજ્ઞા આપો તે હું કરીશ'

તે સાંભળી ભીમસેને પોતાના પુત્રને હર્ષમાં આવીને છાતીએ લગાવ્યો.(28)

અધ્યાય-૧૪૪-સમાપ્ત