અધ્યાય-૧૩૯-પાંડવોનું કૈલાસ તરફ પ્રયાણ
II लोमश उवाच II उषिर्बीजं मैनाकं गिरि श्वेत च भारत I समतीतोSमि कौन्तेय कालशैलं च पार्थिव II १ II
લોમશ બોલ્યા-હે ભારત,તમે ઉશીરબીજ,મૈનાક,શ્વેતગિરિ તથા કાલશૈલ પર્વતોને વટાવી ગયા છો.જુઓ,આ સાત પ્રવાહે વહેતી ગંગા શોભી રહી છે.આ શુદ્ધ ને પવિત્ર સ્થાન છે અને અહીં અગ્નિ નિરંતર પ્રદીપ્ત રહે છે.સર્વ મનુષ્યો આ અદભુત સ્થાનને જોઈ શકતા નથી,તમે સમાધિ કરો અને આ તીર્થસ્થાનોને જુઓ.હવે કાળશૈલ પર્વતને ઓળંગીને આપણે શ્વેતગિરિ તથા મંદરાચલ પર્વતમાં પ્રવેશ કરીશું,જ્યાં મણિવર નામનો યક્ષ ને
યક્ષરાજ કુબેર રહે છે.ઝડપી ગતિવાળા અઠ્યાસી હજાર ગંધર્વો,કિંપુરુષો અને તેનાથી ચારગણા યક્ષો
એ સૌ યક્ષેન્દ્ર મણિભદ્રને ઉપાસી રહ્યા છે.તેમની પાસે અતિશય સમૃદ્ધિ છે ને તેમની ગતિ વાયુ જેવી છે.
ને તેઓ દેવરાજ ઇન્દ્રને પણ ચોક્કસથી ભ્રષ્ટ કરી શકે તેવા બળવાન છે.(8)
હે રાજન,ગંધર્વો ને રાક્ષસોથી રક્ષાયેલા આ પર્વતો દુર્ગમ છે તેથી તમે સમાધિ કરો.વળી,જે બીજા રૌદ્ર અને મૈત્ર રાક્ષસો કે જે કુબેરના મંત્રીઓ છે તેમને પણ આપણે મળવાનું થશે માટે તેમે પરાક્રમપૂર્વક સજ્જ થાઓ.
એ કૈલાશપર્વત છ જોજન ઊંચો છે.ત્યાં દેવો આવે છે.આ વિશાળ બદ્રિકાશ્રમ છે.
હે રાજન,કુબેરના ધામમાં તો અસંખ્ય યક્ષો,રાક્ષસો,કિન્નરો,નાગો,ગરુડો ને ગંધર્વો છે.તમે મારાથી ને
ભીમસેનના બળથી સુરક્ષિત થઈને,તપ ને ઇન્દ્રિયદમનપૂર્વક તે સ્થાનમાં પ્રવેશ કરો.(13)
હે દેવી ગંગા,ઇન્દ્રના જામ્બૂનદ પર્વત પરથી હું તમારી ગર્જના સાંભળું છું,હે દેવી,સર્વ અજમીઢવંશીઓમાં
શ્રેષ્ઠ એવા આ યુધિષ્ઠિરનું તમે પર્વતોથી રક્ષણ ને કલ્યાણ કરો.હે યુધિષ્ઠિર,હવે તમે સાવધાન થાઓ.
યુધિષ્ઠિરે ભીમને કહ્યું કે-તું દ્રૌપદીનું સાવધાન થઈને રક્ષણ કર.હે નકુલ-સહદેવ તમે બીશો નહિ અને પૂર્ણ સાવધાની પૂર્વક,લોમશ ઋષિ ને ભીમના રક્ષણ હેઠળ હિંમતથી ચાલો (20)
અધ્યાય-૧૩૯-સમાપ્ત