અધ્યાય-૧૩૩-જનકને ત્યાં સંવાદ
II अष्टावक्र उवाच II
अंधस्य पंथा बधिरस्य पंथाः स्त्रियः पंथाः भारवहस्य पंथाः I राज्ञः पंथा ब्राह्मणेनासमेत्य समेत्य तु ब्राह्मणस्यैव पंथाः II १ II
અષ્ટાવક્ર બોલ્યા-'બ્રાહ્મણ સામે ન મળ્યો હોય,તો આંધળાને,બહેરાને,સ્ત્રીઓને,ભાર વહેનારને
અને રાજાને માર્ગ અપાય,પણ,બ્રાહ્મણ સામે મળ્યો હોય તો તેને જ પ્રથમ માર્ગ અપાય'
રાજા બોલ્યો-'હું હાલ જ તમને માર્ગ આપું છું તમે ઈચ્છા હોય તેમ ખુશીથી જાઓ.કેમકે અગ્નિ થોડો પણ
હોય તો પણ વિસાત વિનાનો ગણાતો નથી અને તેથી ઇન્દ્ર પણ બ્રાહ્મણોને નિત્ય નમન કરે છે.' (2)
અષ્ટાવક્ર બોલ્યા-'હે રાજા,અમે બેઉ યજ્ઞ જોવા આવ્યા છીએ.અમને તે જોવાનું કુતુહલ છે,અમે બંને અતિથિરૂપે અહીં આવ્યા છીએ અને તમારા દ્વારપાળ પાસે પ્રવેશની આજ્ઞા ઇચ્છીએ છીએ.હે ઇંદ્રદ્યુમ્ન પુત્ર,પણ અમને આ દ્વારપાળ અટકાવે છે તેથી અમે ક્રોધરૂપી વ્યાધિથી બળીએ છીએ'
દ્વારપાળ બોલ્યો-'તમને બંનેને હું વંદન કરું છું પણ.બાળકો આ યજ્ઞશાળામાં પ્રવેશ કરી શકતા નથી,અહીં
વૃદ્ધ ને વિદ્વાન બ્રાહ્મણોને જ પ્રવેશ કરવાનો અધિકાર છે,અમે તો બંદીના આજ્ઞાપાલક છીએ '(5)
અષ્ટાવક્ર બોલ્યો-'હે દ્વારપાળ,જો અહીં વૃદ્ધોને જ પ્રવેશ કરવાનો અધિકાર છે તો મારો પણ અહીં પ્રવેશ યોગ્ય જ છે કેમ કે અમે પણ વૃદ્ધ,વ્રતધારી,વેદના પ્રભાવવાળા,સેવા પ્રયાણ,જિતેન્દ્રિય અને વેદાંતશાસ્ત્રમાં નિપુણ છીએ.
આથી અમને બાળક ન માનવા જોઈએ.કેમ કે નાના અંગારાને પણ અડતાં તે બાળી મૂકે છે'
દ્વારપાળ બોલ્યો-'તો બ્રહ્મને સિદ્ધ કરનારી મંત્ર આદિ અનેકરૂપવાળી અને કર્મકાંડથી શોભી રહેલી વાણી તું બોલી બતાવ.તું તારા બાળક શરીર તરફ જો,મિથ્યા બડાઈ શાને મારે છે? જ્ઞાની તો દુર્લભ હોય છે'
અષ્ટાવક્ર બોલ્યા-'માત્ર શરીર (વય)વધવાથી જ વૃદ્ધતા આવી જતી નથી.શીમળાના ફળની ગાંઠ વધી જાય પણ તે સારહીન હોવાથી વ્યર્થ જ છે.તેના કરતાં નાનું ને નીચું વૃક્ષ,પણ જે ફળવાળું છે તે જ મોટું (વૃદ્ધ) છે નહી કે
જેને ફળ લાગ્યાં ન હોય કે જેને સારહીન વ્યર્થ ફળો આવેલ હોય.તે વૃક્ષનું વધવાનું તો નહીં બરાબર જ છે.(9)
દ્વારપાલ બોલ્યો-'બાળકો વૃદ્ધો પાસેથી જ જ્ઞાન મેળવે છે,ને સમય જતાં જ વૃદ્ધ બને છે.
જ્ઞાન કંઈ થોડા સમયમાં મળી જતું નથી.તો તું બાળક થઈને વૃદ્ધની જેમ શા માટે બોલે છે?'
અષ્ટાવક્ર બોલ્યા-'કોઈને માથે પળિયાં(સફેદ વાળ)આવ્યાં હોય એટલે જ તે ઘરડો થઇ જતો નથી.પણ જે બાળક હોવા છતાં મહાજ્ઞાની છે તેને જ દેવો વૃદ્ધ કહે છે.ઋષિઓએ તો નિયમ કર્યો છે કે-જે સાંગોપાંગ વેદાધ્યયન કરે છે તે જ મહાન છે.હે દ્વારપાળ,હું રાજસભામાં બંદીને સાથે વાદવિવાદ કરીશ ને તું તેને આજે હારેલો જોઇશ'
દ્વારપાલ બોલ્યો-'હું તને તે સભામાં પ્રવેશ કરવા માટે પ્રયત્ન કરીશ તું પણ યોગ્ય પ્રયત્ન કરજે'
આમ કહીને તે અષ્ટાવક્રને રાજા જનક પાસે લઇ ગયો.(16)
અષ્ટાવક્ર બોલ્યા-'હે રાજન,તું રાજાઓમાં શ્રેષ્ઠ,સમ્રાટ ને સર્વ પ્રકારની સમૃદ્ધિવાળો છે,અમે સાંભળ્યું છે કે તારો બંદી,વાદવેત્તા વૃદ્ધોને વાદમાં હરાવે છે ને તારા નીમેલા વિશ્વાસુ માણસો દ્વારા તે સૌને પાણીમાં ડુબાડી દે છે.
