Feb 15, 2024

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-427

 

અધ્યાય-૧૩૪-બંદીનો પરાભવ 


II अष्टावक्र उवाच II 

अत्रोग्रसेनसमितेषु राजन्समागतेष्वप्रतिमेपु राजसु I नावैमि बंदीवरणमवादिनां महाजले हंसमिवाददामि II १ II

અષ્ટાવક્ર બોલ્યા-હે રાજન,અહીં,ઉગ્રસેન જેવા અપ્રતિમ રાજાઓ એકઠા થયા છે,તેઓમાં રહેલા વાદીઓમાં શ્રેષ્ઠ એવા તે બંદીને હું ઓળખતો નથી,મહાજલમાં હંસ એવા એને હું શોધું છું.(રાજાએ બંદી તરફ ઈશારો કર્યો એટલે બંદી તરફ વળીને તેને કહ્યું કે)હે અતિવાદીઓમાં અભિમાની,તેં વાદમાં હારનારાઓને પાણીમાં ડુબાડી દેવાની પ્રતિજ્ઞા કરી છે,

પણ આજે તું મારી સાથે વિવાદ નહિ કરી શકે.જેમ,પ્રલયકાળના ભડભડતા અગ્નિ આગળ,

નદીઓનો વેગ સુકાઈ જાય છે તેમ,આજે તારી દશા થશે.તું અહીં મારી સાથે વિવાદ કરવા સ્થિર થા (2)

.બંદી બોલ્યો-તું મને સુતેલા વાઘ જેવો ને પોતાના ઓઠો ચાટતા ઝેરીલા સર્પ જેવો જાણ.તેં મને પાટુ તો માર્યું જ છે ને હવે તું મારા માથા પર ઘા કરશે તો તને ડસ્યા  વગર હું નહિ છોડું-એ તું ચોક્કસ સમજી લે.જે અતિદુર્બળ પુરુષ,પોતાને દૃઢકાયાવાળો સમજીને,ગર્વમાં આવીને પથ્થર પર હાથથી પ્રહાર કરે છે 

તેનો હાથ ચિરાઈ જાય છે,પણપથ્થરને કશો ઘા પડેલો જણાતો નથી.(4)


અષ્ટાવક્ર બોલ્યા-જેમ,મૈનાક પર્વત આગળ બધા પર્વતો નિકૃષ્ટ (નિમ્ન) જણાય છે તેમ મિથિલાના આ રાજા આગળ સર્વ રાજાઓ નિકૃષ્ટ છે.હે રાજન,તમે એક જ સર્વ રાજાઓમાં શ્રેષ્ઠ છો,તો તમે બંદીને મારી પાસે લાવો (6)

લોમશ બોલ્યા-પછી,આ પ્રમાણે સભામાં ગર્જતા અષ્ટાવક્રે ક્રોધપૂર્વક બંદીને કહ્યું કે-

'તું મારા કહેલા વચનનો ઉત્તર આપજે,ને હું તારા વાક્યનો (વચનનો) ઉત્તર આપીશ'


બંદી બોલ્યો-(1)એક જ અગ્નિ અનેક રીતે પ્રજળે છે,એક જ સૂર્ય અખિલ વિશ્વને અજવાળે છે,એક જ દેવરાજ ઇન્દ્ર શત્રુઓને હણે છે અને એક જ યમ પિતૃઓનો ઈશ્વર છે' (તે જ રીતે ચૈતન્ય એક છે=અદ્વૈત) (8)


અષ્ટાવક્ર બોલ્યા-(2)ઇન્દ્ર અને અગ્નિ એ બે મિત્રની જેમ સાથે વિચરે છે.નારદ ને પર્વત બે દેવર્ષિઓ છે.અશ્વિનીકુમાર બે છે,રથને બે પૈડાં છે ને વિધાતાએ નિર્માણ કરેલાં પતિ-પત્ની એ બંને સખ્યભાવથી સાથે ફરે છે.(તે જ રીતે બુદ્ધિ અને ચૈતન્ય એ બે વસ્તુ પરસ્પર મિત્રતા કરીને વિષયોનો અનુભવ આદિ કાર્ય કરે છે)(9)


