અધ્યાય-૧૪૩-ભયંકર વૃષ્ટિ અને તોફાન
II वैशंपायन उवाच II ते शुरास्ततधन्वानस्तुणर्वत: समार्गणा : I यद्वगोधांगुलित्राणाः खडगवंतो मितौजस : II १ II
વૈશંપાયન બોલ્યા-હે જન્મેજય,સર્વ ધનુર્ધારીઓમાં શ્રેષ્ઠ એવા તે અમાપ તેજવાળા શૂરવીર પાંડવો ઉત્તમ બ્રાહ્મણો ને દ્રૌપદી સાથે ગંધમાદન તરફ ચાલ્યા.તેમણે ધનુષ્ય ને તલવાર સજ્યાં હતા.તેમણે પર્વત પર અનેક સરોવરો,સરિતાઓ,વનો અને દેવર્ષિઓએ સેવેલા દેશોને જોયા.પછી,તે મહાત્માઓએ ઋષિઓ,સિદ્ધો ને દેવોથી ભરેલા,ગંધર્વો ને અપ્સરાઓને વહાલા,અને કિન્નરોના સંચારવાળા ગંધમાદન પર્વતમાં પ્રવેશ કર્યો.
હે રાજન,ત્યારે એકાએક પ્રચંડ પવનની સાથે મહાવૃષ્ટિ થવા લાગી.અનેક પાંદડાઓ સાથે ત્યાં ધૂળના મોટા ગોટાઓ ચઢ્યા ને પૃથ્વી ને આકાશ તેનાથી છવાઈ ગયું,ત્યારે કશું જ દેખાતું નહોતું,કે કોઈ એકબીજાને જોઈ શકતું નહોતું.તેઓ કાંકરીવાળા પવનથી આમતેમ ખેંચાઈ રહ્યા.ભયને લીધે પાંડવો માર્ગમાં આવતા વૃક્ષોને,રાફડાઓને અને ઊંચાનીચા ટેકરાઓને હાથથી ખોળીને તેમાં લપાઈ ગયા.
જયારે પવન ધીમો થયો ત્યારે કરા ને બરફની મોટી જલધારાઓની વૃષ્ટિ થવા માંડી ને જેથી દિશાઓ ભરાઈ ગઈ.
નદીઓમાં ચારે બાજુથી પાણી ઊંચાં ચડ્યાં ને તે નદીઓ ઘુઘવાટ કરતી વૃક્ષોને તાણી જવા લાગી.
થોડા સમયે જયારે જળવૃષ્ટિ શાંત થઈને સુરજ નીકળ્યો ત્યારે સર્વ બહાર આવ્યા અને એકબીજાને મળ્યા,.
ને ફરીથી તેઓ ગંધમાદન પર્વત ઉપર આગળ ચાલવા મંડ્યા.(20)
અધ્યાય-૧૪૩-સમાપ્ત