હું અહીં બ્રહ્મનું પ્રતિપાદન કરવા આવ્યો છું,તો તે બંદી ક્યાં છે?હું તેને હરાવીને નિસ્તેજ કરી નાખીશ.(19)
રાજા બોલ્યો-'તું સામેના વાદ કરનાર (બંદી)ના બળને જાણ્યા વિના જ તેને જીતવાની આશા રાખે છે.
પૂર્વે અનેક બ્રાહ્મણોએ એ બંદી સાથે વાદવિવાદ કર્યો હતો,પણ સૂર્યની આગળ તારાઓની જેમ તે ભોંઠા પડ્યા હતા.બંદીને જીરવાની ઈચ્છા રાખનારા અને વેદજ્ઞાનથી મત્ત બનેલા કેટલાયે વિદ્વાનો તેની પાસે આવીને નિસ્તેજ થઈને હારી ગયા હતા.તો તું તો હજી બાળક છે.તું કેવી રીતે વાદવિવાદ કરી શકે? (22)
અષ્ટાવક્ર બોલ્યા-'તે બંદીએ મારા જેવા સાથે વાદવિવાદ કર્યો નથી,તેથી જ તે સિંહની જેમ નિર્ભય થઈને વાદ કરે છે.પણ મને મળતાં તે હારીને,ધરી ભાંગી જઈને અટકી પડેલા ગાડાની જેમ જડ થઇ જશે.
રાજા બોલ્યો-'(પ્રથમ મારા પ્રશ્નોનો જવાબ આપ) પ્રત્યેકને ત્રીસત્રીસ અવયવવાળા એવા જેને બાર અંશો છે.જેને ચોવીસ પર્વો છે અને જેને ત્રણસો સાઠ આરાઓ છે,તે પદાર્થને જે જાણે છે તે જ પરમ જ્ઞાની છે.(24)
અષ્ટાવક્ર બોલ્યા-'જેને (પૂર્ણિમા ને અમાવાસ્યારૂપી)ચોવીસ પર્વો છે,જેને (ઋતુઓરૂપી)છ નાભિ છે,
પ્રત્યેકમાં ત્રીસ ત્રીસ અંશ રહેનારી (રાશિરૂપી) બાર અંશો છે અને જેને (દિવસ રૂપી) ત્રણસો સાઠ આરાઓ છે,
તે નિત્ય ગતિવાળું સંવત્સર (કાળ) ચક્ર તમારું રક્ષણ કરો.(25)
રાજા બોલ્યો-જે બે,રથને જોડેલી ઘોડીની જેમ જોડાયેલી છે અને જે શકરા(બાજ પક્ષી)ની જેમ પડવાના સ્વભાવવાળી છે,તે બંન્નેને કયો દેવ ગર્ભરૂપે ધારણ કરે છે?અને તે બંને કોને જન્મ આપે છે? (26)
અષ્ટાવક્ર બોલ્યો-હે રાજન,પવનરૂપી સારથિવાળો મેઘ,એ વિદ્યુત અને અગ્નિને ગર્ભરૂપે ધારણ કરે છે
અને તે બેઉ પાછા મેઘ(વીજળી કે જે પડે છે)ને જન્મ આપે છે.તે બંને તમારા તો શું શત્રુ પર પણ પડો નહિ (27)
(નોંધ-અહીં અષ્ટાવક્ર પરોક્ષરૂપે પ્રશ્નનો ઉત્તર આપે છે.બે તત્વ કે જેને વેદિક ભાષામાં 'પ્રાણ અને રયિં' નામે કહે છે ને જે પોઝિટિવ ને નેગેટિવ (અનુલોમ-પ્રતિલોમ)છે ને જે સ્વભાવથી જ સંયુક્ત રહે છે.આનું વ્યક્ત સ્વરૂપ વિદ્યુત શક્તિ છે.કે જેને મેઘ ગર્ભની જેમ ધારણ કરે છે સંઘર્ષ થવાથી જે પ્રગટ થાય છે ને આકર્ષણ થવાથી બાજની જેમ પડે છે,ને જ્યાં પડે છે ત્યાં સર્વને ભસ્મ કરી દે છે)
રાજા બોલ્યો-સૂતાં કોણ આંખ મીંચતું નથી?જન્મતાં કોણ ગતિ કરતુ નથી?કોને હૃદય નથી?કોણ વેગથી વધે છે?
અષ્ટાવક્ર બોલ્યા-મત્સય સૂતાં આંખ મીંચતું નથી,જન્મયા પછી ઈંડુ ગતિ કરતુ નથી.
પથ્થરને હૃદય નથી અને નદી વેગથી વૃદ્ધિ પામે છે (29)
રાજા બોલ્યો-હે બ્રહ્મન,તમારી શક્તિ દેવતા સમાન છે,આપ બાળક નથી,પણ વૃદ્ધ સમાન છો એમ હું સમજુ છું.
વાદવિવાદમાં આપના જેવું કોઈ નથી.માટે યજ્ઞમંડપમાં અંદર જવાનું દ્વાર તમારા માટે ખુલ્લું છે.અંદર બંદી છે
કે જેને તમે મળવા ઈચ્છો છો ને વાદવિવાદ કરવા ઈચ્છો છો (30)
અધ્યાય-૧૩૩-સમાપ્ત