અધ્યાય-૧૪૦-પાંડવોનું ગંધમાદન પર્વત તરફ પ્રયાણ
II युधिष्ठिर उवाच II एतर्हितानि भूतानि बलवंति महान्ति च I अग्निना तपसा चैव शक्यं गन्तु वृकोदर II १ II
યુધિષ્ઠિર બોલ્યા-હે વૃકોદર,આ સ્થાનોમાં મહાન ને બળવાન પ્રાણીઓ લપાઈને રહે છે,તપ અને અગ્નિની સહાયથી જ આપણે આગળ જઈ શકીશું.તો તું બળ ને દક્ષતાનો આશ્રય કરીને ભૂખ તરસને દૂર કર.લોમશ મુનિએ જે વચન કહ્યાં તે તેં સાંભળ્યા છે.અહીં,દ્રૌપદી કેવી રીતે ચાલી શકશે?
મને લાગે છે કે આ સહદેવ,ધૌમ્ય,બ્રાહ્નણો ને સેવકો સાથે તું પાછો વળ,હું,નકુલ ને લોમેશમુનિ એ ત્રણ જણ અલ્પાહારી ને નિયમ પારાયણ થઈને આગળ જઈશું.અમે પાછા આવીએ ત્યાં સુધી તું અમારી વાટ જોઈને અહીં ગંગાદ્વારમાં જ રહે ને સર્વનું રક્ષણ કરજે (7)
ભીમ બોલ્યો-અર્જુનના દર્શનની ઈચ્છાથી જેમ તમે ચાલી રહ્યા છો તેમ દ્રૌપદી અને અમે સર્વ ચાલી રહ્યા છીએ,
તો તમે અમને શા માટે પાછા વાળો છો? બ્રાહ્મણો,સેવકો આદિ સર્વેને ભલે પાછા ફરે પણ આ વિષમ ને દુર્ગમ સ્થાનોમાં હું તમને એકલા છોડવા ઈચ્છતો નથી.દ્રૌપદી ને સહદેવ પણ તમને છોડીને પછી વાળવા રાજી નથી.
તેથી અમે સાથે આવીશું જ,અહીં રથમાં જવાનું અશક્ય છે એટલે અમે પગે ચાલીને જ આવીશું.મારો એ નિશ્ચય છે કે જ્યાં દ્રૌપદી અને નકુલ-સહદેવ ચાલી નહિ શકે ત્યાં હું એમને ઉપાડીને ચાલીશ.(17)
યુધિષ્ઠિર બોલ્યા-હે ભીમ,તારું બળ નિત્ય વધો.સર્વને ઉપાડીને ચાલવાનું સામર્થ્ય
તારા સિવાય બીજા કોઈનું નથી.હે. મહાબાહુ,તને થાક ન લાગો ને તારો પરાભવ ન થાઓ.
દ્રૌપદી બોલી-'હે ભારત,હું સાથે જ ચાલીશ તમે મારા માટે ચિંતા ન કરો'
લોમશ બોલ્યા-ગંધમાદન પર્વત પર તપથી જઈ શકાય છે એટલે આપણે તપપરાયણ થઈએ.
વૈશંપાયન બોલ્યા-આ પ્રમાણે સર્વ આગળ ચાલ્યા ત્યારે તેમને સુબાહુનો મહાન દેશ દેખાયો.તેની સીમા પાર સુબાહુએ પ્રીતિપૂર્વક સત્કાર કર્યો.સર્વેએ ત્યાં મુકામ કરીને બીજા દિવસે હિમાલય તરફ પ્રયાણ કર્યું..
રથો,સેવકો અને સર્વ રસાલો ત્યાં સુબાહુરાજને ત્યાં જ મૂકીને પાંડવો પગપાળા આગળ ચાલ્યા.(29)
અધ્યાય-૧૪૦-સમાપ્ત