અધ્યાય-૧૩૮-રૈભ્યનો વધ ને સર્વનું પુનઃ સજીવન થવું
II लोमश उवाच II अतस्मिन्नेव काले तु ब्रुह्यध्युम्नो महीपतिः I सन्नं तेने महाभागो रैभ्यवाज्यः प्रतापवान् II १ II
લોમશ બોલ્યા-એ જ સમયે,રૈભ્યના પ્રતાપી અને મહાભાગ્યશાળી યજમાન બૃહદ્યુમ્ન રાજાએ યજ્ઞ આરંભ્યો હતો.
ને તેણે રૈભ્યના બે પુત્રોને યજ્ઞમાં સહાયક તરીકે પસંદ કર્યા હતા.પિતાની આજ્ઞા લઈને તે બંને ત્યાં ગયા હતા.
એકવાર પરાવસુ એકલો ઘેર પત્ની ને પિતાને મળવા નીકળ્યો,ત્યાં વનમાં તેણે પિતાને મૃગચર્મથી ઢંકાયેલા જોયા.
પણ,તે વખતે અંધારું હતું,એટલે તેણે પિતાને ઓળખ્યા નહિ ને માન્યું કે તે વનમાં વિચરતું કોઈ મૃગ છે.
શરીરની રક્ષા કરવાની ઈચ્છાથી તેણે પોતાના પિતાને મૃગ સમજીને મારી નાખ્યો.
પછી,સાચી વાતની જાણ થતાં,તે પિતાનાં અંત્યેષ્ટિ કાર્યો કરીને યજ્ઞ સ્થળે પાછો આવીને પોતાના ભાઈને કહ્યું કે-
'તું એકલો આ યજ્ઞકર્મ કરવા સમર્થ નથી.વળી,મેં પિતાને મૃગ માનીને મારી નાખ્યા છે,તો હે ભાઈ,મારી ખાતર તું બ્રહ્મહત્યાનું પ્રાયશ્ચિત કર.અહીં,હું એકલો પણ આ યજ્ઞકર્મ કરવા સમર્થ છું'
અર્વાવસુ બોલ્યો-ભલે,તમે યજ્ઞ પૂરો કરો હું તમારા માટે બ્રહ્મહત્યાના પાપનું પ્રાયશ્ચિતવ્રત કરીશ'
ત્યાર બાદ તે પ્રાયશ્ચિત પૂરું કરીને યજ્ઞમાં પાછો આવ્યો ત્યારે પોતાના ભાઈને પાછો આવેલો જોઈને પરાવસુએ રાજાને કહ્યું જે-આ બ્રહ્મહત્યારો છે,તે યજ્ઞમાં નજર નાખશે તો તમને નિઃસંશય પીડામાં નાખશે'
એટલે રાજાએ સેવકોને અર્વાવસુને યજ્ઞ બહાર ધકેલી દેવાની આજ્ઞા કરી.સેવકો તેને વારંવાર બ્રહ્મહત્યારો કહેવા લાગ્યા,ત્યારે અર્વાવસુએ પણ ફરીફરીને કહ્યું કે-'મેં બ્રહ્મહત્યા કરી નથી એ તો મારા ભાઈએ જ કરી છે,મેં તો તેને એમાંથી પ્રાયશ્ચિત કરીને છોડાવ્યો છે,છતાં તે જાતે કરેલી બ્રહ્મહત્યાને કેમ સ્વીકારતો નથી?'
સેવકોએ તેને ધકેલી કાઢ્યો એટલે તેણે વનમાં જઈને સૂર્યને આશ્રયે રહીને ઉગ્ર તપ આચર્યું ને
સૂર્યમંત્રનો રહસ્યમય વેદ રચ્યો.અવિનાશી સૂર્યે પ્રત્યક્ષ થઇ તેને દર્શન આપ્યાં
લોમશ બોલ્યા-હે રાજન,અર્વાવસુના તે કર્મથી દેવો પ્રસન્ન થયા ને તેમણે તેને સ્વીકાર્યો ને પરાવસુને દૂર કર્યો.
અગ્નિ આદિ દેવોએ અર્વાવસુને વરદાન માગવા કહ્યું ત્યારે તેણે માગ્યું કે-મારા પિતા સજીવન થાય,ને તેમને તેમના વધનું સ્મરણ ના રહે,મારો ભાઈ બ્રહ્મહત્યાના પાપમથી મુક્ત થાય ,ભરદ્વાજ ને યવક્રીત પણ ફરીથી જીવતા થાય ને મારા રચેલા સૂર્યસંબંધી વેદની પ્રતિષ્ઠા થાઓ' ત્યારે દેવોએ વરદાન આપ્યું.પછી,સર્વ સજીવન થયા.
ત્યારે યવક્રીતે અગ્નિ આદિ દેવોને પૂછ્યું કે-મેં વેદોનો અભ્યાસ કર્યો હતો ને વ્રતો આચાર્યા હતા છતાં,
મારા જેવા તપસ્વીને આ રૈભ્ય કેવી રીતે મારી શક્યા હતા?
દેવો બોલ્યા-તેં તો વિના ગુરુએ વેદોનું અધ્યયન કર્યું છે જયારે,આ રૈભ્યએ દુઃખ વેઠીને
ગુરુની સેવા કરીને લાંબે ગાલે આ ઉત્તમ વેદોનું અધ્યયન કરીને તેનું જ્ઞાન પ્રાપ્ત કર્યું છે'
લોમશ બોલ્યા-હે રાજસિંહ,આ તે મુનિનો આશ્રમ છે અહીં વાસ કરવાથી તમે પાપમુક્ત થશો (28)
અધ્યાય-૧૩૮-સમાપ્ત