અધ્યાય-૧૩૬-યવક્રીતનો વિનાશ
II लोमश उवाच II चेन्क्तभगः सा तदा यवक्रितोSकृत्तो भयः I जगाम माधवे मासि रैभ्याश्रमपदं प्रति II १ II
લોમશ બોલ્યા-હવે સર્વ રીતે નિર્ભય થયેલો તે યવક્રીત,એકવાર વૈશાખ માસમાં ફરતો ફરતો રૈભ્યના આશ્રમે જઈ પહોંચ્યો.ત્યાં તેણે રૈભ્યની સુંદર પુત્રવધૂને ફરતી જોઈ.કામથી બુદ્ધિ ખોઈ બેઠેલા તેણે તે સુંદરીને કહ્યું કે-
'તું મારી પાસે આવ' તે સ્ત્રી યવક્રીતને જાણતી હતી એટલે તેના શાપથી ડરીને તેની પાસે ગઈ.
યવક્રીતે તેને એકાંતમાં લઇ જઈને શોકસાગરમાં ડુબાડી દીધી.
તેવામાં રૈભ્ય ઋષિ આશ્રમે પાછા આવ્યા ત્યારે પોતના પુત્ર પરાવસુની પત્નીને દુઃખી થયેલી જોઈને તેને આશ્વાસન આપી તેને દુઃખનું કારણ પૂછ્યું ત્યારે તેણે યવક્રીતના વર્તનની વાત કહી સંભળાવી.એટલે રૈભ્ય મહાક્રોધે ભરાયા અને પોતાની જટામાંથી એક લટ ખેંચીને,મંત્ર પૂર્વક અગ્નિમાં નાખી,ને પોતાની પુત્રવધુના જેવા રૂપવાળી એક સ્ત્રી (કૃત્યા) ઉત્પન્ન કરી.વળી,બીજી લટ નાખીને એક ભયંકર દેખાવવા વાળો રાક્ષસ પેદા કરીને,રૈભ્યે તે બંનેને અત્યંત ક્રોધથી કહ્યું કે-'તે યવક્રીતને મારી નાખો' એટલે તે બંને 'ભલે' એમ કહીને યવક્રીત પાસે પહોંચ્યા.
રૈભ્યે સર્જેલી તે કૃત્યાએ,યવક્રીતને મોહમાં નાખ્યો ને તેનું કમંડળ લઇ લીધું.કમંડળ હરાવાથી ઉછિષ્ટ થયેલા તે યવક્રીત પર તે રાક્ષસ ત્રિશૂળ લઈને ધસ્યો.એ જોઈને યવક્રીત ઉભો થઈને પાણી માટે સરોવર તરફ દોડ્યો.
પણ સરોવરને જલહીન જોઈને તે પિતાની યજ્ઞશાળામાં પ્રવેશ કરવા ગયો ત્યારે રક્ષણ માટે ઉભેલા એક આંધળા શૂદ્રે તેને બળપૂર્વક પકડી રાખ્યો.ત્યારે તે રાક્ષસે યવક્રીતને ત્રિશુળથી ઘા કરીને મારી નાખ્યો ને
પછી તે રૈભ્ય પાસે પાછો પહોંચીને પેલી કૃત્યા સ્ત્રી સાથે ત્યાં જ રહેવા લાગ્યો (20)
અધ્યાય-૧૩૬-સમાપ્ત