બંદી બોલ્યા-(3) આ પ્રજા કર્મે કરીને ત્રણ જાતના જન્મ લે છે.(દેવતા-મનુષ્ય-સ્થાવર) ત્રણ વેદો મળીને વાજપેય યજ્ઞ કરે છે (રુક-સામ-યજુ),અધ્વર્યુઓ ત્રણ કાળ યજ્ઞ કરે છે (પ્રાતઃ-સંધ્યા-સાયં),લોકો ત્રણ છે (સ્વર્ગ-મૃત્યુ-નરક) અને ત્રણ જ્યોતિઓ કહી છે.(સૂર્ય-ચંદ્ર-અગ્નિ) (10)


અષ્ટાવક્ર બોલ્યા-(4) બ્રાહ્મણોમાં આશ્રમો ચાર છે (બ્રહ્મચર્ય-ગૃહસ્થ-વાનપ્રસ્થ-સન્યાસ) ચાર વર્ણો આ યજ્ઞને ભારનું વહન કરે છે (બ્રહ્મ-ક્ષત્રિય-વૈશ્ય-શુદ્ર) દિશાઓ ચાર છે (પૂર્વ-પશ્ચિમ-ઉત્તર-દક્ષિણ) ચાર વર્ણ છે (હસ્વ-દીર્ઘ-પ્લુત-હલ) અને વાણી ચાર પદવાળી છે (પરા-પશ્યન્તી-મધ્યમા-વૈખરી) (11)


બંદી બોલ્યા-(5) પાંચ અગ્નિ છે (ગાર્હપત્ય,દક્ષિણાગ્નિ,આહવનીય,સભ્ય,આવસધ્ય) પાંચ પદવાળો પંક્તિ છંદ છે 

(આઠ આઠ અક્ષરવાળા પાંચ પાદોથી પંક્તિછંદ બને છે) પાંચ યજ્ઞો છે (દેવ-પિતૃ-ઋષિ-ભૂત-મનુષ્ય ) 

પાંચ ઇન્દ્રિયો છે (ત્વચા-શ્રોત્ર-નેત્ર-રસના-નાસિકા) વેદમાં પાંચ શિખાઓં વાળી અપ્સરા કહી છે (પંચચુડા ) અને લોકમાં પાંચ  નદીઓથી પંચનદ પ્રદેશ વિખ્યાત છે (વિપાશા-ઈરાવતી-વિતસ્તા-ચંદ્રભાગા શતદ્રુ ) (12)


અષ્ટાવક્ર બોલ્યા-(6) અગ્નિ સ્થાપના સમયે છ ગાયોનું દાન કરાય છે,છ ઋતુઓ સંવત્સરરૂપ કાળચક્ર સિદ્ધ કરે છે,મન સહિત જ્ઞાનેન્દ્રિયો છ છે,કૃતિકાઓ છ છે ને વેદોમાં સાદ્યસ્ક નામના છ યજ્ઞો કહ્યા છે (13)


બંદી બોલ્યા-(7) ગ્રામ્ય પશુ સાત છે (ગાય-ભેંસ-બકરી-ઘેટું-ઘોડા-કુતરા-ગધેડા) જંગલી પશુ સાત છે (સિંહ-વાઘ-શિયાળ-હાથી-વાનર-રીંછ-મૃગ) છંદ સાત છે (ગાયત્રી-ઉષણીક-અનુષ્ટુપ-બૃહતી-પંક્તિ-ત્રિષ્ટુપ-જગતી)

સપ્તર્ષિ સાત છે (મરીચિ-સ્ત્રી-પુલહ-પુલત્સ્ય-ક્રતુ-અંગિરા-વસિષ્ઠ) પૂજનના ઉપચાર સાત છે (ગંધ-પુષ્પ-ધૂપ-દીપ-નૈવેદ્ય-આચમન-તાંબુલ) ને વીણાને સાત તાર હોય છે (14)


અષ્ટાવક્ર બોલ્યા-(8) ત્રાજવામાં આઠ દોરીઓ હોય છે.સિંહને મારનાર શરભને આઠ પગ હોય છે.

