અધ્યાય-૧૪૨-નરકાસુરનો વધ તથા વરાહનું ચરિત્ર
II लोमश उवाच II द्रष्टारः पर्वताः सर्वे नद्यः सपुरकाननाः तीर्थानि चैव श्रिमंति स्पृष्टं सलिलं करैः II १ II
લોમશ બોલ્યા-હે દર્શન કરનારાઓ,તમે સર્વ પર્વતો,નદીઓ,નગરો,વનો અને તીર્થો જોયાં છે ને તેના જળનો હાથથી
સ્પર્શ કર્યો છે,હવે આ માર્ગ દિવ્ય મંદર પર્વત તરફ જશે,તમે સૌ સાવધાન અને ઉદ્વેગરહિત થાઓ.
મંગળ જળવાળી આ પાવનકારી મહાનદી વહે છે,જેનું મૂળ બદરિકાશ્રમમાં છે.દેવો ને ઋષિઓ તેનું સેવન કરે છે.
સામગાન કરનારા મરીચિ,પુલહ,ભૃગુ ને અંગિરા અહીં સામનું ગાન કરે છે.ઇન્દ્ર,મરુદગણ સાથે આહનિક જપે છે.
સૂર્ય,ચંદ્ર,તારાઓ ને ગ્રહો,રાતદિવસના વિભાગ અનુસાર આ નદીને અનુસરે છે.શિવજીએ ગંગાદ્વારમાં આ નદીના
જળને મસ્તક પર ઝીલ્યું હતું,તેથી લોકની રક્ષા થઇ હતી.તમે સૌ આ ભગવતી ગંગાને પ્રણામ કરો.(10)
લોમશના વચનથી,પાંડવોએ નમ્રતાપૂર્વક એ આકાશગંગાને વંદન કર્યા ને પ્રસન્ન પામી આગળ ચાલ્યા.
હવે,તેમણે,સર્વ દિશામાં પથરાયેલો મેરુ પર્વતના જેવો ઊંચો એક ધોળો ઢગ જોયો.ત્યારે લોમેશ બોલ્યા-
હે પાંડુપુત્રો,આ ધોળો ઢગ,નરકાસુરનાં હાડકાંનો છે,તે પર્વતના પથરાઓ ઉપર પડ્યાં છે એટલે તે પર્વત જેવો
લાગે છે,ઈન્દ્રનું હિત કરવાની ઈચ્છાથી,વિષ્ણુએ આ દૈત્યને મારી નાખ્યો હતો.તે દૈત્યે દશ હજાર વર્ષ તપ કરીને ઇન્દ્રપદની ઈચ્છા કરી હતી.પોતાના તપોબળથી તે અજિત થઈને બીજાઓને પીડવા લાગ્યો હતો.(19)
તે દૈત્યના બળથી ઇન્દ્ર ભયભીત થઈને વિષ્ણુના શરણમાં ગયો.ત્યારે ઇન્દ્ર પરની પ્રીતિને લીધે,વિષ્ણુએ એક તમાચો મારીને તે દૈત્યનું ચેતન હરી લીધું,એટલે તે પૃથ્વી પર પડ્યો,તેનાં હાડકાંનો આ ઢગ છે.
વળી,વિષ્ણુનું બીજું એક કર્મ પણ અહીં પ્રકાશી રહ્યું છે.પૂર્વે પૃથ્વી,જળમાં નાશ પામી,પાતાળમાં ડૂબી ગઈ હતી ત્યારે,એક શિંગડાવાળા વરાહનું રૂપ લઈને વિષ્ણુએ તેનો ઉદ્ધાર કર્યો હતો.(29)
યુધિષ્ઠિર બોલ્યા-હે ભગવન.તમે આ કથા વિસ્તારથી કહો.વિષ્ણુએ પૃથ્વીને કેવી રીતે ઊંચે લાવી હતી?
ને પછી કેવી રીતે નિશ્ચળ થઇ હતી?આ પૃથ્વી કોના પ્રભાવથી સો જોજન ઊંડી ઉતરી ગઈ હતી?
લોમશ બોલ્યા-પૂર્વે,સત્યયુગ ચાલતો હતો,ત્યારે યમરાજ અધિકાર ચલાવતા હતા.ત્યારે કોઈ મરતું નહોતું,
બધું જન્મતું જ હતું.એટલે મનુષ્યો ને પ્રાણીઓ લાખોની સંખ્યામાં પાણીની જેમ વધતાં હતાં.પૃથ્વી પર
આવી ભયંકર ભીડ થઇ ગઈ,એટલે અત્યંત ભારને લીધે તે સો જોજન ઊંડી ઉતરી ગઈ.
ગભરાઈ ગયેલી ને પીડા પામેલી તે પૃથ્વી દેવોત્તમ નારાયણને શરણે ગઈ.
ત્યારે વિષ્ણુએ તેને આશ્વાસન આપીને એક શિંગડાવાળા વરાહનું સ્વરૂપ લઈને.
પોતાની કાન્તિથી ધુમાડો ઉત્પન્ન કરતા,તે આખા પ્રદેશમાં વધવા લાગ્યા,ને પૃથ્વીને ઊંચકીને સો જોજન ઉપર લાવ્યા.ને તેમણે જયારે પૃથ્વીને હલાવવા લાગી ત્યારે સર્વ જગ્યાએ હાહાકાર મચ્યો,દેવો ને ઋષિઓ ગભરાયા ને બ્રહ્મ પાસે જઈને કહેવા લાગ્યા કે-'કોને પ્રભાવે આ જગત વ્યાકુળ થયું છે?અમે સર્વ ભેભાન થયા છીએ' (53)
ત્યારે બ્રહ્માએ કહ્યું કે-'ઊંડે ઉતરી ગયેલી પૃથ્વીને વિષ્ણુએ ઊંચે લાવી છે,તેનો આ ખળભળાટ થયો છે.
નંદનવનમાં ઉભેલા તે લોકપાલ ભગવાન કાલાગ્નિ જેવા દેખાય છે,તેમની છાતી પર શ્રીવત્સનું ચિહન સ્પષ્ટ શોભી રહ્યું છે,તમે સૌ,દેવો ને ઋષિઓ એ અવિનાશી ભગવાનનાં ત્યાં જઈને દર્શન કરો'
આ સાંભળી સર્વ દેવો ને મહાત્માઓએ ત્યાં જઈ તે વરાહ ભગવાનનાં દર્શન કર્યા.ને પછી,પોતાના સ્થાને ગયા.
વૈશંપાયન બોલ્યા-તે કથા સાંભળીને પાંડવો આનંદ પામીને લોમશે બતાવેલ રસ્તે આગળ ચાલ્યા (63)
અધ્યાય-૧૪૨-સમાપ્ત