અધ્યાય-૧૩૫-યવક્રીતનું આખ્યાન
II लोमश उवाच II एषा मधुविला राजन्समंगा संप्रकाशते I एतत्कर्दमिलं नाम भरतस्याभिपेचनम् II १ II
લોમશ બોલ્યા-હે રાજન,આ મધુવિલ નદી સમંગા નામે શોભી રહી છે.આ કર્દમિલ નામનું ભરતનું અભિષેક તીર્થ છે.વૃત્રને મારીને લક્ષ્મીરહિત થયેલો ઇન્દ્ર.પૂર્વે આ સમંગામાં સ્નાન કરીને પાપમુક્ત થયો હતો.મૈનાકની વચ્ચે આવેલું આ વિનશન નામનું તીર્થ છે.પૂર્વે અહીં અદિતિએ પુત્રપ્રાપ્તિ માટે ચરુ તૈયાર કર્યો હતો.આ ઋષિઓને પ્રિય કનખલ પર્વતો છે.આ મહાનદી ગંગા શોભી રહી છે.અહીં સનતકુમાર સિદ્ધિ પામ્યા હતા.તેમાં સ્નાન કરો.
આ પુણ્ય નામે જળનો ઝરો છે,આ ભૃગુતુંગ પર્વત છે,આ ઉષણી ગંગા છે.આ સ્થૂલશિરા ઋષિનો આશ્રમ છે.
આ રૈભ્યાશ્રમ છે,અહીં ભારદ્વાજનો યવક્રીત નામે પુત્ર નાશ પામ્યો હતો.(9)
યુધિષ્ઠિર બોલ્યા-ભરદ્વાજ ઋષિ કેવી રીતે યોગી થયા હતા?ને તેમનો પુત્ર શા માટે અહીં મરણ પામ્યો હતો?
લોમશ બોલ્યા-ભારદ્વાજ ને રૈભ્ય એ બંને મિત્રો હતા.ને પરસ્પર અત્યંત પ્રેમ રાખીને અહીં રહેતા હતા.
રૈભ્યને અર્વાવસુ અને પરાવસુ નામે બે પુત્રો હતા ને ભરદ્વાજને યવક્રીત નામે પુત્ર હતો.
રૈભ્ય ને તેના પુત્રો વિદ્વાન હતા જયારે ભરદ્વાજ તપસ્વી હતા.બ્રાહ્મણો,વિદ્વાન એવા રૈભ્ય અને તેના પુત્રોને માન આપતા હતા ને પોતાના પિતાનો સત્કાર કરતા નહોતા એટલે યવક્રીતને સંતાપ થતો હતો તેથી ક્રોધે ભરાઈને તેણે વેદજ્ઞાન માટે ભયંકર તપ આદર્યું ને ભડભડતા અગ્નિમાં પોતાના શરીરને તપાવવા લાગ્યો.
મહાતપથી તેણે ઇન્દ્રને સંતાપ કરાવ્યો.એટલે ઇન્દ્રે ત્યાં આવીને તપનું કારણ પૂછ્યું,ત્યારે ઇન્દ્રજિતે કહ્યું કે-
'ગુરુમુખેથી વેદોનું ઘણા લાંબા કાળે જ્ઞાન થાય છે માટે હું તપથી સર્વ જ્ઞાન પામવા ઈચ્છું છું'
ત્યારે ઇન્દ્રે કહ્યું કે-'તારો માર્ગ અયોગ્ય છે,જા,અને ગુરુમુખેથી જ વેદોનું અધ્યયન કર'
આમ કહી ઇન્દ્ર ચાલ્યો ગયો એટલે યવક્રીતે ફરી ફરીથી ઘોર તપ કરવા લાગ્યો.ને ફરીફરીથી ઇન્દ્રે આવીને
અનેક રીતે સમજાવીને તેને તેનું તે જ વાક્ય કહ્યું,છતાં યવક્રીત માન્યો નહિ ને તપ કરતો રહ્યો.
છેવટે,તેની જીદના લીધે ઇન્દ્રે તેને બે વરદાન આપ્યાં કે-'તને ને તારા પિતાને વેદોનું જ્ઞાન થશે ને વળી,તું જે ઇચ્છશે તે તને મળશે,હવે તું તારા આશ્રમે પાછો જા' ત્યારે તે યવક્રીત,આશ્રમે પાછા આવીને પિતા ભરદ્વાજને ઇન્દ્રના વરદાનની વાત કહી,એટલે ભરદ્વાજ બોલ્યા-બેટા,આ વરદાનોથી તને ગર્વ થશે ને અભિમાનથી ભરાયેલો તું દીન થઈએ ટૂંક સમયમાં જ નાશ પામશે.કેમ કે આ સંબંધે પૂર્વે,દેવોએ ગયેલી એક ગાથા ઉદાહરણરૂપ છે.
પૂર્વે બાલાધિ નામે એક પરાક્રમી મુનિ,પુત્રશોકથી ઉદ્વેગ પામીને પોતાનાઓ પુત્ર અમર થાય એ માટે
કઠોર તપ કર્યું ત્યારે દેવોએ કૃપા કરીને તેને કહ્યું કે-'મરણધર્મ વાળો માનવી અમર ન થાય એટલે
તારો પુત્ર નિમિત્ત આવરદાવાળો થશે' ત્યારે ઋષિએ કહ્યું કે-હે દેવો,આ પર્વતો નિત્ય અખંડ રહે છે
તો તેની અખંડતા સુધીનું આયુષ્ય મારા પુત્રનું રહો' દેવોએ કહ્યું-'તથાસ્તુ' (48)
વરદાનથી છકેલો તેનો અભિમાની પુત્ર ઋષિઓનાં અપમાન કરવા લાગ્યો.એક વખત તે ધનુષાક્ષ નામે એક ઋષિ પાસે પહોંચીને તેમનું અપમાન કર્યું એટલે ઋષિએ 'તું ભસ્મ થઇ જા' એવો શાપ આપ્યો.પણ તે ભસ્મ થયો નહિ,
એટલે ઋષિએ પાડાઓ ઉત્પન્ન કરીને,તેના આયુષ્યના કારણરૂપ થયેલા પર્વતને તોડાવ્યો,
એટલે તે પુત્ર તરત જ નાશ પામ્યો.પોતાના પુત્રના મરણથી બાલાધિ વિલાપ કરવા લાગ્યા.
ભરદ્વાજ બોલ્યા-હે પુત્ર,બાળક તપસ્વીઓ આમ વરદાન પામીને છકી જાય છે ને વિનાશ પામે છે.માટે જો જે તારું એવું ન થાય.આ રૈભ્ય ને તેના પુત્રો મહાપરાક્રમી છે.તું એમની સામે અયોગ્ય રીતે વર્તીશ નહિ.
યવક્રીત બોલ્યો-હે પિતા,હું તે જ પ્રમાણે કરીશ તમે સંતાપ ન કરો.રૈભ્ય પણ મારે મન પિતા તુલ્ય છે'
લોમશ બોલ્યાએ પ્રમાણે પિતાને મીઠું મીઠું કહીને,નિર્ભય થયેલો તે બીજા ઋષિઓને પીડવા લાગ્યો(60)
અધ્યાય-૧૩૫-સમાપ્ત