દેવતાઓમાં વસુઓની સંખ્યા આઠ છે (ધર,ધ્રુવ,સોમ,અહ,અનિલ,અનલ,પ્રત્યુષ,પ્રભાસ) 

ને યજ્ઞોમાં આઠ ખૂણાના યૂપનું નિર્માણ કરાય છે (15)


બંદી બોલ્યા-(9) પિતૃઓ અર્થેના યજ્ઞમાં અગ્નિ ચેતાવવા માટે નવ મંત્રો (ઋચાઓ) કહ્યા છે.સૃષ્ટિની ઉત્પત્તિ નવ પદાર્થના સંયોગથી થાય છે.(પ્રકૃતિ,પુરુષ,મહત્તત્વ,અહંકાર ને પાંચ તન્માત્રા) બૃહતી છંદમાં નવ અક્ષરો બતાવ્યા છે ને એકથી નવના આંકડામાં બધી સંખ્યા આવી જાય છે (16)


અષ્ટાવક્ર બોલ્યા-(10) પુરુષ માટે લોકમાં દિશાઓ દશ કહી છે,દશ વાર સો ગણવાથી સહસ્ત્ર કહેવાય છે,ગર્ભવતીઓ દશ માસ સુધી ગર્ભ ધારણ કરે છે,ઉપદેશ કરનારા દશ છે (અધ્યાપક,પિતા,મોટાભાઈ,

રાજા,મામા,શ્વસુર,નાના,દાદા,વડીલ,કાકા) દ્વેષ કરનારા દશ છે (રોગી,દરિદ્ર,શોકાર્ત,રાજદંડિત,શઠ,

ખલ,વૃત્તિઓથી વંચિત,ઉન્મત્ત,ઈર્ષાપરાયણ,કામી) અને શરીરની અવસ્થાઓ દશ કહી છે.

(ગર્ભવાસ,જન્મ,બાલ્ય,કૌમાર,પૌગંડ,કિશોર,યૌવન,પ્રૌઢ,વાર્ધક્ય,મૃત્યુ) (17)


બંદી બોલ્યા-(11) જીવોના અગિયાર ઇન્દ્રિયોથી અનુભવાતા અગિયાર વિષયો છે(પાંચ કર્મેન્દ્રિયો,પાંચ જ્ઞાનેન્દ્રિયો ને મન કે જેનો વિષય મનન છે) યજ્ઞસ્તંભો અગિયાર છે,પ્રાણધારીઓના વિકાર અગિયાર છે (કામ,ક્રોધ,

મદ,મત્સર,હર્ષ,શોક,રાગ,દ્વેષ અને અહંકાર) ને રુદ્રો અગિયાર છે (મૃગવ્યાધ,સર્પ,નિઋતિ,અજૈકપાદ,

અહિર્બુધ્ન્ય,પિનાકી,દહન,ઈશ્વર,કપાલી,સ્થાણુ,ભવ) (18)


અષ્ટાવક્ર બોલ્યા-(12) સંવત્સરના બાર માસ કહ્યા છે,જગતી છંદના પાદમાં બાર અક્ષરો છે,

પ્રાકૃત યજ્ઞ બાર દિવસનો કહ્યો છે અને બાર આદિત્યો કહયા છે 

(ધાતા,મિત્ર,અર્યમા,ઇન્દ્ર.વરુણ,અંશ,ભાગ,વિવસ્વાન,પૂષા,સવિતા,ત્વષ્ટા અને વિષ્ણુ) (19)

બંદી બોલ્યા-(13) ત્રયોદશી તિથિને શ્રેષ્ઠ કહી છે અને પૃથ્વી તેર દ્વીપ વાળી છે.


લોમશ બોલ્યા-આ અડધો શ્લોક બોલીને બંદી અટકી પડ્યો એટલે 

અષ્ટાવક્ર તેની પૂર્તિ કરતાં બોલ્યા કે-'કેશી નામના દાનવે વિષ્ણુ સાથે તેર દિવસ યુદ્ધ કર્યું હતું.

વેદમાં જે અતિશબ્દ-વિશિષ્ટ છંદ બતાવ્યા છે તેના એક એક પાદ તેર અક્ષરવાળા કહ્યા છે (20)


ત્યારે સૂત-વરુણના પુત્ર બંદીને મૌન ધરી રહેલા,નીચું મોં રાખી રહેલા ને વિચારમાં પડેલા જોઈને સભામાં કોલાહલ થયો.સર્વ બ્રાહ્મણો પ્રસન્નતા પામી હાથ જોડી અષ્ટાવક્ર પાસે આવ્યા અને તેને સન્માન આપવા લાગ્યા (22)


અષ્ટાવક્ર બોલ્યા-આ બંદીએ,પૂર્વે વિદ્યાપરાયણ બ્રાહ્મણોને વાદમાં હરાવીને પાણીમાં ડુબાડી દીધા છે 

