અધ્યાય-૧૪૧-યુધિષ્ઠિરના ઉદ્દગાર
II युधिष्ठिर उवाच II भीमसेन यमौ चौमौ पाञ्चाली च नियोधत I नास्ति भूतस्य नाशौ वै पश्यतास्मान्वनेचरान II १ II
યુધિષ્ઠિર બોલ્યા-હે ભીમસેન,નકુળ,સહદેવ ને પાંચાલી,તમે સાંભળો.પ્રાણીઓના પૂર્વકર્માનો નાશ થતો જ નથી,જુઓ આપણે કેવાં વનમાં ભટકીએ છીએ ! દુઃખ ભોગવીએ છીએ,છતાં અર્જુનને જોવાની ઈચ્છાથી,ચાલી ન શકાય તેવા દેશમાં પણ આપણે ચાલી રહ્યા છીએ.હું તે વીર અર્જુનને મારી પાસે જોતો નથી એટલે એનો વિરહ મારા અંગેઅંગને બાળી રહ્યો છે.મને યાજ્ઞસેનીનું અપમાન સળગાવી રહ્યું છે.આ તીર્થો,વનો અને સરોવરોમાં હું તમારી સાથે તે અર્જુનના દર્શનની ઈચ્છાથી જ ફરું છું.તેને પાંચ વર્ષથી મેં જોયો નથી એટલે હું બળી રહ્યો છું.(7)
નિંદ્રાને જીતનાર,ને સિંહના જેવા પરાક્રમી ગતિવાળા એ મહાબાહુને હું જોતો નથી તેથી હે વૃકોદર,મને ઝાળ લાગે છે.જે શત્રુદળમાં યમરાજની જેમ ઘૂમે છે,માતંગ જેવો મસ્ત છે,ધનને જીતનાર ને પરાક્રમમાં કોઈથીયે ઉતરે તેવો નથી,જેની પાસે શ્વેત અશ્વનું વાહન છે,જે અજેય છે,જે ભયકંર ધનુષ્ય ધારણ કરે છે તેને હું જોતો નથી,એથી હું સળગી રહ્યો છું.એ અર્જુન,પ્રતાપી,દયાવાન,શુદ્ધકર્મ કરનાર,ઉદાર માનવાળો અને મહાબળવાન છે,
ને આપણા સર્વનો તે આશ્રય છે.રણમાં તે શત્રુઓને હરીને સર્વ રત્નોનો લાવનાર છે
એના બાહુબળથી મને સર્વ રત્નોથી ભરેલી સભા મળી હતી,વીરતામાં વાસુદેવ સમાન અને યુદ્ધમાં કાર્તવીર્ય સમાન એ અર્જુન ને હું જોતો નથી.એનું બાહુબળ ને પ્રભાવ ઇન્દ્રની બરાબર છે,તેનો વેગ વાયુ સમાન છે
એવા તે નરસિંહને જોવાની ઈચ્છાથી આપણે સૌ ગંધમાદન પર્વતમાં પ્રવેશ કરીએ છીએ.
ત્યાં બોરડીનું વૃક્ષ છે અને નરનારાયણનો આશ્રમ છે.મહાતપ કરતા રહી આપણે કુબેરની રમણીય તળાવડીએ પગે ચાલીને જ જઈશું,હે વૃકોદર,વાહનવાળાથી,ઘાતકીથી,લોભીયાથી,કે અસ્વસ્થ ચિત્તવાળાથી એ દેશમાં જઈ શકાતું નથી આપણે સૌ આયુધો સજી,બ્રાહ્મણોની સાથે ત્યાં અર્જુનને શોધવા જઈશું.
ત્યાં અપવિત્ર માણસોને માખી,ડાંસ,સિંહ,વાઘ,ને સર્પો આવીને દુઃખી કરે છે પણ પવિત્ર માણસો સામે તો તે જોતા પણ નથી.તો મનને વશમાં રાખી ને આહારને નિયમમાં રાખી આપણે એ ગંધમાદન પર્વતમાં પ્રવેશ કરીએ (28)
અધ્યાય-૧૪૧-સમાપ્ત