તો હવે આ બંદી પણ એ દશાને પામો.તેને હવે ઝટ બાંધીને પાણીમાં ડુબાડી દો.(23)

બંદી બોલ્યો-હે જનકરાજ,હું વરુણનો પુત્ર છું.તમારા યજ્ઞના વખતે જ મારા પિતા વરુણને ત્યાં પણ બાર વર્ષનો યજ્ઞ શરુ થયો હતો.તે યજ્ઞના અનુષ્ઠાન માટે મેં (જળમાં ડુબાડવાના બહાને) કેટલાક શ્રેષ્ઠ બ્રાહ્મણોને ત્યાં વરુણલોકમાં ત્યાં મોકલ્યા હતા.તે હવે પાછા આવી જ રહ્યા છે.ને,હવે (પાણીમાં ડૂબીને) હું જેને લીધે 

મારા પિતાને મળીશ,તે અષ્ટાવક્રનો હું સત્કાર કરું છું.(25)


અષ્ટાવક્ર બોલ્યા-આ બંદીએ,તેની ચર્ચાભરી બુદ્ધિથી,જે વેદવાણીને કુતર્ક-રૂપી-સમુદ્રમાં ડુબાડી દીધી હતી તેનો મેં ઉદ્ધાર કર્યો છે.તો સત્યાસત્યનો વિવેક જાણનારા પંડિતો મારી વાણીની પરીક્ષા કરી,સત્યનો પક્ષ લઈને જવાબ આપો.હે જનકરાજા,તું પણ શું ગુંદીના ફળ ખાઈને ક્ષીણ બુદ્ધિવાળો થઇ ગયો છે? કે તને તારી થતી સ્તુતિઓનો મદ ચડ્યો છે?હું તને ટોકી રહ્યો છું પણ તું કેમ મને સાંભળતો નથી? (28)


જનક બોલ્યા-હું તમારી દિવ્ય વાણીને સાંભળું જ છું,તમે સાક્ષાત દેવરૂપ છો,

તમે બંદીને વિવાદમાં હરાવ્યો જ છે.એટલે હું આ બંદીને તમારે હવાલે કરું છું (29)

અષ્ટાવક્ર બોલ્યા-હે રાજા,આ બંદીના જીવવાથી કોઈ જ લાભ નથી,

એટલે જો વરુણ તેના પિતા છે તો એને સમુદ્રમાં ડુબાડી દો.(30)

બંદી બોલ્યા-હું વરુણનો પુત્ર છું એટલે મને ડૂબવાનો ભય નથી.તમે આ ઘડીએ જ તમારા પિતાને જોશો 


લોમશ બોલ્યા-ત્યારે વરુણથી સત્કાર પામેલા સૌ વિપ્રો જળમાંથી ઉપર આવીને જનકની પાસે ઉભા રહ્યા.

કહોડ બોલ્યા-'હે રાજન,આટલા માટે જ મનુષ્યો પુત્રને ઈચ્છે છે.જે હું નહોતો કરી શક્યો તે મારા પુત્રે કર્યું છે'

તે પછી,તે બંદી,રાજા જનકની આજ્ઞા લઈને સાગરના જળમાં પેસી ગયો (37)


આમ,અષ્ટાવક્રે બંદીને હરાવ્યો,એટલે બ્રાહ્મણોએ તેનું પૂજન કર્યું.પછી અષ્ટાવક્રે પોતાના પિતાનું પૂજન કર્યું,

ને પછી મામા સાથે પિતાને લઈને પોતાના શ્રેષ્ઠ આશ્રમે પાછો આવ્યો.ત્યારે તેના પિતાએ તેને કહ્યું કે-

'તું આ સમંગા નદીમાં સ્નાન કર' અષ્ટાવક્રે તેમ કર્યું એટલે તેના આઠે અંગો તુરત જ સરખાં થઇ ગયાં.

લોમશ બોલ્યા-હે રાજન,આ સમંગા નદીમાં સ્નાન કરવાથી મનુષ્ય પાપમુક્ત થાય છે માટે 

તમે સર્વ પણ એમાં સ્નાન કરો અને નિશ્ચિત થઈને અહીં બ્રાહ્મણો સાથે સુખપૂર્વક નિવાસ કરો 

પછી મારી સાથે આગળનાં પવિત્ર ધામોમાં જઈશું (41) 

અધ્યાય-૧૩૪-સમાપ્ત